૬૮૭ - જુદે જુદે પ્રકારે મહારાજનાં દર્શન
એક વખત બાપાશ્રીએ સભામાં વાત કરી જે, ‘મહારાજની મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે, આ તો ‘અમૃતના સિંધુ ઊલટ્યા, રંગડાની વાળી છે રેલ, પુરુષોત્તમ પ્રગટી,’ એવું છે. આ યજ્ઞમાં મહારાજ અનંતમુક્ત સાથે દર્શન દઈ સૌને સુખિયા કરે છે, તેથી સર્વેને આનંદ આનંદ વર્તે છે. કેટલીક વાર શ્રીજીમહારાજ જાણે સભામાં બિરાજતા હોય, ક્યારેક માણકીએ ચડી પંક્તિમાં દર્શન દેવા ફરતા હોય તો કોઈ વાર દિવ્ય સમૂહે વીંટાણા થકા ભાલમાં ચંદનની આડે સહિત ગુલાબ ને મોગરાના ફૂલહારથી ગરકાવ અને ક્યારેક ચોકમાં ચંદની નીચે સભા પર અમૃતનજર કરતા એવા જુદે જુદે પ્રકારે સંત-હરિભક્તોને પણ દર્શન થાય છે.’
એક વાર કરાંચીના લાલુભાઈ મને કહેવા લાગ્યા જે, ‘બાપા! આજ તો શ્રીજીમહારાજ સભામાં સોનેરી વસ્ત્રોએ સહિત ગાદીતકિયા પર બિરાજમાન હતા ને મૂર્તિમાંથી તેજની સેડ્યો નીકળતી હતી, સભા પણ બધી તેજોમય. મહારાજ સભા સામું જોઈને મંદ મંદ હસતા હતા, પછી મને પાસે બોલાવીને મારા માથા પર હાથ મૂક્યા, એ વખતે મહારાજે કંઠમાં ગુલાબનો મોટો હાર પહેરેલો હતો અને સંત-હરિભક્તો સર્વે આનંદ પામતા થકા મહારાજની સામે એક નજરે જોઈ રહ્યા હતા.’
એક વાર સાયલાના ચુનીલાલભાઈ સભામાં બેઠા હતા ત્યારે તેમની સામા મહારાજ ઢોલિયા પર બિરાજેલા અને સોનેરી વસ્ત્રો ધારણ કરેલા તથા કંઠમાં ફૂલના હારથી ગરકાવ એવાં તેમને દર્શન આપ્યાં હતાં. આવી રીતે આ યજ્ઞમાં શ્રીજીમહારાજે અપાર દયા કરી છે, તેથી જે જે સેવાઓ કરે છે તેને બહુ મોટો લાભ મળે છે.
રોજ સવારમાં ચાર વાગ્યાથી મંદિરમાં, ગામમાં ને વાડીઓમાં આવતા-જતા હરિભક્તોથી ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ થઈ રહે છે. કથા વખતે મંદિરમાં તથા ઓશરી કે ચોકમાં હરિભક્તો ઊભરાતા જ હોય છે, સમાપ્તિ પછી કીર્તન બોલાય ત્યારે જાણે મંદિર બધું ગાજતું હોય તેમ લાગે. એ જ રીતે સવાર-સાંજ ચોઘડિયાં વાગે છે ત્યારે જાણે આકાશમાર્ગે ‘જય જય’ના નાદ થતા હોય તેમ જણાય છે. આ પ્રકારે યજ્ઞમાં સહુને એકસરખો ઉમંગ વરતે છે.