૪૦૦ - મહારાજ વિના અન્યની અરુચિ

0:000:00

એક વખત બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ રાબ પીવા માટે બહુ જ પ્રાર્થના કરી ત્યારે બે ચમચા રાબ પીધી. પછી ના પાડીને કહ્યું જે, ‘મને મહારાજની મૂર્તિ વિના આ લોકનું કાંઈ ખપતું નથી. તમે મૂર્તિમાં વૃત્તિ રાખો, એ મારી સેવા છે. કથાવાર્તા કરો, કીર્તન બોલો, ધ્યાન કરો કે માળા ફેરવો, દંડવત્ પ્રદક્ષિણા આદિ જે જે કરો તે હું મારી સેવા માનીશ. આ ટાણે મારી પાસે મૂર્તિ વિના બીજું કાંઈ બોલવું નહિ. તમારે ફાવે તે સેવા કરો. એમાં હું કયાં ના પાડું છું? તમે એમ જાણતા હશો કે, હું કાંઈ જાણતો નથી, પણ એવું કોઈ મનમાં લાવશો મા. હું તો બધુંય જાણું છું. મહારાજની મૂર્તિમાં સુખ તો જુઓ! તમે ઘડીએ ઘડીએ પાણીનું, દૂધનું કે રાબ પીવાનું કહો છો, પણ મને તો એક મૂર્તિનું સુખ ખપે, એ વિના બીજું કાંઈ જોઈતું નથી .’ એમ કહી સૂઈ ગયા તેથી સહુને એમ થયું જે, ‘આપણે એમ જાણીએ છીએ કે, બાપાશ્રી બધી ક્રિયા સ્મૃતિ વિના કરે છે, એ આપણી મોટી ભૂલ છે. આ તો સ્વતંત્ર મુક્ત છે.’ એમ વિચારી સહુ સેવા કરવા લાગ્યા ને બાપાશ્રીએ પણ પ્રથમની પેઠે વર્તવા માંડ્યું. તે કોઈ બોલાવે કે પૂછે તેના સાથે બોલેય નહિ ને કાંઈ જવાબે આપે નહિ. આવી ખબર પડતાં એક દિવસ ભૂજથી પચીસ જેટલા સંતો દર્શન કરવા આવ્યા, તે વખતે બાપાશ્રી માંચી પર બેઠા હતા, પણ શરીર વધુ દૂબળું જોઈ સહુ ઉદાસ થઈ ગયા ને પ્રાર્થના કરી, ત્યારે પોતે એમ વાત કરી જે, ‘સંતો! આપણે શરીર સાથે કાંઈ લેવાદેવા નથી. આપણે તો એક શ્રીજીમહારાજનું કામ છે અને તે તો સાથે જ છે. મૂર્તિ સામું જોઈએ એટલે અવરભાવમાંથી પરભાવમાં જતું રહેવાય, મૂર્તિ વિના બધુંય દુઃખરૂપ છે.’ આવા વચનો કહી પાછા સૂઈ ગયા. સંતોને દર્શન કરી વળી જવાનું હતું તેથી જતી વખતે પાંચ સંતો સેવામાં રાખવા ઇચ્છા જણાવી ત્યારે બાપાશ્રી કહે, ‘સૌની વતી આ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને અહીં હમણાં રાખો તો ઠીક. સંતો તો અહીં ઘણા છે. મારે પણ સેવા કરાવવી એમાં વિચાર કરવો જોઈએ, પણ શું કરું? મહારાજે આમ ધાર્યું હશે.’ એમ કહી સૌના માથે હાથ મૂકી રાજી કર્યા.

સંતો સાથે બાપાશ્રી વાતો કરતા હતા એટલામાં તો બ્રહ્મચારીએ થોડી રાબ, ખીચડી, શાક વગેરે તૈયાર કર્યું –જાણે બાપાશ્રીને આજ ઠીક જણાય છે, તેથી તાણ કરી રુચે તે જમાડીએ. પણ સંતો રજા લઈને ગયા એટલે બાપાશ્રી તો પાછા સૂઈ ગયા. એ વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બહુ પ્રાર્થના કરી કે, ‘બાપા! આ બ્રહ્મચારી સાવ ઉદાસ થઈ ગયા છે, તે જરા અંગીકાર કરો. જે ફાવે તે બે ગ્રાસ જમજો. આ બધાય સંત-હરિભક્તો ઉપર આપને દયા રાખવી જોઈએ. કેટલાક સંતો તો હજુ કાંઈ જમ્યા જ નથી. તમે જરાક જમો એટલે એ રાજી થાય,’ એમ બહુ પ્રાર્થના કરી ત્યારે બોલ્યા, ‘સ્વામી! મને હેઠે ઉતારો,’ –એમ કહેવાથી સંતોએ ખાટલા પરથી હેઠે ઉતાર્યા, પણ જાણે સ્મૃતિ જ નહિ. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ પાસે આવી થાળીમાં ખીચડી, શાક, રાબ આદિ પીરસ્યું. પણ જમે કોણ? ઘણી વાર આવી સ્થિતિ જોઈ બ્રહ્મચારી, સંતો અને હરિભક્તોની આંખોમાં આંસુ પડવા લાગ્યાં ને સેવક આશાભાઈ, મોતીભાઈ ને પુત્ર-પૌત્રાદિક પણ દિલગીર થઈ ગયાં. આમ બધાયને દિલગીર થયા જાણી સૌની ઉદાસી ટાળવા પોતે બે-ત્રણ ગ્રાસ જમ્યા, એ જોઈ સહુને શાંતિ થઈ. પછી બ્રહ્મચારીએ લોટા વતે પાણી પાયું. પાછા સૂતા ત્યારે એની એ જ રીત.

એક દિવસ વળી શરીરમાં તાવ ઘણો ચડી આવ્યો, તે જાણે રહેવાય નહિ, અકળામણ ઘણી જણાય; પણ કાંઈ બોલે નહિ, તેથી કાંઈ ન સૂજતાં સ્વામીશ્રીએ સુખડ ઘસાવી કપાળે, માથે, છાતીયે તથા પગને તળીએ ચોપડાવી. જ્યારે સુખડ સુકાવા માંડે ત્યારે વળી ભીના લૂગડા વતે લૂઈ નખાવે અને ફરી વાર બીજી ચોપડે, એમ સાંજ સુધી કર્યું, પણ તાવ કે ગરમી જરાય હઠી નહિ. પાસે બેસી સ્વામીશ્રી ઘણી વાર બોલાવ્યા કરે, પણ એકે ઉત્તર ન મળતાં સંત-હરિભક્તો તથા પુત્ર-પૌત્રાદિક સૌ દિલગીર થઈ જાય. એ સર્વેને ધીરજ આપવા સ્વામીશ્રી મહારાજના મહિમાની અને બાપાશ્રીના પ્રતાપની વાતો કરી સૌને શાંતિ પમાડે. બાપાશ્રીના પુત્રાદિક જ્યારે ઘેર જાય ને ઘરમાં સહુ સમાચાર પૂછે, ત્યારે વાત કરતાં હૈયાં ભરાઈ જતાં જોઈ પુત્રીઓ તથા સગાંસંબંધી સર્વે ઉદાસ થઈ જાય ને રુવે. બહારગામથી બાઈઓ આવેલાં તે પણ ઘડી ઘડી આવા સમાચાર સાંભળી દિલગીર થઈ જાય. કેમ કે તેમને તો બાપાશ્રી મંદિરમાં રહેતા હોવાથી દર્શન જ થાય નહિ. જ્યારે તેઓ બહુ અકળાય ત્યારે સેવામાં રહેનારા હરિભક્તો તેમને ધીરજ પમાડવા, એમ ને એમ બાપાશ્રીનો ખાટલો ઉપાડી ડેલીના બારણા પાસે લાવે. એ વખતે ચોકમાંથી સહુ બાપાશ્રીને જોઈ પગે લાગે, ‘જય સ્વામિનારાયણ’ કરે, પણ બાપાશ્રી પડખું ફેરવે નહિ તેમ કાંઈ બોલે નહિ તેથી સૌની આંખોમાં આંસુ આવી જાય ને ચિંતા કરતા મહારાજને પ્રાર્થના કરે.