૫૫૮ - મૂળીના સંતો પર અત્યંત કૃપા
ત્યાર પછી વસંતપંચમીનો સમૈયો કરીને મૂળીના સંતો સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, અનિરુદ્ધદાસજી, દેવજીવનદાસજી વગેરે ભૂજ આવ્યા. ત્યાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી બે દિવસ રોકાણા, પછી ત્યાંથી આવતા-જતા હરિભક્તો સાથે બાપાશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કહેવરાવ્યા ને પુછાવ્યું જે, ‘અમારે આપનાં દર્શન કરવા આવવું છે તે ક્યારે આવીએ?’ ત્યારે બાપાશ્રીએ કહાવી મોકલ્યું જે, ‘તમો હમણાં આઠ દિવસ ગામડાંઓમાં ફરીને પછી આવો તો સારું.’ આવા સમાચાર આવતાં સંતો સુખપુર, માનકૂવા, ભારાસર, નારાયણપુર આદિ ગામોમાં ફરીને વૃષપુર આવ્યા ને મહારાજનાં દર્શન કરી બાપાશ્રીને હેતે સહિત મળ્યા ને ગામોગામના હરિભક્તોની વતી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા, તેથી બાપાશ્રી ઘણા રાજી થયા ને કહ્યું જે, ‘ભલે આવ્યા, તમારા જેવા સંતોનું મંડળ તો અમારે અહીં બારે માસ જોઈએ. સંતો તો ઘણાય હોય, પણ જેને મૂર્તિ વિના બીજું કાંઈ જોઈએ જ નહિ એવા થોડા.’ એમ પ્રસન્નતા જણાવી કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો કર્યો.
મૂળીના સંતોમાં પુરાણી ધર્મકિશોરદાસજી શાસ્ત્રવેત્તા, તેથી એ શ્લોક બોલીને સભામાં વાતો કરે એવા અને સ્વામી ભગવત્સ્વરૂપદાસજી વચનામૃતના અનુભવી, એટલે એ તો વચનામૃતમાંથી જ બાપાશ્રીને પ્રશ્ન પૂછી વાતો કરાવે. સ્વામિ શ્વેતવૈકુંઠદાસજી તથા દેવજીવનદાસજીને તો સેવાભક્તિનું મુખ્યપણું, તેમ કેટલાંક વચનામૃતો કંઠે કરેલાં, તેથી એ પણ સવારના ત્રણ વાગ્યે ત્યાં નિત્યનિયમ કરવા માંડે ને મંગળાઆરતી થાય ત્યાં તો મોઢેથી વચનામૃતની કથા ચાલતી કરે. બાપાશ્રી પણ ચાર વાગ્યામાં નાહી, પૂજા કરી સંતોને મળે. પછી આસને આવીને બેસી જાય તે આઠ વાગ્યા સુધી કથા ચાલે. ક્યારેક પ્રશ્ન-ઉત્તર થતાં વાતોનો પ્રસંગ નીકળે તો દસ વાગી જાય તોય સભા બેઠી હોય. એક કોર સંતો ભંડારમાં રસોઈ તૈયાર કરી ઠાકોરજીને થાળ જમાડે, પછી પંક્તિ થાય ત્યારે પણ બાપાશ્રી દર્શન દેવા આવે, દંડવત્ કરે, પાસે બેસી પિરસાવે, સંતો જમતા હોય ને ઘેરે સાદે કીર્તનની ટૂંક બોલી સૌને રાજી કરે; વળી સભામાં વચનામૃતની કથા થાય. હરિભક્તો ગામડેથી હાર લઈને આવે ત્યારે ચંદન, કુંકુમ ને હારથી પૂજાઓ કરે. એકાદશીને દિવસે બાપાશ્રી છત્રીએ પધારે ત્યારે ત્યાં કથાવાર્તા થાય, ગરબીઓ લેવાય; બપોરે સંતો વાડીએ જાય, ત્યાં ચંદન-પુષ્પથી પૂજાઓ ચાલે, નહાય ત્યારે પરસ્પર હેત જણાવતાં નવરાવે, મળે; પછી સંતો માનસીપૂજા કરતા હોય ને બાપાશ્રી પોતાના પુત્રાદિક પાસે પોપૈયાં મગાવી હાથે સુધારી મહારાજને જમાડે ને સહુને વહેંચે, તે વખતે ઘણી વાર મૂર્તિના સુખની વાતો કરે, તેમાં મહારાજ ને મુક્તનું મુખ્યપણું વિશેષ લાવે.
અનાદિ મુક્તની સ્થિતિનું વર્ણન કરે ત્યારે એમ કહે જે, ‘આપણને મહારાજે દયા કરી મૂર્તિમાં રાખ્યા છે, એવો ભાવ સદાય રાખવો; કેમ કે આ સમયે અનાદિ મુક્તની સ્થિતિ કરાવવાનો મહારાજે સંકલ્પ કર્યો છે, તેથી પોતાના અનાદિ મુક્ત જે ખાનગી હજૂરી, તેને આ લોકમાં મહારાજે મૂક્યા છે. માટે એવા મુક્તનો જોગ કરી મૂર્તિના સુખમાં ઊતરતાં શીખવું અને જે જે વાત કરવી તેમાં મૂર્તિનું જ મુખ્યપણું લાવવું તો મહારાજ રાજી થાય.’ કોઈ વાર સંત-હરિભક્તો ચંદન-પુષ્પાદિકે પૂજા કરતા હોય ત્યારે બાપાશ્રી ધ્યાનમાં બેઠા હોય તેવું જણાય, પણ પછી જાગ્રત થઈ પોતે સંતોની પૂજા કરે ને કહે જે, ‘આ પૂજા બધી શ્રીજીમહારાજને થાય છે એમ જાણવું.’ બપોરના બહુ ગરમી જણાવી અડખેપડખે પાણી છંટાવે, ક્યારેક ભીનું લૂગડું ઓઢીને સૂવે. સંત-હરિભક્તો ચંદન ચર્ચે ત્યારે હાથપગનાં તળિયાંમાં તે ચંદન ચોપડાવી માથે ભીના લૂગડાનાં પોતાં મુકાવે, સંત-હરિભક્તોની સભામાં ધોતિયાભર ઉઘાડે શરીરે બેઠા હોય તે વખતે હરિભક્તો હેતે કરી હાર પહેરાવે તે લઈ પોતે સૂંઘે, આંખે અડાડે ને પાછા તે હરિભક્તોને પહેરાવી માથે હાથ મૂકે. સાંજે મંદિરની ઓશરિયે બેસીને ગોડીનાં કીર્તન બોલાવે, તે ટાણે પોતે ચપટી વગાડતા જાય ને ડોલતા જાય, સંધ્યાઆરતી પછી બીજી કથા સુધી પાછા સભામાં બેઠા હોય, રાત્રે સૂવે ત્યારે પણ જાગ્રતની પેઠે સંત-હરિભક્તોને વાતો કરતા જ હોય. આવી રીતે એક મહિના સુધી બાપાશ્રી સંતોને પોતાની પાસે રાખી નવા નવા પ્રકારે સુખ આપતા હતા.