૧૦ - આપણે તો મૂર્તિની વાતમાં ધ્યાન રાખવું

0:000:00

આવી રીતે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એકબીજામાં પરસ્પર વાતો થતાં તેમની સ્થિતિની ઘણાઓને ખબર પડતી ગઈ. એ વખતે દહીંસરામાં કેસરોભાઈ, સુખપુરમાં દેવજીભાઈ, માંડવીમાં મહાસમર્થ લક્ષ્મીરામભાઈ, ભૂજમાં સૂરજબા, કેરામાં સદાબા ને રામપુરમાં ધનબા – એ પ્રસિદ્ધ મુક્તો હતા. તેમના જોગ-સમાગમમાં રહેનારા રામપુરમાં દેવરાજભાઈ, વશરામભાઈ; વૃષપુરમાં કુંવરજીભાઈ; નારાયણપુરમાં જાદવજીભાઈ; ભારાસરમાં તેજોભાઈ આદિ બીજા પણ ઘણા મહારાજ તથા મોટાના કૃપાપાત્ર હતા. માનકૂવા, કેરા, સુખપુર, દહીંસરા, રામપુર, વેકરા, ભારાસર, નારાયણપુર, આદિ ગામોમાં એ વખતે મહિમા જાણનારા ઘણા હરિભક્તો તથા બાઈઓ સ્થિતિવાળાં જણાતાં, પણ એ સર્વને આ મુક્તરાજ અબજીભાઈની સ્થિતિ બહુ જ મોટી લાગતી. જ્યાં સુધી આ મુક્તરાજ પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તતા હતા, ત્યાં સુધી તો સહુ મનમાં ને મનમાં જાણતા, પણ જ્યારે નિરાવરણ દૃષ્ટિવાળા મોટા સંત સદ્‍ગુરુ અચ્યુતદાસજી સ્વામી તથા માંડવીમાં રહેતા અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, સૂરજબા, ધનબા, કેસરાભાઈ, દેવજીભાઈ એવા મહા સમર્થ મુક્તોએ તેમનો મહિમા કહેવા માંડ્યો, ત્યારે સૌ કોઈની વૃત્તિ તેમના સામી તણાવા લાગી. પછી તો સમૈયા પ્રસંગે કે બીજા કોઈ નિમિત્તે હરિભક્તો તેમને હેતે સહિત મળતા, બોલાવતા, પ્રાર્થના કરી રાજી કરતા. આ અનાદિ મુક્તરાજની પ્રકૃતિ તો પ્રથમથી જ એવી હતી કે સહજ સ્વભાવે પોતે બહુ બોલતા જ નહિ. જ્યારે કોઈ બોલાવવાનો અતિ આગ્રહ કરે, ત્યારે સ્વભાવે પોતે બહુ બોલતા જ નહિ. જ્યારે કોઈ બોલાવવાનો અતિ આગ્રહ કરે, ત્યારે એકાદ-બે વચન કહે, પણ મૂર્તિના સુખની જ વાતો કરે, બીજું બોલે નહિ. આવા સ્વભાવથી તેમના તરફ સૌનું આકર્ષણ વધુ થતું. જેમ વાત કરવામાં બહુ જ થોડાબોલા હતા તેમ વ્યાવહારિક ડહાપણની વાતમાં તો તેટલાય નહિ. કોઈ અણસમજણે ક્યારેક વઢી લે તોપણ તેનું પોતે જરા પણ મનમાં ન લાવતા અને તેમની સાથે પણ હસીને વાત કરતા. કહે કે, ‘તમને આમ કહ્યું ને કેમ તમે કાંઈ બોલ્યા નહિ?’ ત્યારે એવો જવાબ આપે કે, ‘આપણને કોઈ કાંઈ કહે જ નહિ. આપણે તો મૂર્તિની વાતમાં ધ્યાન રાખવું. પ્રકૃતિનું કારખાનું સર્વે વિસારવાનું છે. મૂર્તિ રાખે તેને મારુંતારું ન હોય, હર્ષશોક ન હોય. મૂર્તિ મળી ન હોય તે ભલે ફૂટે’, -આમ બોલે, તેથી તેમની સ્થિતિ સહેજે કળાઈ આવે જે, આ બહુ મોટા મુક્ત છે.