વાત : ૮૨
મંડળમાં જે બખેડો થાય છે તેનું કારણ એ છે જે સરખા રુચિવાળા ન હોય માટે માંહોમાંહી સંપ રહેતો નથી ને એક રુચિવાળા હોય છે તેમાં પણ વૈરાગ્યને ભેદે કરીને સરસ નરસ હોય છે. તે ઉપર કુટીચક, બહુદક, હંસ ને પરમહંસ તેની વિગત જે જ્ઞાન ગૌણ ને આશ્રમધર્મ મુખ્ય હોય તે કુટીચક કહેવાય. ને આશ્રમધર્મ તથા જ્ઞાન તે બે તુલ્ય હોય તે બહુદક કહેવાય. ને આશ્રમધર્મ ગૌણ ને જ્ઞાનાભ્યાસ મુખ્ય હોય તે હંસ કહેવાય. ને આત્મા પરમાત્માને સાક્ષાત્ પામ્યો હોય તે પરમહંસ કહેવાય. એમના દૃષ્ટાંતે કરીને વાત જે, કુટીચક ને જ્ઞાન ગૌણ ને આશ્રમધર્મ મુખ્ય હોય તે એમ જાણે જે બહુદક, હંસ ને પરમહંસ એ ત્રણ જે તે મારા જેવા કેમ વર્તતા નથી ? એવી અવળી જે સમજણ છે તે ખોટી છે ને જે સરસ વર્તતા હોય તે એમ જાણે જે, જે ઊતરતા હોય તે પણ મારી પેઠે વર્તે તો ઠીક તે એની સમજણ તો શ્રેષ્ઠ છે.।।૮૨।।