૯૩ - જાદવજીભાઈને ઘેર મૂર્તિની પ્રતિષ્ઠા

0:000:00

આ ગામમાં જાદવજીભાઈને ઘેર બીજે દિવસ મૂર્તિ પધરાવવાનો નિર્ણય થયેલો હતો ને રસોઈ પણ તેમને ઘેર જ હતી. આમ બધું અનુકૂળ હોવાથી લક્ષ્મીરામભાઈએ પ્રાર્થના કરી જે, ‘સ્વામી! સંતોને માટે આજનો દિવસ ઠાકોરજીના થાળ કરવાનો મારે સંકલ્પ છે. જો આજ્ઞા હોય તો કરું.’ પ્રથમ તો સ્વામીશ્રી કહે, ‘તમારું શરીર ખમે તેવું નથી, તેથી કઠણ પડશે. પણ તેમનો અતિ આગ્રહ જોઈને કહ્યું જે, ‘ભલે સુખેથી કરજો,’ તમે તો મૂળજી બ્રહ્મચારી જેવા મહિમાવાળા ને પવિત્ર છો, તેથી મહારાજ હેતે સહિત જમશે.’ પછી બીજે દિવસે લક્ષ્મીરામભાઈ સવારમાં વહેલા પરવારી થાળ તૈયાર કરવા લાગ્યા અને સ્વામીશ્રીએ તો સભામાં વાતો કરવા માંડી, જેથી થોડીવારમાં હરિભક્તો ઠસાઠસ ભરાઈ ગયા. સમય થયો તે પહેલાં થાળ તૈયાર થયો, એટલે ઠાકોરજીને જમાડી લીધા. પછી સ્વામીશ્રી આદિ સંતો તથા અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, ભાઈશ્રી તથા સભામાં બેઠેલા હરિભક્તોએ સહિત કીર્તન બોલતાં બોલતાં સૌ મેડી ઉપર ગયા. ત્યાં ચંદન, પુષ્પહાર, કુંકુમ, ધૂપ, દીપ, આરતી, થાળ વગેરે પ્રથમથી જ તૈયાર કરી રાખેલ હતું, તેથી આવતાંની સાથે, શ્રીજીમહારાજની આ મુક્તમંડળે ચંદન – પુષ્પથી પૂજા કરતાં, અષ્ટક બોલી પ્રતિષ્ઠા કરી, પછી આરતી ઉતારી સૌ જય બોલ્યા ને ઠાકોરજીને થાળ જમાડી સૌને સાકરની પ્રસાદી વહેંચી. ભીડ ઘણી હોવાથી ઘરમાં ન સમાતાં કેટલાક હરિભક્તો ફળિયામાં ઊભા હતા. એ વખતે જાદવજીભાઈએ સંતોને દંડવત્ કર્યા ને પ્રાર્થના કરી કહ્યું કે, ‘સ્વામી! આજ મારાં ધન્યભાગ્ય ને ધન્ય ઘડી કે આવા મહારાજના લાડીલા સંત ને મહામુક્તો મારે ઘેર પધાર્યા. મને ઘણા દિવસ થયા એમ થતું હતું જે, બેય સદ્‍ગુરુ ને બેય મહામુક્તો ભેળા હોય ને મૂર્તિની પ્રતિષ્ઠા થાય તો સદાય એ દિવ્ય સભાની સ્મૃતિ રહે. શ્રીજીમહારાજે મારો એ મનોરથ આજ પૂરો કર્યો.’ એમ કહી નવું ગાદલું પાથર્યું હતું તે પર બેસવા સ્વામીશ્રીને પ્રાર્થના કરી. સ્વામીશ્રી આ બેય મુક્તોને તે પર બેસવા આગ્રહ કરે ને આ મુક્તો સ્વામીશ્રીનો હાથ ઝાલી તેમને બેસારવા પ્રાર્થના કરે. એમ થોડી વાર રકઝક થઈ. પછી મુક્તરાજ લક્ષ્મીરામભાઈ કહે, ‘સ્વામી! ઘટતું હોય તેમ ઘટે. તમે ત્યાગી છો, વળી મોટા ને ગુરુ સમાન છો, તેથી તમે બેસો એ ઠીક લાગે.’ એમ કહી માંડ માંડ બેસાર્યા. પછી લક્ષ્મીરામભાઈએ સ્વામીશ્રીને કહ્યું જે, ‘હરિભક્તો ઘણા આવ્યા છે ને આ દિવ્ય મુક્તો ભેળા થયા છે. વળી આજ શ્રીજીમહારાજની પ્રતિષ્ઠા થઈ, તેથી ભાઈશ્રી પાસે થોડી વાતો કરાવો તો ઠીક.’ સ્વામીશ્રીને તો એ ગમતું જ હતું, તેથી તરત કહ્યું, ‘ભાઈ! લક્ષ્મીરામભાઈની ઇચ્છા છે, તેથી આજ થોડીક વાતો કરો.’ પ્રથમ તો કહે, ‘સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી કરશે.’ પણ પછી સ્વામીશ્રીનો બહુ આગ્રહ જોઈ પોતે વાત કરવા લાગ્યા જે, ‘આજ અહીં શ્રીજીમહારાજની પ્રતિષ્ઠા થઈ, એ મૂર્તિ ને અક્ષરધામમાં દિવ્ય તેજોમય મૂર્તિ બિરાજે છે એ બેમાં એક રોમનો ફેર નથી. એમ મહારાજે વચનામૃતમાં કહ્યું છે. એટલે જ્યાં શ્રીજીમહારાજનાં દર્શન થાય ત્યાં અક્ષરધામનું મધ્ય જાણવું જોઈએ. આવા મહાપ્રભુ આપણને પ્રગટ મળ્યા તે કાંઈ જેવીતેવી વાત નથી. ‘અક્ષર પર આનંદઘન પ્રભુ કિયો હે ભૂપર ઠામ’ –એ કારણમૂર્તિનાં દર્શન ક્યાંથી મળે? આ તો સર્વોપરી ભગવાન! વળી સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ, અકળ મૂર્તિ, આને કોની ઉપમા દેવાય? તેમ આ વસ્તુ શાસ્ત્રમાંથી ખોળતાં પણ હાથ આવે તેવી નથી, કેમ કે અક્ષરધામ ને અનંત મુક્તથી પણ પર છે. એ મૂર્તિના સુખમાં અનંતકોટિ મુક્ત અનંત કલ્પ થયા પૂર્ણકામપણે રહ્યા છે. તોપણ એ સર્વેને સુખનું અપારપણું વધતું ને વધતું જ રહે છે એવા શ્રીજીમહારાજ આપણી સાથે વાતો કરે, મળે, બોલાવે, જે જમાડીએ તે જમે, ને સંભારીએ ત્યાં દર્શન દે, એ કેવી આલૌકિક વાત? પણ દેહધારીને આ વાતની ગમ ન પડે! અનંત જીવોનાં દૃષ્ટિમાત્રે કલ્યાણ કરે એવા તો એમના મુક્ત છે, તે જુઓને! આમ ઘેર ઘેર ફરી જીવોને મહાપ્રભુની ઓળખાણ પડાવી, કાળ, કર્મ ને માયાનાં બંધન થકી છોડાવે છે ને અભયદાન આપે છે. આવા અવસરે જે પોતાનું પૂરું કરી શકે નહિ, તેને બીજું શું કહેવું? આપણે તો એ કારણમૂર્તિને પળમાત્ર મૂકવી નહિ ને દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી એમનું કોઈ વચન લોપવું નહિ. આવા મોટા મુક્તને સદાય દિવ્ય જાણવા, એમના વિના માયાનું આવરણ ટળે તેવું નથી; અને એ ધારે તો અનંતનાં આવરણ સંકલ્પમાત્રે ટાળી નાખે એવા એ સમર્થ છે. જ્યાં મહારાજ ત્યાં મુક્ત ને જ્યાં મુક્ત ત્યાં મહારાજ, એમ અરસપરસ એકતા છે. તેથી કરુણાના દરિયા, દીનબંધુ, ગરીબનિવાજ, એમ એમને જે કહીએ તે કહેવાય, કેમ કે એ તો મૂર્તિરૂપ જ છે. આવા શ્રીજીમહારાજ ને તેમના લાડીલા મુક્ત જેને મળ્યા તેને શું કરવાનું બાકી રહે?’ આમ વાતોની સમાપ્તિ કરી. પછી સૌ ઠાકોરજી જમાડવા બેઠા, એટલે બન્ને સદ્‍ગુરુઓ તથા સંતો અને મુક્તરાજ ભાઈશ્રી વગેરેને લક્ષ્મીરામભાઈએ હેતે સહિત પીરસ્યું. પછી સ્વામીશ્રીએ પણ તેમની થાળીમાં પીરસાવી સૌએ સાથે ઠાકોરજીને જમાડ્યા. ત્યાર પછી વચનામૃતની કથા થઈ, એ વખતે ધનજીભાઈએ ઊભા થઈ દંડવત્ કર્યા ત્યારે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ તેમના માથા પર હાથ મૂક્યા ને લક્ષ્મીરામભાઈને વાત કરી જે, ‘આ તો જાદવજીભાઈ જેવા શૂરવીર થશે એમ લાગે છે. આને મહિમા ઘણો છે. હમણાં એ ભૂજમાં વકીલ પાસે રહે છે. ત્યાં રોજ ઠાકોરજીનાં દર્શન કરવા આવે ત્યારે કાંઈક ને કાંઈક મારા સારુ ફળફૂલ લાવે, વળી નવી દ્રાક્ષ લઈ આવે. હું ના પાડું તો પ્રાર્થના કરે, હાથ જોડે, પણ લાવ્યા વિના ન રહે. મારી પૂજામાં શ્રીજીમહારાજની ચાખડીઓ છે તેની એક દિવસ ચંદનપુષ્પથી પૂજા થતી જોઈ ત્યારથી રોજ સવારમાં એ ઉતાવળા ઉતાવળા ફૂલ લઈને આવે ને કહે જે, ‘સ્વામી! આટલી મારી સેવા અંગીકાર કરો.’ પોતે કીર્તન પણ સારાં બોલે છે. આમ અત્યારથી એને મહિમા ઘણો છે. એ વખતે લક્ષ્મીરામભાઈએ પણ કહ્યું જે, ‘સ્વામી! આ તો બહુ જબરા લાગે છે. જાદવજીભાઈનું નામ બરાબર રાખશે.’ પછી સ્વામીશ્રીએ લક્ષ્મીરામભાઈ તથા ભાઈશ્રીને એમના માથે હાથ મૂકી રાજી થવા કહ્યું; ત્યારે એ બન્ને મુક્તોએ તેમના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા ને કહ્યું જે, ‘સત્સંગ માથા સાટે રાખજો.’ પછી બીજે દિવસ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ તથા બન્ને સદ્‍ગુરુઓ, સંતોએ સહિત ભૂજ પધાર્યા ને ભાઈશ્રી એક દિવસ ત્યાં રોકાઈ વૃષપુર આવ્યા.