વાત : ૬૧

અને વળી પોતે એમ વાત કરી જે જે કશ્યપ તથા મરીચિ આદિક પ્રજાપતિ છે તે ત્યારે બ્રહ્માનું ધ્યાન કરે ત્યારે તે પ્રજાને સર્જવાને અર્થે સમર્થ થાય છે. ને બ્રહ્મા છે તે જ્યારે વૈરાટનું ધ્યાન કરે છે ત્યારે સૃષ્ટિ કરવાને સમર્થ થાય છે, ને વૈરાટ છે તે જ્યારે પ્રધાનપુરુષનું ધ્યાન કરે છે ત્યારે બ્રહ્માંડ રચવાને સમર્થ થાય છે, અને તે પ્રધાનપુરુષ છે તે જ્યારે મહાપુરુષનું ધ્યાન કરે છે ત્યારે તે અનંત કોટિ બ્રહ્માંડને સર્જવાને સમર્થ થાય છે, અને તે મહાપુરુષ છે તે જ્યારે પુરુષોત્તમનું ધ્યાન કરે છે ત્યારે તે પ્રકૃતિ દ્વારા અનંત કોટિ પ્રધાનપુરુષને ઉત્પન્ન કરીને તેને વિષે અંતર્યામીપણે કરીને રહ્યો થકો તે એક એક પ્રધાનપુરુષ દ્વારા અનંત કોટિ બ્રહ્માંડને બનાવવાને સમર્થ થાય છે. માટે જેટલો જીવ અને વૈરાટ પુરુષમાં ભેદ છે, તેટલો વૈરાટ અને પ્રધાનપુરુષમાં ભેદ છે અને જેટલો વૈરાટ અને પ્રધાનપુરુષમાં ભેદ છે, તેટલો પ્રધાનપુરુષ અને મહાપુરુષમાં ભેદ છે, ને તેથી અનંતગણો મહાપુરુષ અને અક્ષરમાં ભેદ છે ને જેટલો મહાપુરુષ ને અક્ષરમાં ભેદ છે તેથી અનંતગણો ભેદ અક્ષર અને પુરુષોત્તમ જે મહારાજ તેમાં છે એમ જાણવું.।।૬૧।।