૩૪૦ - રવજીભાઈ પર રાજી થયા
આ યજ્ઞમાં વાંકાનેરના સોની રવજીભાઈ આવેલા, તેમણે ચાલતી વખતે બાપાશ્રી પાસે હાથ જોડી માગ્યું જે, ‘બાપા! મને અંત વખતે તેડવા આવજો, ભૂલશો મા.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે તૈયાર છો?’ ત્યારે તે કહે, ‘હા.’ આ વચનથી પોતે રાજી થઈ તેમના માથા પર હાથ મૂક્યા, તેથી તે બહુ જ આનંદ પામ્યા ને જાણ્યું જે, ‘બાપાશ્રી મારા પર ઘણું રાજી થયા.’ પછી તે ઘેર ગયા ત્યાં તેમને પક્ષઘાત થઈ ગયો ને બેઠું થવાય એવું રહ્યું નહિ, પણ દોઢ મહિના સુધી સંતોએ સહિત મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન એમ ને એમ થયા જ કરે, તેથી અંતરમાં શાંતિ ને સુખ વર્ત્યા કરતું; પછી તેમને જ્યારે દેહ મૂકવા આડો એક દિવસ રહ્યો, ત્યારે બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, ‘રવજીભાઈ! આજ તમારો છેલ્લો દિવસ છે.’ આથી તે બહુ જ રાજી થયા. પછી તે જ દિવસે મહારાજ તેમને દેહ મુકાવી તેડી ગયા હતા.