વાત : ૪૦૪
સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરતા નથી ને નિષ્ફકર રહે છે માટે તેને સ્વભાવ હશે કે નહિ હોય ? ઉત્તરઃ જે સ્વભાવ તો છે પણ કોઈક તો આશ્રયનું બળ રાખે છે ને કેટલાકનો તો પ્રમાદ બહુ છે ને કેટલાકને તો સ્વભાવ ઓળખાતો જ નથી ને કેટલાક તો મહત્પુરુષના સંગે કરીને સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન પણ કરે છે અને માન, ક્રોધ ને ઈર્ષ્યા એ કલ્યાણના માર્ગને વિષે વિરોધી છે ને એ દોષે કરીને સંકર્ષણ ને વૈરાજ પુરુષ જેવા મોટા થાય છે પણ એકાંતિક ભક્ત જેવા તો થાતા જ નથી ને સત્પુરુષના પ્રસંગે કરીને સાચો થઈને જો સ્વભાવને ટાળે તો અલ્પકાળમાં ટળી જાય. નહિતો અંત સમે પણ ટળી જાય ને જો એમ નહિ કરે તો બદ્રિકાશ્રમને વિષે ને શ્વેતદ્વીપને વિષે જઈને પણ સ્વભાવને ટાળવા પડશે. ને એ બે સ્થાનકને વિષે કલ્પજીવી સર્વે છે માટે ત્યાં સુધી પુરુષ પ્રયત્ન કરવો પડશે.।।૪૦૪।।
ટિપ્પણી
નિષ્ફકરઃ ફિકર ન કરે તેવા.
કલ્પજીવીઃ એક કલ્પ (ચાર અબજ ને બત્રીસ કરોડ વર્ષ) જીવે તેવું.