વાત : ૫૧૦

અને એક દિવસ સ્વામીએ શુદ્ધ સંપ્રદાયના જ્ઞાનની વાત કહી જે જ્યારે પુરુષોત્તમ ભગવાન આ પૃથ્વીને વિષે પધાર્યા હોય ત્યારે તેમાં સહેજે જ એવો ચમત્કાર હોય જે પૂર્વના અવતારને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરી દેખાડે તથા તેને પોતાના સ્વરૂપને વિષે લીન કરી દેખાડે. ત્યારે એ વાર્તાને જોઈને તથા સાંભળીને એમ સમજવું જે એ ભગવાનના સ્વરૂપને કાળ, કર્મ તથા માયા પણ પરાભવ કરવાને સમર્થ થાય તેમ નથી તો મનુષ્ય તો ક્યાંથી જ એમને પરાભવ કરે ? કેમ જે એ ભગવાન તો કોઈના માર્યા મરે એવા નથી. એવી રીતે ભગવાનના સ્વરૂપને તો કોઈકના માર્યા મરે એવા નથી. એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજવું. ત્યારે કોઈકને એમ શંકા થાય જે એ ભગવાન તો માર્યા મરે એવા નથી ત્યારે ભીષ્મપિતાએ શ્રીકૃષ્ણ ભગવાનને પણ બાણ માર્યાં એમાં એમને શો બાધ છે ? કેમ જે ક્ષત્રિયનો એમ ધર્મ છે જે સંગ્રામમાં જે સામો આવે તેની સન્મુખ ઊભા રહેવું ને મારવું તે ક્ષત્રિયનો એમ ધર્મ રાખ્યા સારુ એમણે ભગવાનને બાણ માર્યાં કેમ જે ભગવાન તો કોઈકના માર્યા મરે એવા નથી એમ એની સમજણ હતી. પણ એ શુદ્ધ સંપ્રદાયના જ્ઞાનમાં કસર કહેવાય. માટે જે શુદ્ધ સંપ્રદાય થકી જ્ઞાનને પામ્યો હોય તે ભીષ્મની પેઠે ભગવાનને ન સમજે ને એ ભગવાન તો જેવા અક્ષરમાં છે તેવા જ પ્રગટ મનુષ્યના જેવી મૂર્તિ ધરીને વિચરતા હોય તેને સમજે પણ એમાં ને આમાં ફેર ન સમજે ને એમ સમજે જે એ અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન એવો શુભ સંકલ્પ ધારીને આ લોકને વિષે પધાર્યા હોય જે મારે અસંખ્યાત જીવનો ઉદ્ધાર કરવો છે. ત્યારે તે પ્રગટ ભગવાનની મૂર્તિનો સંબંધ જે જે જીવને જે પ્રકારે થાય તે સર્વે જીવનો મોક્ષ થાય. તથા તે ભગવાનના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત એકાંતિક મોક્ષ તથા પ્રેમલક્ષણા ભક્તિ તેમણે યુક્ત જે એકાંતિક ભક્ત હોય તેમને પોતાની મૂર્તિ સંબંધી સુખ આપવું એવો સંકલ્પ ધારીને પધાર્યા હોય ત્યારે પોતે એમ વર્તે જે જેમ મનુષ્યને વિષે પક્ષપાત તથા પારકું પોતાનું તથા જે જે મનુષ્યના સ્વભાવ તેને ગ્રહણ કરીને ભગવાન પણ વર્તે ત્યારે તે જીવોનો મોક્ષ પણ થાય ને પોતાના એકાંતિક જે ભક્ત હોય તેને પોતાની મૂર્તિનું સુખ પણ ત્યારે આવે તે વાસ્તે ભગવાનને વિષે મનુષ્યના જેવી સર્વે રીત હોય ત્યારે જે એ ભગવાનને વિષે મનુષ્યના જેવી સર્વે રીત હોય ત્યારે જે એ ભગવાનને વિષે અવળો સંકલ્પ કરે તેને એવું પાપ લાગે જે એનો જીવ પણ નાશ થઈ જાય. શા માટે ? તો એ ભગવાન એક નિમિષમાત્ર આ લોકમાં જો અધિક રહે તો અસંખ્યાત જીવોનો મોક્ષ થાય પણ આ લોકમાં આવે ત્યારે ભગવાન પણ મનુષ્યની રીતે વર્તતા હોય તે અંતર્ધાન થઈ જાય. વાસ્તે જેમ કોઈ રાજા આગળ દસ વીસ નટે રમત કરી હતી તે માંહોમાંહી કપાઈને મરી ગયા ને પછી ચાળીશ ગાઉ ઉપર નીસર્યા. તે દૃષ્ટાંતે કરીને જાણવા. તે માટે જ્યારે ભગવાન અંતર્ધાન થઈ જાય ત્યારે એક તો અગણિત જીવોનો મોક્ષ થાતો તે ન થાય ને એકાંતિક ભક્તને ભગવાનનો વિયોગ પણ થાય ને તે અવળો સંકલ્પ કરનારો જે જીવ તે નરકમાં જાય ને તેને એવું પાપ લાગે જે તે પાપની ગણતી કરવાને શેષજી પર્યંત કોઈ સમર્થ ન થાય. માટે જેમ અતિ અધિક છે જે મહાપાપ વગેરે પાપનો નિર્ણય તથા પ્રાયશ્ચિત્ત નથી તેમ જ ભગવાનને વિષે અવળો સંકલ્પ કરનારનું પણ જાણવું.।।૫૧૦।।