૭૫ - માંડવીમાં સમાધિ થતાં ઘેર લાવ્યા
એક દિવસ મંદિર સારુ માંડવીમાંથી લાકડાં લાવવાનાં હતાં, તે માટે સ્વામીશ્રીએ ભલામણ કરી કાગળ લખી આપીને દસ ગાડાં માંડવી મોકલવા માંડ્યાં, તે સાથે આ મુક્તરાજ ભાઈશ્રી પણ તૈયાર થયા. સ્વામીશ્રી કહે, ‘ભાઈ! તમે અહીં બનતી સેવા કરો.’ ત્યારે પોતે કહ્યું કે, ‘સ્વામી! આ મંદિરની સેવાનો અવસર મારે ફરી ક્યારે આવે? માટે રાજી થઈને હા પાડો.’ આવા આગ્રહથી સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહિ. પછી ગાડાં જ્યારે માંડવી પહોંચ્યાં ત્યારે ગામબહાર ગાડાં છોડી વારાફરતી સૌએ મંદિરમાં આવી ઠાકોરજી તથા બ્રહ્મચારી આદિ સંતોનાં દર્શન કર્યા. સ્વામીશ્રીએ કાગળ લખી આપેલ હોવાથી ઠાકોરજી જમાડવાનું તો સૌને મંદિરમાં જ કરવાનું હતું. હરિભક્તોમાં પરસ્પર વાત થતાં અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈને ખબર પડી કે, વૃષપુરથી ગાડાં આવ્યાં છે, તે ભેળા ભાઈશ્રી અહીં આવેલ છે; તેથી એ ઉતાવળા મંદિરમાં આવ્યા. ત્યાં ભાઈશ્રીને જોયા, એટલે પરસ્પર દંડવત્ કરી મળ્યા ને બહુ હેત જણાવ્યું. ‘બીજા ગાડાંવાળા ક્યાં?’ એમ પૂછ્યું ત્યારે કહ્યું જે, ‘એ તો ગામમાં લાકડાં સારુ ગયા છે. એ પહેલા દર્શન કરી ગયા ને હું વાંસે રહ્યો હતો તે પાછળથી આવ્યો છું.’ પછી કુશળ સમાચાર પૂછીને કહ્યું જે, ‘હમણાં તો સમાધિમાં શ્રીજીમહારાજની મૂર્તિનું બહુ સુખ લ્યો છો!’ ત્યારે ભાઈશ્રી કહે, ‘એ તો જેમ શ્રીજીમહારાજની મરજી, એ રાખે તેમ રહેવું.’ પછી ઠાકોરજી જમાડવા ઘેર આવવા કહ્યું, ત્યારે ઉત્તર આપ્યો જે, ‘સ્વામીશ્રીએ કાગળ લખી આપ્યો છે, તે અહીં જેને જમાડવા હશે તે જમાડી લેશે. ઘેર કોઈ નહિ આવે.’ એમ કહી થોડી વાર મૂર્તિના સુખની વાતો કરી, તેથી મુક્તરાજ લક્ષ્મીરામભાઈ ઘણા રાજી થયા. પછી પોતે રજા લઈ, ગાડા પાસે ગયા. હરિભક્તો પર ભલામણ લખી હતી, તેથી તેમણે તુરતમાં જોઈતાં હતાં તેવાં લાકડાં ખરીદી ગાડામાં ભરાવી દીધાં; પછી ઠાકોરજી જમાડી તૈયારી કરવા માંડી, કેમ કે સૌને બીજે દિવસે વહેલા ચાલવાનું હતું. રાત્રે બીજા ગાડાંવાળાઓ મંદિરમાં દર્શન કરી કથાવાર્તા કરવા રહ્યા ને થોડાક ભાઈશ્રીને મંદિર મોકલવા ગાડાં પાસે ગયા. ત્યાં જઈને જોયું તો ભાઈશ્રી તો સમાધિમાં જતા રહેલા. હરિભક્તો આ સ્થિતિ જોઈને ગભરાયા ને પાછા મંદિરે આવી બીજા હરિભક્તોને છાની રીતે બોલાવી ગયા. નક્કી નહોતું થયું કે સમાધિ છે કે શું છે! તેથી માર્ગમાં વાતો કરતા કરતા ગાડાં પાસે આવ્યા, ત્યાં તો ભાઈશ્રીને કાંઈ ભાન નહિ! હલાવ્યા, બેઠા કરવા મંડ્યાં, પણ એ તો એમ ના એમ! હરિભક્તોએ જાણ્યું જે, ‘જેમ થવાનું હશે તેમ થઈ ગયું! હવે ગામમાં ખબર કરવામાંય દુઃખ! શહેરનું કામ, કોઈ કેમ કહે ને કોઈ કેમ કહે, કોઈ રોકી પાડે તો રખડી પડીએ ને કાંઈક થઈ ગયું હોય તો માર્યા જઈએ. માટે ગાડામાં નાખીને એમને ઘર ભેગા કરીએ. ત્યાં સ્વામીશ્રીને જેમ હશે તેમ ખબર પડશે. આપણે વળી એમને બેસારીને મંદિર ગયા, નહિ તો ખબર તો પડત જે, કેમ થયું? સ્વામી પણ એમ જ કહેતા હતા કે, ભાઈ! તમે ન જાઓ, તમારું કામ નથી, પણ માન્યું નહિ.’ આમ જુદી જુદી વાતો કરતા તેમના ગાડામાં લાકડાં ઓછાં કરી ગોદડાં પાથરી, સૌએ ઉપાડીને સૂવરાવ્યા ને તેમનું ગાડું બીજા ગાડાંવાળાએ હાંક્યું. માર્ગમાં ઘડી ઘડી ગાડું ઊભું રાખી જોતા ને અનેક પ્રકારની વાતો કરતા, મૂંઝાતા, જ્યારે વૃષપુરમાં પહોંચ્યા ત્યારે આ સમાધિ છે કે કેમ છે! એ જાણવા, સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીને ગાડાંવાળાઓએ છાની રીતે બનેલ હકીકત સર્વે કહી; તે સાંભળી સ્વામીશ્રી તુરત પાંચ સંત લઈ તેમને સમાધિ છે કે શું છે, તે જાણવા ઘેર ખાટલામાં સૂવારેલા હતા ત્યાં આવ્યા. આવીને સર્વે અંગ તપાસ્યાં અને ઘણી વાર સામું જોઈ-તેમની સમાધિદશાની નાનપણથી જ પોતાને ખબર હતી, તેથી ઘરમાં તેમના પુત્ર કાનજીભાઈને હિંમત આપીને કહ્યું જે, ‘કાંઈ ચિંતા ન કરશો, તમારા પિતા મહારાજની મૂર્તિમાં જોડાઈ ગયા છે, તે એમની મેળાએ જાગશે, ઘરમાં સૌ ખબર રાખજો;’ એમ કહી મંદિરમાં આવ્યા. ગાડાંવાળાઓને સમાધિ થયાની વાતથી શાંતિ થઈ જે, ‘આપણા પરથી મુદ્દો ઊતર્યો.’ ઘરમાં પણ સૌને ઉદાસીનતા મટી. પછી રાત્રે મંદિરમાં કથાવાર્તા થઈ રહી ત્યારે સ્વામીશ્રીએ વાત કરી જે, ‘ભાઈશ્રીની અગાધ સ્થિતિ છે! એ અખંડ મૂર્તિમાં જોડાઈ રહે છે, માટે સૌ તેમનો મહિમા જાણજો. એમનો વ્યવહાર હવે મહારાજને હાથ છે.’ (આ વખતે ભાઈશ્રીને ઘેર મોટાં પુત્રી વાલબાઈ, પુત્ર કાનજીભાઈ તથા નાની પુત્રી રાધાબાઈ અને પુત્ર મનજીભાઈ, એ ચાર સંતાન હતાં. એક પુત્રીનો જન્મ થયેલ પણ એ તો બાળઅવસ્થામાં જ ધામમાં ગયેલ હતાં.) સ્વામીશ્રીએ લાકડાં આવી જવાથી મંદિરનું કામકાજ તો એમ જ ચાલુ રાખ્યું હતું. દરરોજ ઘેર ખબર કઢાવે જે, ‘ભાઈશ્રી જાગ્યા કે કેમ?’ પણ એ તો ચાર દિવસ સુધી એમ ને એમ સૂતેલા. પાંચમે દિવસ જાગ્યા. ત્યારે પોતાના પુત્ર કાનજીભાઈ તથા રત્ના ભક્તના પૌત્રએ ઊના પાણીએ નવરાવ્યા, એટલે તુરત જ પોતે મંદિરમાં આવ્યા. ત્યાં સ્વામીશ્રી તથા ઠાકોરજીનાં દર્શન કરી પૂજા કરી. એ વખતે સ્વામીશ્રીએ આ મુક્તરાજને ભલામણ કરી કે, ‘આજ જરા ઠાકોરજીને શીરો જમાડજો.’ પછી પોતે ઘેર આવી થોડો શીરો કરાવી ઠાકોરજીને જમાડ્યા. ત્યાર પછી પાછા મંદિરની સેવા કરવામાં તત્પર થઈ ગયા.
આ પ્રકારે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને વ્યવહારકાર્યનું લક્ષ બહુ જ ઓછું રહેવા લાગ્યું, ઘરનાં તથા દીકરાદીકરીઓ ચિંતા કર્યા કરે, પણ અખંડ મૂર્તિ આકારે વર્તનારાને શું કહે? આમ વ્યવહાર ચાલતાં કરજમાં પણ દિવસે દિવસે વધારો થતો ગયો. ભાઈશ્રી તો એ વાતને કાંઈ ગણતા જ નહિ. સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી જેવા તેમનો મહિમા જાણતા હોવાથી ત્યાંના કુંવરજી પટેલ કે જેને ઘેર ભાઈશ્રીનું ખાતું હતું તે પણ એમ જાણતા કે મહારાજની મરજી હશે ને એ અપાવશે તો ભલે, નહિ તો આવા મોટાની સેવા તો છે! વળી સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ કચ્છના મોટા મોટા હરિભક્ત જાદવજીભાઈ જેવાને તેમના વ્યવહારમાં નજર રાખવાની આજ્ઞા કરી હતી, તે પણ તેમના જાણવામાં હતું. તેથી તેમને ઊંડી ધીરજ હતી.