૬૧૬ - સંતોનો મહિમા તથા વાતો છપાવવાની આજ્ઞા

0:000:00

એક દિવસ રામપુરવાળા દેવરાજભાઈને બાપાશ્રીએ એમ કહ્યું જે, ‘તમે આવા સંતને ઓળખ્યા, તેથી કામ થઈ ગયું. આવા સંત ક્યાંય ન મળે. જીવને મૂર્તિમાં રસબસ કરવા હોય તે કામ આવા સંતથી થાય. આવા સંતનાં દર્શન, સ્પર્શ ને વાયરો ભટકાઈને જેના પર પડે તે બધાયનું કલ્યાણ થાય ને હડેડાટ ધામમાં ચાલ્યા જવાય. આ સંત બ્રહ્મની મૂર્તિઓ છે, આ સંતરૂપ ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે,’ –એમ કહી ત્યાં જ સંતોને રજા આપવાની ઇચ્છા જણાવી. પોતાને હજી શરીરમાં બરાબર ઠીક રહેતું નહિ, તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘બાપા! અમને હજી વૃષપુર લઈ ચાલો તો ઠીક,’ – એમ પ્રાર્થના કરી, પણ બાપાશ્રીની મરજી દેખી નહિ. વળી પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! આપણે તો સદાય ભેળા જ છીએ. તમે હવે ઘણું રહ્યા ને ન્યાલ કર્યા.’ આથી સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહિ. પછી તેમણે બાપાશ્રીની વાતોનો સંગ્રહ કરી રાખેલો તે છપાવવાની આજ્ઞા માગી. ત્યારે પોતે રાજી થઈને રજા આપી ને કહ્યું જે, ‘ભલે! છપાવજો, તેથી અનંત જીવોના મોક્ષ થશે.’ એ વખતે રહસ્યાર્થપ્રદીપિકા ટીકાવાળાં વચનામૃતની પણ બહુ પ્રશંસા કરી.