૨૨૩ - દર્શન કરતાં અલૌકિક ભાવ
સંધ્યાઆરતી થયા પછી પોતે શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા આવ્યા, ત્યારે રંગમોહોલ પર સંત-હરિભક્તોની ભીડ એટલી બધી થઈ કે ક્યાંય માર્ગ જ ન મળે, તેથી કેટલાક હરિભક્તો ચોકમાં ઊભા રહી દર્શન કરતા હતા; એ વખતે ઘનશ્યામ મહારાજ મંદ મંદ હસતા ને નેત્ર વડે અમૃત વરસાવતા સોનેરી વસ્ત્રો ને સોનેરી પાઘે સહિત પોતાના ભક્તને અભય વર આપી કૃતાર્થ કરતા હોય એમ જણાતું હતું. થોડી વાર દિવ્ય મૂર્તિ મહારાજ અને દિવ્ય મુક્તરાજની અનુપમ શોભા સૌ જોઈ રહ્યા. પછી બાપાશ્રી મંદિરમાં નરનારાયણદેવ આદિ શ્રીજીમહારાજનાં સ્વરૂપોનાં દર્શન કરી ઉતારે ગયા. ત્યાં સંઘના હરિભક્તો સાથે બીજે દિવસ ચાલવાનું નક્કી કરી ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પાસે પણ રજા લઈ આવ્યા. પછી સંતોને એ વાત જણાવી. સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ રોકવાનો બહુ આગ્રહ કર્યો, પણ બાપાશ્રી કહે, ‘ડાહ્યાભાઈ બહુ માંદા છે તે સંભાર્યા કરે છે, તેથી ત્યાં જવાની ઉતાવળ છે.’ સ્વામીશ્રીને તો આ વાતની ખબર જ હતી એટલે કાંઈ બોલી શક્યા નહિ. રાત્રે કથાવાર્તા કરી સૂતા ને સવારે વહેલા જાગી મંગળાઆરતી વખતે નિત્યવિધિ કરી સૌએ ઠાકોરજીને જમાડી લીધા. પછી ઠાકોરજી તથા સદ્ગુરુ આદિ સંતોનાં દર્શન કરી હરિભક્તોએ સહિત બાપાશ્રી જેતલપુર પધાર્યા.