૪૩૧ - સાધુ ઘનશ્યામદાસજી દિવ્ય સુખમાં પહોંચ્યા
બીજે દિવસે નારાયણપુરમાં ધનજીભાઈએ રસોઈ કરાવી સંતોને જમાડ્યા, પણ જે સાધુને બાપાશ્રીએ હાર પહેરાવેલ હતો તેને હજી તાવ ઊતર્યો નહોતો, પણ તાવમાં ને તાવમાં ઠાકોરજીને જમાડીને તુંબડુ કોરું કર્યું. એટલામાં વળી નાહવાનો સંકલ્પ થયો, તેથી કૂવે જઈ નાહ્યા, પણ તાવ વધુ ચડતાં જરા વધારે મૂંઝવણ થતી જોઈ, ઊંચે સાદે પોતે ધૂન્ય કરવા લાગ્યા, એ જોઈ જેટલા સંતો ત્યાં હતા તે સર્વે ભેળા થઈ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ધૂન્ય કરવા મંડ્યા. આ સંતે જાણ્યું જે, ‘બાપાશ્રીએ મને પૂછ્યું હતું કે, ધામમાં જતું રહેવું છે? ત્યારે મેં હા પાડી હતી, તેથી આવા દિવ્ય સ્થાનમાં સંતમંડળની વચ્ચે મારો દેહ પડવાની તૈયારી થઈ લાગે છે.’ એ વિચારે મહારાજ તથા સંતોને પગે લાગતાં ને રાજી થતાં અંતર્વૃત્તિ કરી ગયા. સંતો તો ધૂન્ય કરતા જ હતા. પોતે પણ એ જ રીતે સૌ ભેળા નામ ઉચ્ચારણ કરતાં થોડી વારે દેહ મૂકી દીધો. આમ એ સંતને બાપાશ્રીના આશીર્વાદથી શ્રીજીમહારાજ તેડી ગયા, એટલે સહેજે સંતોને નારાયણપુરમાં રહેવાનું થયું.