૧૭૧ - માનબાઈને મહારાજ તેડવા પધાર્યા

0:000:00

એક વખત વૃષપુરમાં માનબાઈ નામનાં બાઈ બહુ માંદાં હતાં. તે મહારાજને બહુ સંભાર્યા કરતાં, પણ ક્યારેય દર્શન થાય નહિ, તેથી રોજ રોજ પોતાની ભૂલનો વિચાર કર્યા કરે જે, મારો શું એવડો વાંક હશે જે, આ ટાણે મને મહારાજનાં કે કોઈ સંતનાં દર્શન નહિ થતાં હોય! એમ કરતાં મંદવાડ વધતો ગયો ને શાંતિ થાય નહિ; તેથી એક દિવસ પોતાને એમ વિચાર થયો કે, આ અબજીબાપા મારા કાકાજી- સસરા થાય છે ને તે બહુ મોટા છે એમ જાણી મોટા મોટા સાધુ ને હરિભક્તો એમનો જોગ કરવા દરિયા ઊતરી ઊતરીને આવે છે ને મેં એમના ઉપર ઘણી વાર ધોખો કર્યો છે, એ વાંક તો નહિ નડતો હોય? એમ વિચાર કરતાં મનમાં ને મનમાં પસ્તાવો કરવા લાગ્યાં. પછી તે વાત તેના દીકરા હીરજીને બોલાવીને કરી, પણ થોડી વારમાં તો પોતાને ઉપશમ જેવી સ્થિતિ થઈ ગઈ, તેથી હીરજીભાઈએ વિચાર્યું જે, મારી માને આ ભૂલ રહી જશે તો મોટી ખોટ આવશે, એમ જાણી બાપાશ્રી પાસે જઈને એ વાત કરી જે, મારી માને આજ આવો પસ્તાવો થયો હતો, પણ પાછાં શુદ્ધિમાં નથી, તો તમે ઘેર આવી દર્શન દઈ જાઓ તો સારું. આ વચન સાંભળી આ મુક્તરાજ તુરત તેની પાસે ગયા, પણ તે બાઈને શુદ્ધ કે સાન નહિ! આવો મંદવાડ જોઈને બાપાશ્રી કહે ‘હીરજી! તારી માને આ છેલ્લો મંદવાડ છે, મહારાજ હવે અક્ષરધામમાં તેડી જશે. તમે સેવા કરજો ને મૂર્તિમાં વૃત્તિ રખાવજો.’ તે વખતે એ બાઈ બેભાન અવસ્થામાં હતાં તે શુદ્ધિમાં આવ્યાની પેઠે બેઠાં થઈ લાજ મૂકી પગે લાગ્યાં ને હાથ જોડી બોલ્યાં જે, ‘બાપા! મારા વાંકગુના કે અપરાધ હોય તે માફ કરો, મેં કોઈ વાર વ્યાવહારિક વાંધાને લઈને કે બીજા કારણે તમારો ધોખો કર્યો હોય તો મને ખબર નથી, પણ મને એમ થાય છે જે, મહારાજ કે કોઈ સંતોનાં દર્શન ક્યારેય થતાં નથી, તેથી એવો કાંઈક વાંકગુનો હશે. હવે તમે મોટા છો તે તમારી મોટાઈ સામું જુઓ ને મારા પર દયા કરો.’ એમ કહ્યું ત્યારે આ મુક્તરાજ કહે, ‘બાઈ! એનું કાંઈ નહિ. હવે તમારો છેલ્લો જન્મ જાણજો. પણ તમને ધોખો રહે છે તેથી લ્યો ફરી વાર વર્તમાન ધરાવીયે,’ એમ કહી હાથમાં પાણી આપી વાંકગુના માફ કરવાનો સંકલ્પ કરીને બોલ્યા જે, ‘બાઈ! હિંમત રાખજો. મૂર્તિ વિના બીજું કાંઈ સંભારવું નહિ. તમને મહારાજ હમણાં તેડી જશે એમ કહે છે,’ -ત્યાં તો એને દેહની સ્મૃતિ આવી તેથી લાજ કાઢવા મંડ્યાં ને શરમાઈ ગયાં. પછી હીરજીભાઈને કહ્યું જે, ‘હીરજી, હું તો આજ બાપા સાથે બોલી.’ ત્યારે આ મુક્તરાજ કહે, ‘બાઈ! તમારે હવે આ લોકનો સંબંધ ન ગણવો, હવે તો તમે અમારી દીકરી છો,’ –એમ કહી માથે હાથ મૂક્યા, ત્યાં તો શ્રીજીમહારાજ તથા બાપાશ્રી સાથે અનંત મુક્તનાં દર્શન થયાં ને રાજી રાજી થઈ ગયાં. પછી ઘરમાં સૌને ભલામણ કરી કે, ‘તમે બધાય બાપાને વિષે હેત રાખજો, મારે તો તરણા ઓથે ડુંગર હતો; જો બાપા મારા ઉપર રાજી ન થયા હોત તો હું કોણ જાણે ક્યારેય ધામમાં જાત,’ એમ કહી હાથ જોડતાં દેહનો ત્યાગ કરી શ્રીજીમહારાજના સુખે સુખિયાં થઈ ગયાં.