૧૮૫ - માનકૂવામાં પારાયણ

0:000:00

એ વખતે માનકૂવામાં પારાયણ બેસવાની હતી તેથી હરિભક્તો ગાડાં લઈ સંતો ને તેડવા આવતાં સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીએ બહુ આગ્રહ કરી કહ્યું કે, ‘સ્વામી! તમારે હવે પારાયણ સુધી રોકાવું જોશે. તમે રોકાઓ તો ત્યાંના હરિભક્તો રાજી થાય, જો મહિના પંદર દિવસનું છેટું હોત તો હું તમને તાણ ન કરત.’ આવાં કેટલાક વચનો કહ્યાં, તેથી સ્વામીશ્રી કાંઈ બોલી શક્યા નહિ ને સંતો સાથે માનકૂવે ગયા. બે દિવસ પછી બાપાશ્રી માનકૂવે આવ્યા ત્યારે સ્વામીશ્રી આદિ સંતોને મળી પૂછ્યું જે, ‘ સ્વામી! કેમ રોકાઈ રહ્યા? ત્યારે તેમણે કહ્યું કે’ ‘ સ્વામી અક્ષરજીવનદાસજીએ બહુ આગ્રહ કર્યો, એટલે કોઈ રીતે નીકળાણું નહિ,’ પછી બાપાશ્રી એમ બોલ્યા જે ‘ભલે રોકાણા, મહારાજની મરજી થોડા દિવસ રોકવાની હશે.’ આ મર્મવચનથી બપોરની કથા ચાલુ નહોતી થઈ ત્યારે સ્વામીશ્રીએ એકાંતે લઈ જઈને બાપાશ્રીને પૂછ્યું જે ‘તમે વાતમાં મર્મ કર્યો જે, થોડા દિવસ રોકવાની મહારાજ ની મરજી હશે, એ શું?’ ત્યારે પોતે વિસ્તારી ને વાત કરી જે, ‘તમારી સાથે સાધુ બળદેવચરણદાસજી છે, તે હમણાં માંદા પડવાના હતા, તેથી તમારે અહીં ચાકરી કરવી પડે, તેથી અહીં રહેતાં તમને સેવા-સમાગમનું સુખ ન આવે તેમ ચાકરી કરનાર સંત થોડા ને ત્યાં પહોંચી ગયા હો તો બીજા સંતો સેવામાં મદદ કરે, એટલા સારુ બીજે ક્યાંય રોકાવાની ના પાડી હતી, પણ હવે રોકાણા તે થયું; મહારાજ બધુંય સારું કરશે, કેમ કે આવતી કાલે સ્વામી વૃંદાવનદાસજી તથા ધોળકાના મહંત બળદેવચરણદાસજી તથા કાણોતરના બાપુભાઈ, ને રનોડાના પીતાંબરભાઈ આદિ સંત-હરિભક્તો માર્ગમાં છે તે આવશે, એટલે સેવામાં વાંધો નહિ આવે.’ પછી કહેવા પ્રમાણે બીજે દિવસે સ્વામીશ્રી આદિ હરિભક્તો આવ્યા, તેથી કથાયજ્ઞ બહુ સારો થયો ને પારાયણ પૂરી થઈ ત્યાં સુધી નિત્ય નવાં નવાં દર્શન ને કથાવાર્તાનો લાભ મળતાં માનકૂવાના હરિભક્તો પણ બહુ રાજી થઈ ગયા.