વાત : ૧૮૪

મહારાજ આજ્ઞા કરે જે તમારી નજરમાં આવે ત્યાં અવતાર ધરીને જીવોનાં કલ્યાણ કરી આવો. ત્યારે એવે ઠેકાણે દેહ ધારવો જે ગરીબ બ્રાહ્મણ હોય ને માગીને પેટ ભરતો હોય ને કન્યા પણ ન મળતી હોય ને વેદનો ભણેલો ને ધર્મવાળો હોય તેને ઘેર દેહ ધરવો કે તરત ઘરનો ત્યાગ કરીને ત્યાગી થવાય અને જો ભારે ધનાઢ્ય ગૃહસ્થને ઘેર જન્મ ધરે તો નાનો હોય ત્યાંથી એવા માર્ગમાં ચડાવી દે જે માન, મોટપ, સ્ત્રી, ધન ને લોકની આબરૂ તથા પોતાના સંબંધી તેમાં સ્નેહ થાય. પછી તે મૂકીને નીકળાય નહિ. તે માટે દેહ ધરવો પડે તો એમ સમજી, વિચારી, તપાસ કરીને દેહ ધરવો એ વાત અવશ્ય સમજવાની છે.।।૧૮૪।।