૬૩૭ - વૃષપુરમાં આવતાં સંતોને દિવ્યભાવ

0:000:00

બાપાશ્રી વૃષપુરમાં આવ્યા એટલે ગામના નાનામોટા હરિભક્તો આવી આવીને દર્શન કરતાં આનંદ પામવા લાગ્યા અને પુત્ર-પૌત્રાદિક પણ સર્વે રાજી થયા. એ વખતે વડતાલના સંતો સદ્‍ગુરુ સ્વામી રઘુવીરચરણદાસજી આદિ જેઓ કચ્છમાં રોકાણા હતા તેમને બાપાશ્રી આવ્યાના ખબર મળતાં વૃષપુરમાં આવી ગયેલા, તે પણ પરમકૃપાળુ બાપાશ્રીને જોઈને બહુ હેત જણાવી મળ્યા ને કુશળ સમાચાર પૂછ્યા. તે વખતે થાળ તૈયાર હોવાથી બાપાશ્રીના નાના પુત્રે પ્રાર્થના કરી. તેમને બાપાશ્રી કહે, ‘હજી નાહ્યા પહેલાં ઉતાવળ ન કરો; નિરાંતે જમાડશું.’ એમ કહી નાહી, પૂજા કરી સંતો પાસે આવ્યા. ત્યારે તેમણે પણ ઠાકોરજી જમાડી આવવાનું કહેવાથી ઘેર જઈ જમી આવ્યા.

પછી થોડી વારે સભામાં આવીને બેઠા એટલે કેટલાક હરિભક્તો આવી આવીને દંડવત્ કરે, ફૂલના હાર પહેરાવે, મળે, પ્રાર્થના કરે, એમ ઘણી વાર દર્શન થતાં વડતાલના સંતોને બહુ અલૌકિક ભાવ આવ્યો, તેથી એ જ વખતે સભામાં સદ્‍ગુરુ સ્વામી રઘુવીરચરણદાસજી વાત કરવા લાગ્યા જે, ‘કેટલાક કચ્છ દેશના હરિભક્તો બાપાશ્રીને જોઈને પ્રેમઘેલા થઈ ગયા છે, એમ અમારા દેશમાં કહેવાય છે તે વાત મારી નજરે હું જોઈ રહ્યો છું, બાપાશ્રી તો શ્રીજીમહારાજ સામું જોઈને બેઠા છે, પણ સૌની વૃત્તિઓ એમને જોઈને તણાયા કરે છે, કરાંચીના હરિભક્તો પાસે પણ રંગની રેલ્યું વાળી આવ્યા, જેમ રંગ-ઉત્સવના દિવસે પહોંચ્યા ને સૌ પર રંગ નાખ્યો, તેમ જ મૂર્તિના સુખની વાતો કરીને સૌને મહારાજના સુખરૂપ દિવ્ય રંગમાં ઝબોળી નાખ્યા છે, એવા સમાચાર હમણાં મારા સાંભળવામાં આવ્યા. કરાંચીમાં તો ફક્ત પંદર દિવસ રહ્યા, પણ કેટલાંય કામ કરી આવ્યા! અહીંથી જવું હતું તે રાત્રે તો અમને એમ થતું હતું જે, ‘બાપાશ્રીને જવું નથી ને સ્વામી ઈશ્વરચરણદાસજી તેડવા આવ્યા, એટલે પરાણે જાય છે, પણ આમની કળા કળ્યામાં આવે એવી નથી. ગામડાંમાં અમે જ્યાં જ્યાં ગયા ત્યાં બાપા! બાપા! થઈ રહ્યું છે, પણ એમાં કાંઈ નવાઈ નથી. મોટા પુરુષ હોય ત્યાં એવી જ રીત હોય.’ સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘જેટલો ચમક હોય તેટલું લોઢું ખેંચાય, તેમ આ મુક્તરાજનું ખેંચાણ કોઈ નોખી જ ભાતનું છે; એમને જોઈને શાંતિ: શાંતિ: થઈ જાય છે, આ તો હેત ને મહિમાની વાત છે.’ આપણા સંપ્રદાયમાં ઘણાય મહામુક્તો શ્રીજીમહારાજ ભેગા પધાર્યા હતા. તે એકોએક અદભુત પ્રતાપી અને ભગવાનની પેઠે ચમત્કાર તથા ઐશ્વર્યપ્રતાપ જણાવે તેવા હતા, પણ સર્વોપરી ભગવાન સહજાનંદ સ્વામીરૂપી સૂર્ય ઉદય થયેલ છે, તેથી તેમની પાસે એ નાના ગણાય. નહિ તો મહારાજે પોતે જ કહ્યું છે કે, ‘જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ ને ચહાય તે કરવા સમર્થ છે, તેમ મુક્ત પુરુષ પણ એવા જ છે.’ એવાં કેટલાંક મહિમાનાં વચનો કહી બાપાશ્રી પાસે રાજી રહેવાના આશીર્વાદ માગ્યા. ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! અમે બહુ શાસ્ત્ર ભણ્યા નથી, તેમ આ લોકનાં ડહાપણ-ચતુરાઈમાં કાંઈ જાણતા નથી, પણ જીવને મહારાજની મૂર્તિમાં ઠેઠ પહોંચાડી દઈએ એવાં કામ કરીએ છીએ અને આપણે તો એ મૂર્તિના સુખમાં સદાય ભેગા રહીશું.’ એમ પ્રસન્ન થઈને બોલ્યા. પછી સંતો વૃષપુરમાં થોડા દિવસ રહ્યા ત્યાં સુધી દરરોજ બાપાશ્રી તેમની સાથે મહારાજના રહસ્ય અભિપ્રાયની વાતો કરતા તેમ જ ચંદન-પુષ્પથી પૂજાઓ કરી હેત જણાવવા લાગ્યા. એવી જ રીતે સંતો પણ બાપાશ્રીનો મહિમા જાણી જોગ-સમાગમ કરતા; જ્યારે વડતાલ જવા નીકળ્યા ત્યારે પણ બાપાશ્રીએ તેમની ચંદન-પુષ્પહારથી પૂજા કરી ભેળા રહેવાના આશીર્વાદ આપી રાજી કર્યા.