વાત : ૩૨૦

જગત તે શું તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તે જગત છે. તેમાં પણ માન, સ્ત્રી ને ધન એ ત્રણ તો વિશેષ જગત છે. માટે ત્યાગીને તો બાળકની પેઠે કોઈ માન કરે તથા અપમાન કરે તથા પૂજા કરે તથા ધૂળ નાખે એ બેયને વિષે સમભાવ રહે તો જગતમાં ન લેવાણો. અને હર્ષ-શોકને પામે તો જગતમાં લેવાણો તેમ જ ત્યાગીને ધન ને સ્ત્રી એ બે તો ન હોય પણ જો ભક્ત ભગવાનના મંદિરને વિષે ધૂળ નાખીને ખાડા પૂરે તથા પાણા ફેરવે તથા મંદિરમાં ગાર કરે તથા સંતની સેવા કરે અને કોઈક તો રજોગુણી મનુષ્યને સત્સંગ કરાવીને તેને ઉપદેશ કરીને બે, ત્રણ તથા ચાર હજાર રૂપિયા લાવે ત્યારે એ બેયની ઉપર સમભાવ રાખવો અને જો એમ ન કરે ને અધિક ન્યૂન ભાવે રહે તો જાણવું જે એ જગતમાં લેવાણો.।।૩૨૦।।



ટિપ્પણી

લેવાણોઃ લેવાયો-ઝલાયો, ભળેલો.