૨૪૪ - અમદાવાદમાં પારાયણ

0:000:00

ત્યાર પછી સંવત ૧૯૬૩ના ફાગણ માસમાં સરસપુરના પ્રાણશંકરભાઈએ અમદાવાદના મંદિરમાં ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ તથા સંતો પાસે વદ નોમથી ચૈત્ર સુદ છઠ સુધી ‘સત્સંગિભૂષણ’ની પારાયણ બેસારવાનું નક્કી કરીને સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે બાપાશ્રીને કાગળ લખાવ્યો કે, ‘આ રીતે અહીં પારાયણનું નક્કી કરાવ્યું છે, તો આપ થોડા વહેલા પધારો તો સારું નહિ તો ફૂલડોળના સમૈયા પછી તો જરૂર આવજો. સાથે મુક્તરાજ કેસરાભાઈ, દેવરાજભાઈ, ધનજીભાઈ તથા આપના કુંટુંબમાંથી જેને જેને યોગ્ય લાગે તેને તેડતા આવજો, તમો લખો તો અહીંથી સંતોને તેડવા મોકલીએ.’ આવો કાગળ પહોંચતાં બાપાશ્રીએ જાણ્યું જે, સ્વામીને બે દિવસ કાગળ મોડો લખાશે તો અહીં સાધુને તેડવા મોકલે એવા છે. તેથી તુરત કાગળ લખાવ્યો જે, ‘તમારે ત્યાંથી સાધુને મોકલવાની જરૂર નથી. મારે શરીરે સારું છે, તેથી ભૂજમાં ફૂલડોળનાં દર્શન કરીને અમો પારાયણમાં આવી પહોંચશું,’ –એમ લખાવી પોતે ફૂલડોળ પછી દેવરાજભાઈ, ધનજીભાઈ, ખીમજીભાઈ તથા થોડા વૃષપુરના હરિભક્તોને સાથે લઈ અમદાવાદ પધાર્યા. આગળથી ખબર આપ્યા નહોતા, એટલે મંદિરમાં જઈ ઠાકોરજીનાં દર્શન કર્યા ત્યારે સદ્‍ગુરુઓ તથા સંતોને ખબર પડી. પ્રથમથી જ સહુ બાપાશ્રીની વાટ જોઈ રહ્યા હતા ને આવ્યા તેથી અતિ હેતે સહિત મળ્યા ને ઉતારા કરાવ્યા ત્યાં તો ખબર પડી, એટલે પ્રાણશંકરભાઈ પણ આવી પહોંચ્યા ને હર્ષભર્યા દંડવત્ કરીને મળતાં બોલ્યા જે, ‘બાપા! તમે વચન આપ્યું હતું તે પ્રમાણે દયા કરી પધાર્યા ખરા. તમને જોવાથી મારું અંતર હવે ઠર્યું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારી તાણ ઘણી હતી, તેથી શરીર ખમે એમ નહોતું તોય આવવું પડ્યું.’ એમ તેમને કહી નાહવા-ધોવાનું કર્યું.

બાપાશ્રી આવ્યાની વાત અડખેપડખેના ગામડાઓમાં પહોંચી જતાં કેટલાક પારાયણમાં ને કેટલાક દર્શનના લોભે એમ ઘણા હરિભક્તો આવી પહોંચ્યા.

સવારે પારાયણનો આરંભ થવાનો હતો, તેથી મંદિરમાં ધામધૂમ થઈ રહી હતી. થોડી વાર થઈ ત્યાં તો મંદિરના ચોકમાં ચંદની નીચે આચાર્ય મહારાજ તથા સંત-હરિભક્તો અને અનાદિ મુક્તરાજ બાપાશ્રી વગેરે દિવ્ય મુક્તોથી એ સ્થાન ઔલોકિક બની રહ્યું. શ્રીજીમહારાજ અને પુરાણીની પૂજા થયા પછી આરતી થઈ એટલે કથા ચાલતી થઈ. શ્રીજીમહારાજનાં દિવ્ય ચરિત્રોથી ભરપુર ‘સત્સંગિભૂષણ’ની પારાયણમાં એક પછી એક મહારાજનાં ચરિત્રો આવવાથી સર્વત્ર શાંતિ શાંતિ થઈ જતી. એક તો શ્રી નરનારાયણદેવનું વિશાળ મંદિર, તેમાં વળી આચાર્ય મહારાજ અને સંત-હરિભક્તોની દિવ્ય સભામાં કચ્છી પહેરવેષથી શોભતા પૃષ્ટ શરીરવાળા આ દિવ્ય મુક્તરાજને જોઈ સૌને આનંદ આનંદ થઈ રહ્યો હતો. પછી તો સભામાં નિત્ય નવીન નવીન દર્શન ને ચંદન-પુષ્પથી પૂજાઓ થાય. મોટા સદ્‍ગુરુઓ પ્રસંગે પ્રસંગે વાતો કરે. સવાર-સાંજ ચોઘડિયાં વાગે. મંદિરમાં ઠાકોરજી પાસે તથા શ્રી ઘનશ્યામ મહારાજ પાસે સંત-હરિભક્તો દર્શન કરતાં તૃપ્ત જ ન થાય. બાપાશ્રી જ્યાં બેઠા હોય, ત્યાં પણ એવી જ ભીડ. સવારે ઠાકોરજીના થાળ થયા પછી હરિભક્તોનું જમવાનું ચાલે અને સાંજે પણ આરતી પહેલા સહુ જમી લે. રાત્રે મોટી સભા ભરાય; તેમાં સદ્‍ગુરુઓ વાતો કરે તેથી સૌ હરિભક્તો રાજી રાજી થઈ જતા. આ રીતે જ્યારે સમાપ્તિનો દિવસ આવ્યો, ત્યારે તો સવારની સભામાં હરિભક્તોનો સમૂહ બહુ મોટો થયો. થોડી કથા બાકી હતી, તે વંચાઈ રહ્યા પછી પ્રાણશંકરભાઈએ આરતી ઉતારી. મહારાજ તથા પુરાણીની પૂજા કરી. ધ.ધુ. અચાર્યશ્રીને શિરપાવ કર્યો ને સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં તથા બાપાશ્રીને પણ ચંદન ચર્ચી ફૂલનો હાર પહેરાવી, માથે મોટી પાઘડી બંધાવી. તે વખતે બાપાશ્રીએ પણ પ્રાણશંકરભાઈને પોતાને હાથે પાઘડી બંધાવી, કંઠમાંથી ઉતારીને હાર પહેરાવ્યો ને બાથમાં ચાંપીને મળ્યા તથા વાંસો ઠબકારી શાબાશી આપી. આ બધું સંત-હરિભક્તો જોઈ રહ્યા ને જાણ્યું જે, પ્રાણશંકરભાઈ ઉપર બાપાશ્રીનો ઘણો રાજીપો છે.

ગુજરાતી હરિભક્તોનો પ્રેમ એવો, તેમ બાપાશ્રીની સાદાઈ પણ એવી, તેથી હરિભક્તોને એમ થાય જે, આપણે એમને કઈ વસ્તુ અર્પણ કરીએ ને એ રાજી થાય! બાપાશ્રીને તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ નજરમાં જ નહિ, તેથી એ પ્રેમી ભક્તો કોઈ હાર પહેરાવી જાય તો કોઈ દંડ્વત્ કરી ખોળામાં માથું મૂકે, કોઈ હાથ જોડી પ્રાર્થના કરે જે, અમારા ઉપર કૃપા રાખજો, રાજી રહેજો, એમ કહી રાજી થાય. બાપાશ્રી પણ તેમના પર પ્રસન્નતા જણાવી, માથે હાથ મૂકે, કે બોલાવે એટલામાં તો તેમને ‘અહો! અહો!’ થઈ જાય. સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામદાસજી અદિ સંતોને બાપાશ્રીને વિષે હેત ઘણું, તેથી તેમને આસને જ્યારે કથાવાર્તા થાય ત્યારે સંત-હરિભક્તો ભરાઈને બેઠા જ હોય..