૫૨૨ - વીરમગામમાં ડૉ. નાગરદાસભાઈને દિવ્ય દર્શન

0:000:00

એક દિવસ બાપાશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ આદિ હરિભક્તોને કહ્યું જે, ‘વીરમગામથી રાત્રે તાર આવ્યો છે તેમાં લખે છે કે, ડૉક્ટર નાગરદાસભાઈને ઘણો મંદવાડ થઈ ગયો છે ને દર્શન માટે તલખે છે, માટે દયા કરી તુરત પધારી દર્શન આપો, તેથી હવે અમે કાલે જવાનું કરીશું. તમે બધાય રાજી રહેજો.’ ત્યારે હરિભક્તો કહે, ‘ભલે, આપ જેમ રાજી થાઓ તેમ કરો.’ એ વખતે સભામાં એક ગુણબુદ્ધિવાળા ડૉક્ટર બેઠેલા તેણે તે દિવસ રસોઈ આપવા ધારેલું, તેથી બહુ પ્રાર્થના કરી રોક્યા; તેથી તેમની રસોઈ ઠાકોરજીને જમાડી બીજે દિવસ નીકળવાનું ઠરાવ્યું, પણ નાગરદાસભાઈને દર્શનની બહુ જ તાણ જાણીને બાપાશ્રીએ સંતોએ સહિત તેમને વીરમગામ દિવ્યરૂપે દર્શન આપ્યાં. ત્યાં તો તે બેઠા થઈ પગે લાગવા માંડ્યા ને કહે, ‘બાપા! મારા પર બહુ દયા કરી. આમ ઓચિંતા આવ્યા! આપના પધારવાની કોઈને ખબરેય ન આપી?’ ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘અમે તો હજી કરાંચીમાં જ છીએ, પણ તમે બહુ સંભારતા હતા, તેથી તમને દર્શન દેવા આવ્યા.’ એમ કહી અદૃશ્ય થઈ ગયા. આ રીતે કરાંચીમાં રહ્યા થકા બાપાશ્રીએ વીરમગામમાં ડૉ. નાગરદાસભાઈને દિવ્યરૂપે દર્શન આપી રાજી કર્યા.