૫૩૩ - સાધુ કૃષ્ણપ્રસાદદાસજી પર કૃપા

0:000:00

આ વખતે મૂળીથી થોડા સંતો કચ્છમાં આવેલા, તેમાં કૃષ્ણપ્રસાદદાસજી નામના સાધુને માર્ગમાં મરડો ને આંકડી થતા ઘડી ઘડી નાહવાનું થતું હતું, તેથી વારે વારે પોતાને એમ થાય જે, 'આ દરદમાં દેહ રહે તેવું લાગતું નથી, પણ એક વાર બાપાશ્રીનાં દર્શન થઈ જાય ને પછી દેહ પડે તો હરકત નહિ,' એમ વિચાર કરતાં તેમનું ગાડું વાડીને માર્ગે થઈને આવતું હતું તેથી સંતોએ કોઈને પૂછ્યું જે, 'આ ટાણે બાપાશ્રી ક્યાં હશે?' ત્યારે એવા ખબર મળ્યા જે, 'એ તો વાડીએ છે.' તેથી એમ ને એમ ગાડામાંથી ઊતરી સંતોએ સહિત એ વાડીએ આવ્યા. ત્યાં તો બાપાશ્રી કોસ હાંકવાના પૈયામાં હરિભક્તો સાથે વાતો કરતા બેઠેલા છેટેથી જોયા કે તુરત હેતે સહિત દંડવત્ કરવા લાગ્યા. એ જોઈ બાપાશ્રી પણ હરિભક્તોએ સહિત ઊભા થઈ તેમને મળ્યા, ત્યારે એ બોલ્યા જે, 'બાપા! મને આંકડી ને મરડો બહુ થઈ ગયો છે ને દર્શન થવાની આશા નહોતી, પણ તમારી દયાથી દર્શન થયાં. હવે દેહનું ગમે તેમ થાય તેની ફિકર નથી.' પછી બાપાશ્રી કહે, 'મંદિરમાં ચાલો, મહારાજ સારું કરી દેશે.' એમ કહી તેમને મંદિર મોકલીને પાછળથી પોતે આવ્યા ને મંદિર સામેની ઓરડીમાં આસન કરાવ્યું; પછી તેમની સાથે આવેલા સંતો એક હરિભક્તને તેમની પાસે રાખી સભામાં બેઠા, પણ આ સંતને વારે વારે દિશાએ જવાનું થયા કરે એમ આખી રાત રહ્યું તેથી સવાર સુધીમાં તો કાયરપણું આવી ગયું ને જાણ્યું જે, 'આ દુઃખ કરતાં તો હવે ધામમાં જવાય તોય સારું.' પછી સવારમાં વહેલા બાપાશ્રીને પોતાની પાસે બોલાવીને કહ્યું જે, 'બાપા! હવે મને મહારાજના સુખે સુખિયો કરો તો ઠીક. આંકડી એવી આવે છે કે જાણે હમણાં દેહ પડી જશે ને આખી રાત દિશાએ જઈ જઈને થાકી પડ્યો છું' આવાં તેમના વચન સાંભળી બાપાશ્રી ઘેર જઈને દહીંમાં જીરું નાખેલ તાંસળું ભરી લાવ્યા ને પોતાને હાથે હલાવી મહારાજને જમાડીને કહ્યું જે, 'લ્યો! આટલું પી જાઓ. ધામમાં જવાની શી ઉતાવળ છે! ધામમાંએ મહારાજની મૂર્તિ છે ને અહીં પણ એ જ મૂર્તિ છે. એ અહીં રાખે ત્યાં સુઘી અહીં રહેવું ને ધામમાં રાખે ત્યારે ત્યાં રહેવું. અહીં ને ત્યાં એ બહિર્વૃત્તિએ છે, અંતર્વૃત્તિવાળાને તો બધું અહીં જ દેખાય; તમને ઠીક થઈ જશે, ફિકર રાખશો મા. ઘડીયે મૂર્તિને ન મૂકીએ તો સદાય ધામમાં જ છીએ એમ લાગે.' એવાં વચનો કહી બાપાશ્રીએ તેમને દહીં-જીરું પાયું; પછી માથે હાથ મૂક્યા ને પેટ પર હાથ ફેરવ્યા એટલે આંકડી વગેરે દુઃખ થતું હતું તે જાણે હતું જ નહિ, એમ થઈ ગયું. ત્યાર પછી એમણે જાણ્યું જે, 'બાપાશ્રીનો રાજીપો તો અખંડ મૂર્તિ સંભારવામાં છે.' તેથી પોતે ત્યાંથી જ ધ્યાન-ભજનમાં અખંડ મૂર્તિ ધારવાનો અભ્યાસ કરવા માંડ્યો ને ઘણા અભ્યાસ પછી તો તેમને 'સાધુ કૃષ્ણપ્રસાદજી' એ નામે કેટલાક ન બોલાવતાં 'ધ્યાની સ્વામી' એમ કહીને જ ઓળખાવવા લાગ્યા.