૪૩૪ - નિષ્કામભાવથી કરેલી સેવાનો સ્વીકાર

0:000:00

આ રીતે બાપાશ્રી પ્રસંગે પ્રસંગે મહારાજના મહિમાની વાતોથી સૌને સુખિયા કરતા પણ પોતાથી હજુ અશક્તિને લીધે ક્યાંઈ જઈ-આવી શકાય તેવું થયું નહોતું, તેથી પુત્ર-પોત્રાદિક તથા હીરજીભાઈ, જાદવજીભાઈ આદિ સેવકો જ્યાં જવુંઆવવું હોય ત્યાં માંચીમાં બેસારીને લઈ જતા ને લાવતા. સોની મોતીભાઈ તથા તેમના દીકરાઓ પણ ઘણો વખત ભૂજથી વૃષપુર આવીને રહેતા ને સેવા કરતા. પુરાણી કેશવપ્રિયદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી એ બેયની તો બાપાશ્રીએ જોડ કરેલી, તેથી એ પણ કાંઈ ને કાંઈ નિમિત્ત કરીને ભૂજથી આવી જાય ને બાપાશ્રી કહે તેટલું રહે પણ ખરા. એમ કરતાં દિવાળી ને અન્નકૂટના દિવસ આવ્યા, તો પણ બાપાશ્રીથી ભૂજ દર્શને જઈ શકાયું નહિ. ગામડેથી હરિભક્તો દર્શન કરવા આવે તે રાત રોકાઈને ઘેર જાય. કોઈ એક વખત જમવા રોકાય, તો કોઈ આજ્ઞાથી બે-પાંચ દિવસ રહે અને જે આવે તે દંડવત્ કરે, હાર પહેરાવે, પ્રાર્થના કરે, બાપાશ્રી તેમના પર હાથ મૂકે, આશીર્વાદ આપી સમાચાર પૂછે, કાં સૂતા સૂતા મહારાજના મહિમાની વાતો કરે. આમ કરતાં બીજા ત્રણ મહિના થઈ ગયા, પણ બાપાશ્રીને હજુ થોડો થોડો તાવ રહ્યા કરે. સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો કાગળો લખવાનું કહી ગયેલા હોવાથી તેમને કાગળો લખાવે જે, ‘મારે શરીરે હવે સારું છે, કોઈ વાતની ચિંતા કરશો નહિ. મંદિરથી ઘેર તથા વાડીએ અને કોઈ કોઈ વાર છત્રીએ પણ જવાય છે.’ -પોતાને તો અહીં માંચીમાં બેસારીને સેવકો લઈ જતા ને લાવતા.