૨૫ - માતાપિતાનાં ધન્યભાગ્ય

0:000:00

આ રીતે થોડાં વર્ષ વીત્યા પછી જ્યારે આ મુક્તરાજને બરાબર યુવાન અવસ્થા આવી ત્યારે તો સૌ કોઈ જાણી ગયું કે, ‘બીજા મનુષ્ય જેવા આ નથી; આ તો કોઈ મહારાજના મોટા મુક્ત જ છે. નહિ તો યુવાન અવસ્થામાં વૃદ્ધાવસ્થા જેવી રીત ન હોય. આમનું બોલવું, ચાલવું, જમવું, રમવું એ સર્વે જુદી જ રીતનું જણાય છે, સંતો પાસે અત્યંત દાસભાવ બતાવે છે, હરિભક્તો પાસે મિત્રભાવે વર્તે છે, માતાપિતા પાસે શિશુભાવ, સગાંવહાલાં સાથે સ્નેહભાવ જણાવે છે, પણ જેની સાથે વાતો કરે છે તેમાં મૂર્તિ વિના બીજા શબ્દ બોલતા નથી. એક એક વાતે મૂર્તિનું દૃષ્ટાંત દઈને જ વાત કરે છે. આવા આ અનાદિ મુક્તરાજનાં દર્શનથી આનંદ પામતાં દેવબાઈને હવે વૃદ્ધાવસ્થા જણાવા માંડી, તેથી પોતે તેમની પાસે બેસી શ્રીજીમહારાજની મૂર્તિ કેમ ધ્યાનમાં લેવી તે વાત કરવા લાગ્યાં. ક્યારેક મૂર્તિનાં કીર્તન બોલે, પછી મહારાજનાં અંગોઅંગનું વર્ણન કરી સમજાવે. લીલાચરિત્ર કહે. પણ જયાં એ મૂર્તિનાં સુખનું બરાબર વર્ણન આવે ત્યાં પોતે જ સમાધિમાં જતા રહે, તેથી દેવબાઈને અત્યંત દિવ્યભાવ વધતો ગયો.

એક વખત દેવબાઈ બોલ્યાં જે, ‘ભાઈ! તમે મને જેમ મહારાજની વાતો કરો છો, તેમ ઠેઠ અક્ષરધામમાં મહારાજ પાસે મૂકી દેજો.’ ત્યારે આ મુક્તરાજ બોલ્યા જે, ‘મા! તમને જ્યારે શ્રીજીમહારાજે દર્શન આપ્યાં હતાં ત્યારે મહારાજની કેવી શોભા તમે જોઈ હતી? એવા ને એવા સંભાર્યા કરજો. મહારાજ આપણા સામું જોઈ રહ્યા છે. આપણે એ મૂર્તિમાં જોડાઈ જઈએ એટલે દેહ છતાં જ જાણે ધામમાં બેઠાં. મૂર્તિ ન મળી હોય તેને આવરણ છે, તમારાં તો બહુ મોટાં ભાગ્ય છે એમ જાણો, કેમ કે, શ્રીજીમહારાજનાં દર્શન થોડાં ભાગ્યવાળાને નથી મળતાં.’ એમ વાત કરી તેથી માતુશ્રીના મનમાં એમ જે, ‘આવા પુત્ર મારે ઘેર આવ્યા છે, તે મને તો ઠેઠ પહોંચાડી દેશે.’

શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘જેને ઘેર આવા પુરુષે જન્મ ધર્યો તેનાં માબાપ કૃતાર્થ થયાં જાણવાં.’

આ રીતે પાંચાભાઈ તથા દેવબાઈનાં ધન્યભાગ્ય માનવામાં કોને નવાઈ લાગે?