૨૫૫ - ચરણારવિંદ - પ્રતિષ્ઠાનું મુહૂર્ત

0:000:00

એમ કરતાં માહ મહિનાની એકાદશીને દિવસે પોતાને એમ થયું જે, ‘કચ્છના નાનામોટા હરિભક્તો અહીં આવે તો સૌને છેલ્લી વાર દર્શન થઈ જાય ને મારે પણ એ સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી લેવાય. એ વિચારથી શ્રીજીમહારાજે પ્રથમ મોટા મોટા વ્યવહારવાળા હરિભક્તોને ગુજરાત, કાઠિયાવાડ આદિ દેશોમાંથી પરમહંસ દીક્ષા લઈ ભૂજમાં આવવા લખેલું. પછી એ સૌ આવ્યા, ત્યારે શ્રીજીમહારાજ જે ઠેકાણે તેમને મળેલા, એ સ્થાને જેઠી ઘેલાભાઈએ સ્વામીશ્રીને રાજી કરવા તેમની આજ્ઞા લઈ પ્રથમ છત્રી કરાવેલી હતી, તેમાં ચરણારવિંદની પ્રતિષ્ઠા કરવા નિમિત્તે સૌને તેડાવવા ધારી, જેઠી ઘેલાભાઈને પોતાની પાસે બોલાવી મુહૂર્ત જોવરાવવા કહ્યું. આજ્ઞા થતાં તેમણે મુહૂર્ત જોવરાવ્યું, પણ મુહૂર્ત ઢૂકડું આવતું નથી, એમ બ્રાહ્મણોએ કહ્યું; તેથી સ્વામી પાસે આવી તેમણે બનેલ વાત કરી. ત્યારે સ્વામીશ્રી કહે, ‘તમે મહારાજને સંભારી ફરી વાર મુહૂર્ત જોવરાવો.’ એ વચનથી તે બીજી વાર ગયા ને મુહૂર્ત કઢાવ્યું તો ફાગણ સુદ બીજનું આવ્યું. એ વાત તેમણે સ્વામીશ્રી પાસે આવીને કરી. તેથી સ્વામી રાજી થયા ને બોલ્યા જે, ‘ઘેલાભાઈ! આ શુભ કામ ટાણાસર કરી લ્યો. હવે મારા શરીરનો કાંઈ નિરધાર નથી, એટલે આ કામ વહેલું થઈ જાય તો સારું.’ આમ આજ્ઞા થતાં સંત-હરિભક્તોને એ વાતનો ખટકો થયો.

આ વખતે વૃષપુરમાં બાપાશ્રીએ સંતોને કાગળમાં લખી જણાવ્યું હતું જે, ‘હવે તમારે દર્શને આવવું હોય તો સુખેથી આવજો.’ એટલે સદ્‍ગુરુઓ તથા મૂળીના સંતો કેટલાક વસંતપંચમીનો સમૈયો મૂળીમાં કરીને કચ્છમાં આવેલા, તેથી વૃષપુરમાં કથાવાર્તા ને જોગ-સમાગમનો લાભ લેવા ગામડાંઓમાંથી ઘણા હરિભક્તો આવતા. રામપુરમાં પણ મુક્તરાજ ધનબાએ એમને ગામ આ મુક્તમંડળને લઈ જવા વિચાર કરેલ, પણ પ્રથમ એક વાર બાપાશ્રીએ તેમને કહેલ કે, કાંઈક નિમિત્ત હોય તો સંતને તેડાવવા એ ઠીક. તેથી આ વખતે તો સંતોને વૃષપુરમાં આવેલા જોઈ પોતે બારોબાર ભૂજ જઈ, રામપુરમાં પોતાને કથા કરાવવી છે તથા ગંગાજીએ મહારાજ પધારેલા ત્યાં છત્રી કરાવેલ છે, તેમાં ચરણારવિંદ પધરાવવાનું સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીને જણાવી, સંતોને રામપુર મોકલવા કહેવરાવ્યું.

સ્વામીશ્રીને પોતાને ધામમાં પધારવાની ગોઠવણ આ મહિનામાં ફાગણ સુદ બીજની ને આ મોટાં મુક્ત ધનબાની પારાયણની માગણી પણ એ જ દિવસે ફાગણ સુદ બીજથી પૂનમ સુધીની. તેથી પ્રથમ તો પોતે વિચાર કર્યો જે, ‘હવે શું કરવું!’ પણ પછી હા પાડી જે, ‘સંતો આવશે ને ફાગણ મહિનામાં આ ફેરે બે સામૈયા થશે.’ આમ મર્મવચન કહ્યાં, પણ જે હરિભક્તો પારાયણનું નક્કી કરાવવા સ્વામીશ્રી પાસે ગયેલા તે આ મર્મ સમજયા નહિ.

ત્યાર પછી ધનબાએ વૃષપુરમાં આવી ફાગણ સુદ બીજથી પૂનમ સુધી કથા કરાવવાનું તથા ગંગાજીએ ચરણારવિંદ પધરાવવાનું ભૂજના સંતોએ નક્કી કર્યું છે, એમ બાપાશ્રીને જણાવી તેમની પાસે પણ સંતોએ સહિત રામપુર આવવા માગણી કરી. બાપાશ્રીએ પણ તેમને મર્મમાં કહ્યું જે, ‘તમારી પારાયણમાં સંતોને તાણ બહુ પડશે, કેમ કે સ્વામીશ્રી માંદા છે, તે કેટલું રહે એ કોઈને ખબર ન પડે; એ તો મહારાજ જાણે, પણ સાધુને બે ઠેકાણે પહોંચવું કઠણ પડશે.’ એ વખતે મુક્તરાજ ધનબા તો એમ કહેવા લાગ્યાં જે, ‘સ્વામીએ રાજી થઈને કહ્યું છે ને તમે હા પાડો ને સદ્‍ગુરુઓને લઈને આવો, એટલે બધુંય ઠીક થઈ રહેશે.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘તો ભલે, મારી ના નથી.’

આમ રામપુરમાં ફાગણ સુદ બીજની પારાયણ બેસારવાનું મુહૂર્ત ને ગંગાજીએ ચરણારવિંદ-પ્રતિષ્ઠા, એ જ રીતે ભૂજમાં સ્વામીશ્રીની આજ્ઞાથી ચરણારવિંદ-પ્રતિષ્ઠા ને તે જ દિવસે પોતાને ધામમાં પધારવાનો સંકલ્ય, -આમ દિવ્ય મુક્તોની લીલા પણ એવી જ દિવ્ય!