૩૭૭ - લાલજીભાઈનાં પત્ની ધામમાં પહોંચ્યાં

0:000:00

આ રીતે સ્વામીશ્રીના દેહોત્સવની વાત બન્યા પછી એ જ માસમાં પાછો નારાયણપુરમાં ધનજીભાઈના દીકરા લાલજીભાઈની પત્નીને ઘણો મંદવાડ થઈ ગયો. બાપાશ્રી ત્યાં હમેશાં દર્શન દેવા જતા, પણ મંદવાડમાં કાંઈ ફેર ન પડવાથી એક દિવસ લાલજીભાઈનાં માતુશ્રી કેશરબાઈ બહુ મૂંઝાઈ ગયાં ને કહ્યું કે, ‘બાપા! વહુને હવે નિરાંત થાય એવી દયા કરો તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એને આજથી અગીઆરમે દિવસે સાવ નિરાંત થઈ જશે.’ આ વાતથી ઘરમાં સૌ રાજી થઈ ગયા ને મંદવાડ પણ રોજ રોજ ઘટવા લાગ્યો. દસ દિવસે તો એમ થયું જે, ‘હવે એક જ દિવસ બાકી રહ્યો.’ ત્યાં તો છેલ્લે દિવસે પાછો મંદવાડ વધી ગયો ને બપોર થયા ત્યાં તો દેહત્યાગ કરી દીધો. એ વખતે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તેમને તેડવા આવ્યા, એવાં દર્શન તેમને તથા ધનજીભાઈની બહેન તેજબાઈને થયાં, પછી સૌને એમ થયું જે, બાપાશ્રી કહેતા હતા કે, અગીઆરમે દિવસે સાવ નિરાંત થઈ જશે’ તે ધામમાં લઈ જવાની વાત કરી હશે. પણ આપણે એમનું વચન સમજી ન શક્યા, -એમ કહી મન વાર્યું, પણ ઘરમાં કોઈને એમ સંકલ્પ થયો જે, ‘તે બાઈની નાની ઉંમર હતી તે ધામમાં ગઈ હશે કે કેમ?’ આ વાત અંતર્યામીપણે જાણી, એક દિવસ બાપાશ્રી તેમને ઘેર આવ્યા ને ઘરના સૌને બોલાવીને કહ્યું કે, ‘તમારામાંથી કોઈને શંકા થઈ તે ડુંગરા ડગ્યા કે શું? આ બાઈ ઠેઠ મહારાજના સુખમાં પહોંચી ગઈ છે, તેમાં કોઈ શંકા કરશો મા’ –આવાં વચનથી સૌએ હાથ જોડ્યા ને કોઈ દિવસ મહારાજ તથા તેમના મુક્તને વિષે મનુષ્યભાવ ન આવે એવી પ્રાર્થના કરી.