વાત : ૩૭૫
જેને વાસના હોય તેને અક્ષરધામમાં લઈ જાય છે. પણ જો તે વાસના ભોગવ્યા વિના તેને લઈ જાય તો તેણે ત્યાં ન રહેવાય. તે માટે જ્યારે અહીં દેહ મૂકે છે ત્યારે મહારાજ દર્શન દે છે, પછી તે મૂર્તિની કેડે ચાલ્યો જાય છે. પછી જેને અપ્સરાઉં તથા બીજા પંચ વિષયની ઇચ્છા હોય તો તે દેવલોકમાં રહે, અને જેને અમૃતપાનની ઇચ્છા હોય તો તે ચંદ્રલોકમાં રહે અને જેને ધનમાં રાગ હોય તેને કુબેરનો દેહ આપે અને જેને કામભોગની ઇચ્છા હોય તેને કામદેવ કરે અને જેને પ્રજાની ઇચ્છા હોય તેને બ્રહ્મા કરે છે. અને જેને બ્રહ્માંડને જોયાની ઇચ્છા હોય તેને વિરાટ કરે છે અને જે બ્રહ્માંડ કર્યાની ઇચ્છા હોય તેને પ્રધાનપુરુષ કરે છે અને જેને સર્વે નિયંતાપણું તથા સર્વે જીવનું અંતર્યામીપણું તથા અનંત કોટિ પ્રધાનપુરુષ ઉપજાવવા તથા એ સર્વેને નિયમમાં રાખવા અને નાના પ્રકારના વિષયભોગને ભોગવવા એ આદિકની જેને ઇચ્છા હોય તેને મહાપુરુષ કરે છે. અને જેને પ્રકટ ભગવાનની આજ્ઞા લોપીને ધર્મની ઇચ્છા હોય તેને વૈકુંઠલોકમાં મૂકે છે અને જેને સર્વે ઇંદ્રિયોને જીતીને તપ કરવાની ઇચ્છા હોય તેને બદ્રિકાશ્રમમાં મૂકે છે અને જેને નિરન્નમુક્ત થાવાની ઇચ્છા હોય તેને શ્વેતદ્વીપમાં મૂકે છે અને જે પ્રકટ ભગવાનની આજ્ઞા લોપીને નાના પ્રકારનાં વસ્ત્ર તથા ઘરેણાં વતે ભગવાનને થાળ ધરવા તથા નાના પ્રકારના હાર કરીને ભગવાનને ચડાવવા ઇત્યાદિક પદાર્થ વતે કરીને ભક્તિ કર્યાની ઇચ્છા હોય તેને ગોલોકમાં મૂકે છે અને જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યયુક્ત ભક્તિ અતિ દૃઢ કરીને સર્વે ઇંદ્રિયોને નિયમમાં કરીને પછી સૂક્ષ્મ દેહનો નાશ કરીને પછી આત્યંતિક પ્રલયનાં ઉપશમને સિદ્ધ કરીને પછી તે ઉપશમ ને મહારાજની મૂર્તિનું ધ્યાન તેણે કરીને કારણભાવને ટાળી નાખ્યો હોય અને મહારાજની સેવાની જ એક ઇચ્છા હોય તેને પોતાની સેવામાં રાખે છે.।।૩૭૫।।