વાત : ૪૫૯
જે જ્ઞાની ભક્ત હોય તે અતિશય શ્રેષ્ઠ હોય ને તેનાં વચન પણ ધર્મ, જ્ઞાનાદિકે યુક્ત હોય તેથી બળવાન બહુ હોય માટે તેના વચનને વિશ્વાસપૂર્વક ત્વરાવાન થઈને મુમુક્ષુ જો શ્રવણ કરે તો તેને સત્ય અસત્યની વિક્તિ તથા બહુ બુદ્ધિવાન તથા અલ્પ બુદ્ધિવાન હરિભક્તની વિક્તિ જણાઈ આવે છે ને શ્રવણ, મનનાદિકે કરીને જ્યારે જ્ઞાનાંશ પક્વતાને પામે છે ત્યારે સર્વે વક્તાના વચનનું પ્રમાણ થઈ આવે છે. માટે ગમે તેવો પંડિત હોય ને ગમે તેવો ડાહ્યો હોય ને ગમે તેવો મોટેરો હોય ને ગમે તેવો વાચાળ હોય તે સર્વેની પરીક્ષા આવી જાય છે, જે આ બહુ બુદ્ધિવાન ભક્ત છે ને આ નથી. માટે મુમુક્ષુને સંગ, સોબત, વાતચીત ઇત્યાદિક સર્વે ક્રિયા સત્પુરુષની જ ગમે છે ને એમના વચનને વિષે જે બળ છે તેને દૃષ્ટાંતે કરીને કહે છે ને શ્રીજીમહારાજની મરજી પ્રમાણે વર્તતા ધર્મવાળા ગરીબ એવા જે સપ્તર્ષિ તેના વચનનો ઉપરિચર વસુએ જો અનાદર કર્યો તો એ વિમાનમાંથી પૃથ્વી પર ચડી ગયો ને વળી પાતાળમાં પણ પેસી ગયો ને ઇન્દ્રે જો એ સપ્તર્ષિનું અપમાન કર્યું તો ધાન્યને ને દાંતને હજારો વર્ષ સુધી વૈર રહ્યું એવું મહત્પુરુષના વચનમાં બળ છે. ને શ્રી રામચંદ્રજીએ પરશુરામને રાંક બ્રાહ્મણ કરી મૂક્યા એવું મોટાના સંકલ્પમાં પણ અપાર બળ રહ્યું છે.।।૪૫૯।।