૧૭૯ - કાશીરામભાઈને મહારાજ તેડી ગયા

0:000:00

એ જ વર્ષમાં લૂણાવાડાના કાશીરામભાઈ જે શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા તેમને મહારાજે દેહ મૂકવા પહેલાં દર્શન આપીને કહ્યું જે, ‘આજથી ચોથે દિવસ રાત્રે સવા આઠ વાગ્યે અમે તમને ધામમાં તેડી જઈશું.’ આમ પોતાને ખબર પડવાથી તેમના મોટાભાઈ રણછોડલાલ જે મોરબીમાં સરન્યાયાધીશ હતા, તેને પોતે તાર કરી તેડાવ્યા ને આ વાત કરી, તેથી તેમને એમ થયું જે, ‘કાશીરામભાઈ મારાથી નાના છે ને અખંડ મહારાજને સંભાર્યા કરે છે, તેથી અહીં બેઠા છે, તોય અક્ષરધામમાં જ છે. પણ હવે શું થાય?’ પછી બહુ વિચાર કરતાં પોતાને એમ થયું જે, ‘કચ્છમાં અત્યારે અનાદિ મુક્તરાજ અબજીબાપા બહુ મોટા છે, અને એ ધારે છે તેમ મહારાજ કરે છે, તેથી તેમને પ્રાર્થના કરવી ઠીક.’ એમ જાણી ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘હે બાપા! આ રીતે મહારાજે કાશીરામભાઈને દર્શન આપી તેડી જવાનું કહ્યું છે, પણ હમણાં એને રાખો તો સારું.’ આ પ્રાર્થનાથી તેમને આપેલ વચન પ્રમાણે મહારાજ તેડવા ન આવ્યા, એટલે કાશીરામભાઈએ બહુ પ્રાર્થના કરવા માંડી, ત્યારે મહારાજે દર્શન આપ્યાં, પણ એમ કહ્યું જે, ‘તમારા મોટાભાઈએ અમારા અનાદિ મુક્ત અબજીભાઈની પ્રાર્થના કરી છે ને તેમણે અમને કહ્યું છે કે, કાશીરામભાઈને હમણાં રાખો તો ઠીક. આમ તમારી અપીલ અક્ષરધામ સુધી પહોંચી આવી છે, એટલે અમારાથી તેડી જવાશે નહિ. હવે તમે તમારા મોટાભાઈને રાજી કરી રજા લ્યો, પછી તેડી જઈએ,’ એમ કહી અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસ સવારે કાશીરામભાઈ દાતણ કરવા બેઠા ત્યારે તેમના મોટાભાઈએ કહ્યું જે, ‘ભાઈ! વાયદા પ્રમાણે મહારાજ ન આવ્યા, તેથી તમે હવે સાજા થઈ જશો.’ એ વખતે કાશીરામભાઈએ રાત્રે પોતાને મહારાજે દર્શન આપીને કહ્યું હતું તે બધી વાત કરીને રણછોડલાલભાઈને રાજી કરવા આજીજી કરવા મંડ્યા કે, ‘ભાઈ! તમારી રજા વિના હવે મહારાજ મને નહિ તેડી જાય, તેથી તમે રાજી થઈ અનાદિ મુક્તરાજ અબજીભાઈને મારી વતી પ્રાર્થના કરો, મારે કોટિ ઉપાયે અહીં રહેવું નથી.’ આમ બે દિવસ વારે વારે કહેવા માંડ્યું, તેથી રણછોડલાલભાઈએ જાણ્યું જે, આને શ્રીજીમહારાજ પાસે જવાની ખરેખરી તાણ થઈ ગઈ છે, માટે એને અહીં રોકવા એ ઠીક નહીં. પછી ત્રીજે દિવસે રજા આપીને કહ્યું કે, ‘ભાઈ! ભલે હવે તમને મહારાજ તેડી જાય, હું રાજી છું.’ એમ કહી બાપાશ્રીને પણ પ્રાર્થના કરી. તે જ દિવસે મહારાજ તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી તેમને દિવ્ય તેજોમય દર્શન દઈને તેડી ગયા. પછી આ સર્વે હકીકત રણછોડલાલભાઈએ બાપાશ્રીને કાગળમાં લખી જણાવી.