૨૬૧ - શ્રીજીમહારાજનાં દિવ્ય દર્શન
આ પારાયણમાં શ્રીજીમહારાજ ઘણી પ્રસન્નતા જણાવતા ને દિવ્યરૂપે સભામાં આવીને બેસતા. વળી ક્યારેક પંક્તિમાં ફરતા હોય એવાં દર્શન મુક્તરાજ ધનબાને થતાં તે વાત પોતે અનાદિ મુક્તરાજ બાપાશ્રીને પોતાની પાસે બોલાવીને કરતાં જે, ‘આ ફેરે તમારી દયાથી શ્રીજીમહારાજે બહુ રાજીપો જણાવ્યો છે. આજ તો સભા વચ્ચે સોનેરી પાઘે સહિત બધાંય ધોળાં વસ્ત્રો પહેરીને કંઠમાં ગુલાબ ને મોગરાનાં હારથી ગરકાવ એવા મહારાજ ગાદી ઉપર તકિયાનું ઓઠીંગણ દઈને બેઠા હતા.’ કોઈ વાર એમ કહેતાં જે, ‘ભાઈ! આજ તો મહારાજે બધાંય સોનેરી વસ્ત્રો પહેર્યાં હતાં ને હાથમાં છડી લઈ પંક્તિમાં ફરતા હતા.’ કોઈ વાર એમ કહેતાં જે, ‘સંતની પંક્તિમાં આજ ઉઘાડે શરીરે આડસોડે ખેસ નાખીને મહારાજ પીરસતા હતા.’ આમ જેવાં જેવાં દર્શન પોતાને થતાં, તે વાત જણાવી રાજી થતાં. એ વખતે બાપાશ્રી તેમને કહેતા જે, ‘આ કથામાં તમને રાજી કરવા મહારાજ આમ દર્શન આપે છે, કેમ કે સ્વામી ધામમાં પધાર્યા, તેથી સંત-હરિભક્તોને કે તમને એવી તાણ રહે જે, આ કથામાં આપણને ઓછો લાભ આવ્યો; એટલા સારુ મહારાજ તમને ટાણે ટાણે દર્શન દઈ રાજી કરે છે.’ આમ ને આમ બધાય યજ્ઞમાં મહારાજ દર્શન તો આપતા જ હોય, પણ એ વાત દિવ્ય દૃષ્ટિવાળા જાણે.