વાત : ૪૬૦
ભગવાનને સર્વ કર્તા થકા અકર્તા કેમ સમજવા ? ઉત્તરઃ જે ‘‘रामो न गच्छति ब्र तिष्ठति’’ (અર્થ :- રામ જતો નથી તેમ ઊભો પણ નથી રહેતો.) એમ અકર્તા શ્રીજીમહારાજ નથી. એ તો અક્ષરધામને વિષે જેવા અલૌકિક ઐશ્વર્ય, પાર્ષદ ને સામર્થી સોતા વિરાજે છે તેવા ને તેવા જ મનુષ્યભાવને વિષે પણ વર્તે છે. એવા થકા અક્ષરથી પર છે ને સર્વેના નિયંતા છે ને સર્વના પ્રકાશક છે ને સર્વના કર્તા છે એવા જે શ્રીજીમહારાજ તેમની જે સર્વે ક્રિયા છે તે જીવોના કલ્યાણને અર્થે છે ને જ્ઞાનાકાર છે. ને પોતાના સુખને અર્થે નથી માટે અકર્તા છે. વળી જેમ કોઈકે તો મનુષ્ય મારી નાખ્યાં હોય ને બીજા સોને મારવાને અર્થે સોમલખાર નંખાવીને લાડુનું જમણ કરાવતો હોય ત્યારે એ તેમારે છે કે જમાડે છે ? એ તો સ્વર્ગ સુખને અર્થે જ કરે છે. તેમ પરમેશ્વર જે તે ઊંચ, નીચ, યોગ્ય, અયોગ્ય, જે જે ક્રિયા કરે છે તે સર્વે જીવોના કલ્યાણને અર્થે જ કરે છે પણ પોતાના સ્વાર્થને અર્થે લેશમાત્ર કરતા નથી માટે સર્વે ક્રિયાને કર્તા થકા અકર્તા છે એમ અજ્ઞાની જીવ નથી સમજતા ને તે પોતા જેવા જાણીને લોભ, કામાદિક ભાવ ઈશ્વરને વિષે કલ્પે છે ને શાસ્ત્રને વિષે જીવોના કલ્યાણને અર્થે જે નિયમ કહ્યા છે તેને પણ ખોટા કલ્પે છે ને એ સત્પુરુષનો દ્વેષ કરે છે માટે અસુર ભાવને પામી જાય છે ને એના કલ્યાણને અર્થે પણ એ નિયમ થાતા નથી ને ઈશ્વરનાં ચરિત્ર તો સર્વે દિવ્ય છે ને જીવના કલ્યાણનો જ આગ્રહ જેમને વિષે એવા છે ને કોઈકનું પદાર્થ કોઈકને દઈ દે છે ને કોઈની વહુ દીકરી હોય તેને કોઈને દઈ દે છે ને કોઈની બહેન, સ્ત્રી હોય તેને કોઈને દઈ દે છે એવા અનંત પ્રકારનાં જે ચરિત્ર તેને દિવ્ય સમજે ને એમ જાણે જે એમનું કલ્યાણ એમ જ કર્યે થાતું હશે એમ પરમેશ્વરના ચરિત્રને વિષે અલૌકિકપણું સમજે ને એમ પણ જાણે જે મહારાજને તો કોઈ પદાર્થ જોઈતું નથી ને જે જે વસ્તુનું ગ્રહણ કરે છે તે તો જીવના કલ્યાણને અર્થે કેવળ દયાએ કરીને જ કરે છે ને પોતે અન્ન, જળ વિના વાયુ ભક્ષણ કરીને રહેતા માટે સર્વ ક્રિયાઓને કર્તા થકા પણ અકર્તા છે ને એની સર્વ ક્રિયા કલ્યાણરૂપ જ છે ને દિવ્ય છે. ત્યાં શ્લોક છે,
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्तवा देहं पुनर्जन्म नैंति मामेति सोऽर्जुन!।।१
न मां कर्माणि लिंपन्ति न मे कर्मफले स्परृहा ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते।।२
૧. અર્થ :- મારાં જન્મ અને ચરિત્ર દિવ્ય છે, આ પ્રમાણે જે યથાર્થપણે જાણે છે તે પુરુષ દેહનો ત્યાગ કરીને ફરીથી જન્મને નથી પામતો, પરંતુ મને જ પામે છે. (ગી. ૪૯ )
૨. અર્થ :- કર્મો મને બંધનકારક થતાં નથી તેમ જ કર્મના ફળરૂપ ભોગમાં પણ મને ઇચ્છા નથી. આ પ્રમાણે મને જે યથાર્થપણે જાણે છે તે ફળની આસક્તિનાં કારણરૂપ શુભાશુભ કર્મોથી બંધાતો નથી. (ગી. ૪.૧૪)।।૪૬૦।।
ટિપ્પણી
સોમલખારઃ ઝેર.
કામ્ય યજ્ઞઃ કોઈ વસ્તુ મેળવવાની કામના સાથે કરેલો યજ્ઞ.