વાત : ૪૫૨

આત્યંતિક પ્રલયને અંતે શ્રીજીમહારાજ અક્ષરધામને વિષે જેવા અલૌકિક પાર્ષદ, ઐશ્વર્ય ને સામર્થીએ યુક્ત રહ્યા છે એમ યથાર્થ જાણવા તેને જ્ઞાન કહીએ ને એના એ ભાવે સોતા જ મનુષ્યરૂપ થયા છે પણ તેમાં જે કામાદિક સર્વે ભાવ દેખાય છે તે દિવ્ય છે એમ યથાર્થપણે સમજવું તેને વિજ્ઞાન કહીએ. ત્યાં ગોપીઓના તથા બળિ રાજાના દૃષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી.।।૪૫૨।।



ટિપ્પણી

ગોપીઓ તથા બળિરાજાનું દૃષ્ટાંતઃ પ્રૌઢ સ્વભાવની ગોપીઓ ભગવાનનો મહિમા બહુ સમજતી હતી અને ભગવાનની બધી ક્રિયાઓ દિવ્ય સમજતી હતી. તેમણે ઉદ્ધવજીને કહ્યું કે જો અમારાં હાડકાંની વાંસળી બનાવશો તો તેમાંથી પણ ‘કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ’ એવા શબ્દો નીકળશે. ગોપીઓ દહીં વેચવા ગઈ તો ‘દહીં લો, દહીં લો’ કહેવાને બદલે ‘કૃષ્ણ લો, કૃષ્ણ લો’ બોલવા લાગેલી. આ રીતે, તેમણે ભગવાનમાં તદાત્મપણું સિદ્ધ કરેલું.

વળી, શ્રી વામનજીએ બલિરાજાના માથા ઉપર પોતાનો પગ મૂકી બલિરાજાને પાતાળમાં પેસાડ્યા ત્યારે પણ બલિરાજાએ એમ જ કહ્યું કે ભગવાન, મારા વાળ ને રૂંવાડા લોઢાના શૂળ જેવા છે તેથી આપના કોમળ પગમાં ઘૂસીને વાગ્યા હશે, તેથી મોં ને આંખથી પગને પંપાળવા લાગ્યા. આ રીતે ભગવાનને તેમણે પ્રસન્ન કર્યા. હરિભક્તે ભગવાનને વિષે આવો દિવ્યભાવ રાખવો.