૩૬૨ - અમદાવાદમાં કચ્છી સંઘ તથા પારાયણ
ત્યાંથી સંઘ સર્વે અમદાવાદ આવ્યો, ત્યાં પણ સાંખ્યયોગી બાઈ નર્મદાબાએ ‘સત્સંગીજીવન’ની ત્રીજા પ્રકરણની પારાયણ બેસારી તેથી ત્યાં જ સહુ રોકાણા. એ કથા ચાલતી હતી ત્યાં વળી કચ્છમાંથી નવસો હરિભક્તોનો સંઘ છપૈયે જવા માટે આવ્યો. તેથી ગુજરાતી હરિભક્તોને આનંદનો સાગર ઊલટ્યો! સૌ કથાવાર્તા સાથે ઠાકોરજીનાં દર્શન કરી આનંદ પામતા હતા ને બાપાશ્રી એ સહુને દર્શનદાને રાજી કરતા હતા. એ પારાયણમાં સમાપ્તિનો દિવસ રામનવમીનો હોવાથી તે દિવસે સમૈયાની ભારે ધામધૂમ થતી હતી. એક કોરે મંદિરમાં ચોઘડિયાં વાગે ને ઉત્સવ થાય ને બીજી કોરે ચંદની નીચે કચ્છી હરિભક્તોએ સહિત સૌ મહારાજ તથા પુસ્તક ને પુરાણીની પૂજા કરે. સંતોને વસ્ત્રો ઓઢાડે એવી રીતે સમાપ્તિ થયા પછી પણ ઘણી વાર કથાવાર્તા ચાલી. સંધ્યાઆરતી પછી તો ચંદની નીચે કચ્છી હરિભક્તો ગરબી ગાવા લાગ્યા. શહેરના હરિભક્તો આ દિવ્ય મુક્તોને જોઈ રાજી રાજી થાય ને ‘જય જય’ બોલતા ઠાકોરજીનાં દર્શન કરે. મંદિર પર તો ભીડ મટે જ નહિ. રંગમહોલમાં શ્રી ઘનશ્યામ મહારાજ પાસે પણ એવી ને એવી જ ભીડ. સભામંડપ, મેડે, ઉતારે જ્યાં નજર જાય ત્યાં વધુ તો કચ્છી હરિભક્તો જ જણાય. નાના-મોટા હરિભક્તો બાપાશ્રી પાસે આવી પગે લાગે, દંડવત્ કરી પ્રાર્થના કરે. તે સર્વેને અનેક પ્રકારે રાજી કરતા ને વચમાં કોઈ હરિભક્ત આગ્રહ કરી ઘેર તેડી જાય તો પોતે ત્યાં પણ દર્શન દઈ આવતા. એ રીતે ગુજરાતી હરિભક્તોને રાજી કરી કચ્છી સંઘ સર્વે રેલે બેસી છપૈયે જવા નીકળ્યો.