૪૯૦ - મુક્તરાજ ધનબાને દિવ્ય દર્શન
એ ટાણે કેટલાક હરિભક્તો પણ સંતોની સાથે ચાલતા ઘનશ્યામ વાડીમાં સૌને જમવાનું હતું ત્યાં જઈ પહોંચ્યા ને મોટી મોટી પંક્તિઓ થવા માંડી. થોડી વારે બાપાશ્રી પણ હરિભક્તોના સમૂહે સહિત ધીરે ધીરે ચાલ્યા આવતા હતા, ત્યાં મુક્તારાજ ધનબાએ કહેવરાવ્યું કે, ‘ ભાઈને કહેજો કે છત્રીએથી વળતાં મને ‘જય સ્વામિનારાયણ’ કરતા જાય,’ આ સમાચાર મળતાં બાપાશ્રી એમ ને એમ હરિભક્તોએ સહિત બાઈઓના મંદિરમાં ગયા ત્યાં ચોકમાં હરિભક્તો સમાય નહિ એવી ભીડ થઈ રહી. એ ટાણે ધનબા ઓશરીમાંથી હળવાં હળવાં હેઠે આવ્યાં ને બીજાં બાઈઓ બધાં મંદિરમાં તથા ઓશરીમાં ઊભેલાં હતાં. બાપાશ્રીએ તો ધનબા પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ત્યારે તે હેતે સહિત ‘જય સ્વામિનારાયણ’ કરતાં કહેવા લાગ્યાં કે, ‘ ભાઈ! જરા બેસો.’ એમ બોલતાં નેત્રમાં હેતનાં આંસુ આવ્યાં ને ગદગદ થઈ ગયાં. પછી ઠાકોરજીને ગુલાબનો મોટો હાર પહેરાવેલ હતો તે પોતાનાં સેવક કાનબા પાસે મગાવી બાપાશ્રીને છેટેથી પહેરવા આપ્યો ને કહ્યું જે, ‘ તમે પહેરો તો હું રાજી થાઉં.’ એમ તે હાર પહેરાવી વારે વારે સામું જોઈ પગે લાગતાં બોલવાનું મન કરે, પણ કાંઈ બોલી શકે નહિ. એ જોઈ બાપાશ્રી કહે, બાઈ! આજ આમ કેમ થઈ રહ્યાં છો?’ ત્યારે કહે, ‘શરીરનાં કામ એવાં જ છે, હાલતાં અટકાવી મૂકે. જરા જરા હમણાં તાવ આવી જાય છે.’ પછી એમ બોલ્યાં જે, ‘ભાઈ! તમારે આજ બધાયને જમાડવાનું મોડું તો થતું હશે, પણ મારે તમારી પાસે જરા હરખ કરવો છે તે કરી લઉં એટલે નિરાંત થાય. મને અહીં સૂતાં સૂતાં આજ એવાં દર્શન થાય છે કે, જાણે મહારાજ શીરાના હોજ પર સોનેરી પાઘ બાંધીને બેઠા છે ને મરક મરક હસે છે. સુખડીના ઓરડે પણ એમ જ બેઠા છે. તમે હમણાં છત્રીએ હનુમાનજી પધરાવવા ગયા હતા ત્યાં તો સંતોની વચમાં આવીને તમારે પડખે ઊભા હતા ને સંત-હરિભક્તો બધાયમાં તેજ તેજ થઈ રહ્યું હતું. આ ફેરે મને શરીરમાં ઠીક નહોતું, તેથી જો અહીં ન અવાણું હોત તો આવો લહાવ ક્યાંથી મળત? મને તો એમ લાગે છે કે, આ બધો તમારો પ્રતાપ છે. તમે મારા પર રાજી રહેજો ને ટાણે સંભારી લેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બાઈ! મહારાજ તો આપણા ભેળા જ છે. આવા ટાણે એમનું કામ હોય ત્યાં એ દર્શન આપે એમાં શું? એમ કહી ઊઠ્યા ને કહે, ‘હરિભક્તો જમવા બેઠા હશે તે ત્યાં જઈએ તો સહુ રાજી થાય’.