વાત : ૮૦

બદ્રિકાશ્રમ તથા શ્વેતદીપના મુક્ત કેમ વર્તે છે ? ઉત્તર જે બદ્રિકાશ્રમના મુક્ત તો જાણપણા રૂપ થઈને ઇંદ્રિયો અંતઃકરણને જીતે છે ને શ્વેતદ્વીપના મુક્ત તો વાસુદેવ ભગવાનનું ધ્યાન કરે છે માટે એ તો નિરન્ન કહેવાય છે કેમ જે એ તો બે શરીરની ભાવનાએ રહિત વર્તે છે ને આત્મસત્તારૂપ થઈને શ્રીજીમહારાજનું ધ્યાન કરીને કારણ શરીરના રાગને ટાળે છે માટે નિરન્ન કહેવાય છે ને શ્રીજીમહારાજ દયાએ કરીને એક વાર તો સર્વે હરિભક્તને દેહનો ત્યાગ કરાવીને બ્રહ્મપુરમાં લઈ જાય છે ને પોતાને વિષે પ્રીતિ પણ અતિશય કરાવે છે ને પોતાનું અલૌકિક સુખ પણ અતિશય આપે છે તે પછી જેને જ્યાં મોકલવા ઘટે તેને ત્યાં મોકલે છે. પછી તે ભક્ત એ સુખને સંભારતો થકો બીજા રાગને ટાળીને પાછો શ્રીજી પાસે આવે છે.।।૮૦।।