૨૯૬ - રામપુર ગંગાજીએ પારાયણ
ત્યાર પછી વૈશાખ સુદ નવમીને ચારપાંચ દિવસ હતા, ત્યારે ભૂજથી સ્વામી નારાયણદાસજી, ભક્તિપ્રિયદાસજી, હરિચરણદાસજી, આદિ ત્રીસ સંતો તથા પાર્ષદો રામપુર ગયા. સંતો ટાણે આવ્યા જાણી મુક્તરાજ ધનબા રાજી થયાં ને જોઈતી સામગ્રી બધી તૈયાર કરાવી લીધી. પછી સાતમની સાંજે હરિભક્તોના ચાર ગાડાં બાપાશ્રીને તથા સંતહરિભક્તોને તેડી લાવવા વૃષપુર મોકલ્યાં, એટલે આઠમને દિવસે ઠાકોરજીને જમાડી આ મુક્તમંડળ રામપુર આવતાં વચમાં દહીંસરાથી મુક્તરાજ કેસરાભાઈ ને ધનબા કહી ગયેલ હોવાથી તે પણ સાથે જ આવ્યા.
રામપુરમાં આ ફેરે સાત્વિક યજ્ઞ હતો, તેથી ચાળીસ જેટલા સંતોની સભામાં સામે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા કેસરાભાઈનું આસન ને રામપુર તથા વેકરા એ બેય ગામના હોંશીલા હરિભક્તોથી મંદિર ભરાઈ જતું ને કથા વાર્તા તથા પ્રશ્નોત્તર થતા. દેવરાજભાઈ તો ધનબા પાસેથી બાપાશ્રી પાસે કાંઈ કહેવું કે લેવુંદેવું હોય, તે કામમાં રોકાતા. કચ્છમાં હજારી ફૂલનાં પણ અહોભાગ્ય! કેમ કે શ્રીજીમહારાજની સેવામાં એ સદાય કામમાં આવે, તેમ બાપાશ્રી કે સંતો આવે ત્યારે પણ હરિભક્તો એ ફૂલો વડે પૂજા કરે. વળી કેટલાક હરિભક્તો ચંદન ઘસી લાવે, તો કેટલાક પોપૈયાં આદિ ફળ લાવે એમ સૌને નવો નવો આનંદ વર્તતો.
જ્યારે નવમીનો દિવસ આવ્યો ત્યારે સંતોએ કથા માટે આગળથી ગંગાજી ઉપર બધી ગોઠવણ કરી રાખેલ હોવાથી સવારમાં ત્યાં સભા થઈ. આગલે દિવસ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પણ ભૂજથી આવી પહોંચ્યા હતા. કથા ચાલતી થઈ ત્યારે પુરાણી તથા સંત-હરિભક્તોની ચંદન- પુષ્પથી પૂજાઓ થવા માંડી. એક તો નદીના કાંઠા ઉપર ઊંચું ગંગાજીનું રળિયામણું સ્થાન, તેમાં વળી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંત-હરિભક્તોની દિવ્ય સભામાં શ્રીજીમહારાજની દિવ્યવાણીરૂપ અમૃતપાન કરવાનું, પછી તેમાં શું કહેવાનું હોય! આમ સવાર-સાંજ કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. નિત્ય ચંદન-કુંકુંમ ને પુષ્પહારથી સંત હરિભક્તોની પૂજાઓ થાય ને સમાપ્તિ ટાણે કીર્તન બોલાય. પછી સંત-હરિભક્તોનું જમવાનું ચાલે. બપોરે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા કેસરાભાઈ અને નાગજીભાઈ જેવા મૂર્તિના સુખની ને મહિમાની વાતો કરે, એથી સહુને આનંદઆનંદ થઈ જતો. ક્યારેક સંતો પણ વાતો કરતા, એમ સાત દિવસ સુધી કથા થઈ.
આ કથામાં ગંગાજી ને રામપુર વચ્ચે જાણે હરિભક્તોનો મોટો માર્ગ પડ્યો હોય, તેમ હર્ષભર્યા સહુ આવે ને જાય. વચમાં એકાદશીની રાત્રે હરિભક્તોએ ઉત્સવની ધામધૂમ પણ બહુ કરી હતી. પછી પૂનમની સવારે સમાપ્તિ હોવાથી ગાજતેવાજતે હરિભક્તો ઠાકોરજીને લઈ ગંગાજીએ ગયા, ત્યારે જાણે આકાશમાં દેવનાં દુંદુભિ વાગતા હોય, તેમ રામપુર-વેકરામાં જણાતું હતું.
આ સાત્વિક યજ્ઞનું બધું ખર્ચ મુક્તરાજ ધનબાનું હતું, અને છેલ્લે દિવસે બાઈઓએ સહિત પોતે પણ ગંગાજી ઉપર આવી છેટેથી દર્શન કરી ગયાં હતાં. મોટાં મુક્ત સૂરજબા તથા સદાબા જેવાને જેમણે રાજી કરેલાં, તેમ વખતોવખત અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા કેસરાભાઈ જેવાને રાજી રાખવાની તાણ પણ એટલીજ રાખતાં, તેથી શ્રીજીમહારાજનો અતિશે રાજીપો તેમના પર હોવાથી ઘણી વાર આવા નાનામોટા યજ્ઞો તેમણે કરેલાં, તે વાત સૌ સંત-હરિભક્તોના જાણવામાં હતી, તેથી કચ્છના સત્સંગમાં બાઈ-ભાઈ સર્વે તેમનો મહિમા બહુ જાણતાં; તેમના સેવક કાનબાઈ પણ આ મુક્તરાજ ધનબાની સેવા સારી કરતાં, તેમ બાપાશ્રીનો પણ તેમને દિવ્યભાવ હોવાથી તે પણ ટાણે ટાણે પ્રસન્નતા મેળવતાં.