વાત : ૧૭૦
મોટા પુરુષની જે ક્રિયા છે તે જીવના કળ્યામાં આવે નહિ કેમ જે, એ તો નિઃસ્વાદી થકા સ્વાદને કરતા હોય ને નિર્લોભી થકા લોભને કરતા હોય ઇત્યાદિક સર્વે ક્રિયા અલૌકિક હોય છે માટે જીવના કળ્યામાં ન આવે. જેમ સૂર્યની પ્રકાશરૂપ જે શક્તિ છે તે નેત્રમાં આવે છે તેને ઇંદ્રિયો, દેવતા ને જીવ કોઈ કળી શકતા નથી ને વળી જેમ વૈરાજપુરુષના ગોલકની જે શક્તિ છે તે દેવ મનુષ્યાદિકના ઇંદ્રિયાદિકને પ્રકાશ કરે છે તેને પણ કોઈ કળી શકતા નથી ને વળી જેમ પુરુષોત્તમ ભગવાનની જે શક્તિ છે તે તો અક્ષર ને મૂળપુરુષાદિક સર્વેને પ્રકાશ કરે છે પણ તેને કોઈ જાણી શકતા નથી. ને વળી જેમ શૂરવીર પુરુષ હોય છે તે બરછી કે તીર નાખે છે તેમાં હાથની શક્તિ જાય છે પણ હાથમાં જેટલી શક્તિ છે એટલી તેમાં જાતી નથી પણ લેશમાત્ર જાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની જે શક્તિ છે તે તો બ્રહ્મ, માયા ને કાલાદિકને વિષે લેશમાત્ર જ આવી છે ને પોતાને વિષે તો અપાર રહી છે એવો મહિમા દૃઢપણે સમજીને ભજન સ્મરણ કરવું. જ્ઞાની ભક્ત જે તે પુરુષપ્રયત્ને કરીને સ્વભાવને ટાળે છે માટે એ શ્રીજીમહારાજને ગમે છે.।।૧૭૦।।
ટિપ્પણી
ગોલકઃ ઇંદ્રિયોનું અધિષ્ઠાન (સ્થાન) જે દ્વારા તેનું કામ થાય તે જગ્યા.