૪૫૭ - સમાધાન કરાવવા સૌનો આગ્રહ

0:000:00

આ વાતથી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને પણ એમ થયું જે, 'બાપાશ્રી મૂળીએ પધારે ને આચાર્યશ્રી સાથે વાતચીત કરતાં જો સમાધાન થઈ જાય તો સત્સંગમાં સૌને સુખશાંતિ થાય.' જો આ કલેશ નહિ મટે ને વિક્ષેપ લાંબો ચાલશે તો સત્સંગમાંથી કેટલાયનાં મન પાછાં પડી જશે, દ્રવ્યની હાનિ થશે ને કોઈને ભજન-સ્મરણ કે કથાવાર્તાનું સુખ નહિ આવે. એમ વિચારી પોતાની સાથે થોડા સાધુઓ તથા બાપાશ્રીના સંપૂર્ણ કૃપાપાત્ર સેવક આશાભાઈને લઈને ગયા. જ્યારે સ્વામીશ્રી આદિ ભૂજ થઈને વૃષપુર પહોંચ્યા, ત્યારે બાપાશ્રી સૌને હેતે જણાવી મળ્યા ને પાધરું અંતર્યામીપણે પૂછ્યું કે, 'સ્વામી! આ ફેરે ઓચિંતાનાં દર્શન આપ્યાં તે કાંઈ કામ લઈને આવ્યા છો કે શું?' ત્યારે સ્વામીશ્રીએ કહયું, જે 'આપને આ ફેરે મૂળીએ તેડી જવા આવેલ છું.' આ વચન સાંભળી બાપાશ્રી કહે, 'અમે તો હમણાં "અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી." -એવું કરી નાખ્યું છે.' મૂળી, અમદાવાદ, ગઢડા, છપૈયા બધુંય મહારાજ ભેળું રાખ્યું છે, તે બેઠા બેઠા એમને સંભારીએ છીએ, ને તમારા જેવા સંતો દયા કરીને આવે તો તેનાં દર્શન ને બને તે સેવા કરી રાજી થઈએ છીએ.

સ્વામીશ્રીને આ વખતે આવાં વચનથી સંતોષ થાય તેમ નહોતું, પણ તે વખતે ઘણા હરિભક્તો દર્શન કરવા આવી પહોંચતાં આ વાત એકાંતે કહેવાનું ધારી વાત બદલાવી શરીરના સુખસમાચાર પૂછ્યા, ત્યારે બાપાશ્રીએ પણ સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી આદિનાં નામ લઈને કહ્યું કે, 'આ ફેરે તમે એમને મૂકીને કેમ આવ્યા?' આ મર્મભરેલા પ્રશ્નનો ઉત્તર પણ એ વખતે આપી શકાય તેવું નહોતું, તેથી જેમતેમ કરી બંધ વાળ્યો ને કથા ચાલતી કરી. સ્વામીશ્રી આદિ સંતો આવ્યા જાણી ગામના હરિભક્તો એક પછી એક આવ્યા જ કરે, એટલે દિવસમાં વાત કરવાનો જોગ ન મળતાં રાત્રે કથાવાર્તા થઈ રહ્યા પછી બાપાશ્રીને પોઢવાની ઓરડીમાં લઈ જઈ, સ્વામીશ્રીએ બધી વિગતવાર વાત કરીને કહ્યું કે, 'ગમે તેમ કરીને આપને મોટા મોટા હરિભક્તોને સાથે લઈ મૂળીએ પધારવું પડશે. અહીં ને ત્યાં બધાય આપના વચનમાં છે. જો આ વિક્ષેપનું સમાધાન થઈ જાય તો સહુને સુખે મહારાજ સાંભરે, નહિ તો સત્સંગમાં મોટી ઉપાધિ થઈ પડશે.'

સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને બાપાશ્રી સાથે આત્મબુદ્ધિ, એટલે કોઈ રીતે બાપાશ્રીથી ના પડાય તેવું ન રહ્યું તોય કેટલાંક બહાનાં કાઢવા માંડ્યા, પણ સ્વામીશ્રીને એક જ વાત કે, 'આ વખતે તો તમારે આવવું જ જોશે.' પછી રાત્રે મોડું મોડું નક્કી થયું ને ગામોગામથી નામવાર હરિભક્તો યાદ કરી કરીને પચાસ જેટલા હરિભક્તોને સાથે લાવવાનો ઠરાવ કરી ગામડે ખબર મોકલાવ્યા કે, આપણે મૂળીમાં જન્માષ્ટમીના સમૈયા પહેલું પહોંચવું છે, તો ભૂજમાં સહુ આવી પહોંચજો. પછી બાપાશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ એક દિવસ ભૂજમાં વહેલા આવી ભૂજના હજૂરી ઘેલાભાઈ તથા કોટવાળ ધનજીભાઈ વગેરે મોટા મોટા હરિભક્તોને પણ સાથે આવવા તૈયાર કર્યા. એ રીતે મોટો સંઘ લઈ બાપાશ્રી મૂળીએ આવવા નીકળ્યા.