૧૦૯ - પરસ્પર હેત અને મહિમા
એક વખત દહીંસરાથી મુક્તરાજ કેસરાભાઈ ભાઈશ્રીના દર્શને આવ્યા, ત્યારે પોતે ઘેર નહિ, તેથી એ વાડીએ ગયા. એકબીજાને હેત ઘણું, તેથી છેટેથી જોઈને ઊભાં થઈ ગયા ને બહુ હેતે મળ્યા. પછી એકબીજા દંડવત્ કરવાનો આગ્રહ કરે, પણ કોઈ કોઈને કરવા દે નહિ. કેસરાભાઈ કહે, ‘ભાઈ! તમે બહુ જબરા છો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમે કયાં ઓછા છો?’ એમ કહી ગોદડું પાથર્યું ને તે પર બેય બેઠા. પછી ભાઈશ્રી પાણીનો લોટો ભરીને લાવ્યા, ત્યારે કેસરાભાઈ કહે, ‘તમે પહેલાં ઠાકોરજીને પાઓ,’ ને ભાઈશ્રી કહે, ‘તમે.’ એમ તાણ કરી એકબીજાને પાણી પાયું અને સાથે આવેલા હરિભક્તોને પણ પાયું. પછી ઠાકોરજી જાગવાનો સમય હતો, તેથી સૌ માનસીપૂજા કરવા મંડ્યા. ઘણી વારે જાગ્યા ત્યારે એકબીજા સામું હેતભર્યા જુએ, પણ કોઈ બોલે નહિ. એવું જોઈ કેસરાભાઈ કહે, ‘ભાઈ! અમને ઘણા દિવસની ભૂખ છે, તે આજ તમ પાસે જમવા આવ્યા છીએ; તે બધાયને જમાડો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમે તો મહારાજને સુખે સુખિયા છો, પણ આમ બોલવાની તમારે ટેવ પડી ગઈ છે,’ એમ કહી થોડીક વાર બોલ્યા નહિ. પછી સામું જોઈને સૌ બેઠા. ત્યારે ભાઈશ્રીએ વાત કરી જે, ‘આપણને શ્રીજીમહારાજ ને તેમના લાડીલા મુક્ત પ્રકટ મળ્યા, એ બહુ જબરો લાભ મળ્યો છે. જેને દેહને મૂકીને પામવા હતા તે દેહ છતાં મળ્યા, એ કેવડી દયા! આમ આંખો મીંચીએ કે મૂર્તિ દેખાય! એટલી જ વાર! પણ સંભારવા ખપે! એ મૂર્તિ અલોકિક દિવ્ય છે. સુખમાત્ર એમાં છે.’ એમ કહીને બોલ્યા જે, ‘એક દિવસે રાત્રે અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી આસનમાંથી ઊઠીને ધ્યાન કરવા બેઠા, એટલામાં તો શ્વેત, શીતળ, શાંત ને ઘાટો તેજનો સમૂહ દેખાણો. પછી આંખો ઉઘાડીને જોયું તો બહાર પણ એમ જ. ઘડીક એ તેજના સમૂહ સામું જોયું તો તેમાંથી તેજોમય શ્રીજીમહારાજ ઝડપથી આવીને ઊભાં રહ્યા. સ્વામી કહે, ‘મહારાજ! બહુ દયા કરી! ત્યારે મહારાજ કહે, ‘તમે ધ્યાન કરવા મંડ્યા, એટલે અમે આવ્યા.’ આવા અનાદિ મહામુક્ત તો અખંડ ભેળા ને ભેળા રહે તેને ધ્યાન કરવાનું શું હોય? પણ આપણને એમ કરવાનું શીખવ્યું. એમ વાત કરી તેથી કેસરાભાઈ ઘણા રાજી થયા. પછી હરિભક્તોએ સહિત ઘેર આવ્યા. સાંજે મંદિર જઈ આરતી, ધૂન્ય, કથા, વાર્તા કરી મોડેથી મુક્તરાજ કેસરભાઈ સાથે બેસી ભાઈશ્રીએ ઠાકોરજી જમાડ્યા ને પોતાની પાસે આસન કરાવ્યું. કેસરાભાઈને ઊંચે સાદે ‘હે મહારાજ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!’ એમ બોલવાની ટેવ. તેથી એ તો જાણે આખી રાત જાગતા હોય તેમ લાગે. હરિભક્તો સાતઆઠ ઓશરીમાં સૂતા હતા, તેને એમ જે, ‘આજ કાંઈક લાભ મળશે.’ જરા વિશ્રાંતિ થઈ, ત્યારે કેસરાભાઈ બેઠા થયા ને બોલ્યા, ‘ભાઈ! મારા પર રાજી રહેજો. મને સૂરજબાએ ઘણી વાર કહ્યું છે કે, ‘એ મહારાજના મૂક્યા આવ્યા છે, પણ આગળ પ્રસિદ્ધ થશે ત્યારે સૌ જાણશે.’ એમની દૃષ્ટિ પડે એટલામાં કલ્યાણ થાય એવા છે, માટે એમનો જોગ કરજો. આવી ભલામણ કરી છે, તેથી તમે મારા પર રાજી રહેજો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમે મહારાજના હજૂરી થઈને આમ કેમ બોલો છો? આપણે તો મહારાજની મૂર્તિમાં ભેળા છીએ. અક્ષરધામમાં કોઈ નાનામોટા નથી. મહારાજ સૌને સરખું સુખ આપે છે. સુખના દરિયામાં વધુઓછું સુખ કોને હોય?’ એમ કહી પોતે પણ બેઠા થઈ વાત કરવા લાગ્યા જે, ‘શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજના સમૂહ નીકળે છે, એ તેજ સહુનું આધાર છે,’ એમ કઈને કીર્તનની ટૂંક બોલ્યા જે, -‘એ તો અક્ષર તણા આધાર મારી બે’ની, પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ.’ એવા શીતલ, શાંત ને સુખરૂપ તેજમાં અપાર ઐશ્વર્ય, ગુણ, શક્તિ, સુખસામર્થીએ સહિત પોતે અખંડ બિરાજે છે. એ મૂર્તિમાં અનંત મુક્ત સુખ ભોગવે છે; તે મુક્ત સર્વે ભેળા ને ભેળા જ રહે છે. જેમ મહારાજ અનાદિ, તેમ એ મુક્ત પણ અનાદિ. મૂર્તિઆકારે આકાર. સળંગ રસબસ ભાવે જોડાઈ રહ્યા છે. એવા અનાદિ મુક્ત ને મહારાજ અરસપરસ એકતાર રહે છે. ત્યારે કેસરાભાઈ કહે, ‘ભાઈ! અક્ષરધામમાં ચારેકોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે ને એકનજરે મૂર્તિ સામું જોઈ રહ્યા છે, એમ કહ્યું છે તે કેમ? ત્યારે ભાઈશ્રી કહે, ‘એ સભા પણ દિવ્ય છે, સૌના મહારાજ જેવા આકાર છે ને એ સન્મુખ રહીને સુખ ભોગવે છે તે પરમ એકાંતિક મુક્ત કેહવાય.’-‘સૌને સન્મુખ ભાસે રે, સૌના સામું જોઈ રહ્યા,’ –એવા દિવ્ય તેજોમય મહારાજ સર્વે મુક્તોને એકકાળે સુખ આપે છે. એમ વાત કરી થોડી વાર સૂતા. સવારે નિત્યવિધિ તથા કથાવાર્તા કરી ઠાકોરજીને જમાડી ભાઈશ્રીને મળી રાજી કરી મુક્તરાજ કેસરાભાઈ દહીંસરા પધાર્યા.