૨૩૬ - ચમત્કારી વાતો
એક દિવસ બાપાશ્રી બપોરના વાડીએ નાહવા ગયા, એ વખતે સંતો પણ ગયા. પછી સૌ નાહીને વાડીમાં ઓટે બેઠા, ત્યારે બાપાશ્રીએ વાત કહી જે, ‘સત્સંગમાં ઘણાય આમતેમ ભટકે છે, દાખડા ને ઉજાગરા કરે છે, જપતપ કરે છે ને હેરાન થાય છે; તે સૌને મહારાજનો ખપ છે, પણ મોટા મુક્ત જે મહારાજના હજૂરી તેણે વિષે દિવ્યભાવ ન હોય, તેથી તેનું મૂર્તિને પામવારુપ કામ સિદ્ધ થતું નથી. માટે ખરું કરવાનું તો એ છે જે, મહારાજ તથા તેમના મોટા મુક્તને દિવ્ય જાણવા ને તેમનો અખંડ જોગ રાખવો, તો દેહ છતાં જ કૃતાર્થ થઈ જવાય. નહિ તો લાખો જન્મ દાખડા કરે, તોય મહારાજનું સુખ ન મળે, કેમ જે સુખના ધણી શ્રીજીમહારાજ છે, તે સુખ આપે ત્યારે જ લેવાય, માટે એમની મરજી જાણવી જોઈએ જે, એ કેમ રાજી થાય છે!'
એક દિવસ રાત્રે સભામાં એમ વાત કરી જે, ‘અનાદિ મુક્ત છે તે તો શ્રી પુરુષોતમરુપ છે, તેમને તો પુરુષોતમનારાયણ વિના બીજું કાંઈ છે જ નહિ, તોપણ આ લોકમાં દેખાય ત્યારે બધોય વિધિ આ લોકને મળતો દેખાડે. એક વાર અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેમના સાઘુને રાત્રે પૂછ્યું જે, આ ટાણે કેટલો વખત હશે? સંતો કહે, સ્વામી! હજી અરધી રાત જેવું લાગે છે. પછી બીજે દિવસ બપોર ટાણે વળી એમ જ પૂછ્યું. ત્યારે સંતો કહે, ‘સ્વામી! અત્યારે બપોર થયા છે.’ પછી સ્વામીશ્રીએ સંતોને પાસે બેસારી ને વાત કરી જે, ‘તમે તો મહારાજની મૂર્તિ અખંડ ધારો છો ને તમને બપોર કે રાતની કેમ ખબર પડી?’ આ વાતથી સંતો સમજી ગયા કે, સ્વામીશ્રીએ આપણી કાચપ ઓળખાવી આપણે મહારાજ વિના રાત કે દિવસનો નિર્ણય શા માટે કરવો જોઈએ? એમ મોટા મુક્ત આપણી પેઠે સર્વે ક્રિયા કરતા દેખાય, પણ એમને મહારાજ વિના બીજું કાંઈ હોય જ નહિ. એવાં મોટા મુક્તની છાયા પડે ત્યાં માયા ગોતી જડે નહિ, નબળા ઘાટ-સંકલ્પ ટળી જાય. જેમ કમળના ફૂલને પાણીનો પાશ ન અડે અને સૂર્યના પ્રકાશમાં અંધારું રહે નહિ, તેમ મોટાની સમીપે માયા પરાભવ કરી શકે નહિ, એમ જાણી મોટા મુક્ત સાથે આત્મબુદ્ધિ કરવી ને જીવ જડી દેવો.’
એક દિવસ સવારમાં કથા થઈ રહી ને થોડાક સંત-હરિભક્તો પાસે બેઠા હતા, ત્યારે પોતે એમ વાત કરી જે, ‘મહારાજને જીવના કલ્યાણ કરવાનો ખપ તો જુઓ! અક્ષરધામમાંથી અહીં મનુષ્યરુપે દર્શન દઈ ગામોગામ ને ઘરોઘર ફર્યા, પોતે ત્યાગની રુચી જણાવતા તો ય દયાએ કરીને લાખો માણસના ભીડામાં રહ્યા, અજ્ઞાનીના ઉપદ્રવ ને અપરાધ સાંખ્યા, એવું એવું ઘણું ય એમણે કર્યું, તો ય જીવને પોતાના કલ્યાણ માટે સંત-હરિભક્તોનો ભીડો ખમવો ને વચનમાં વર્તવું એટલું ય કઠણ પડે છે. જીવને મનનું ગમતું કરવામાં ઘણા કાળના સ્વભાવ પડ્યા છે, તેથી દુઃખિયા વર્તે છે, પણ જો એવા અવળા સ્વભાવ મૂકી આવા મોટાનો જોગ-સમાગમ કરે ને સત્સંગની લટક શીખી, ભાગવતધર્મ સિદ્ધ કરે, તો મહારાજ તથા મોટા મુક્ત તેની કાચપમાત્ર ટાળી નાખે.’