૨૫૪ - શ્રીજીમહારાજનાં દર્શન થવા લાગ્યાં

0:000:00

અનાદિ મુક્તરાજ બાપાશ્રીનાં આવાં વચનથી સંત-હરિભક્તોનાં મનમાં એમ થઈ ગયું કે, સ્વામી હવે બહુ રહેશે નહિ, તેથી રાત્રિદિવસ દર્શન-સેવાએ સૌ રાજી કરવા મંડ્યા. સ્વામીશ્રીને વધુ મંદવાડ જણાયા પછી પોતે રાત્રિદિવસ મૂર્તિમાં જોડાઈ રહેતા. તેથી તેમને શ્રીજીમહારાજનાં દર્શન થવા લાગ્યાં; પણ પોતાને જરાય જણાવવા ઉપર તાન નહિ. તેથી કોઈને આ વાત જણાવતા નહિ. ક્યારેક વાત વાતમાં મર્મમાં કહેતા જે, ‘આ સત્સંગમાં શ્રીજીમહારાજના અનેક સંત છે, તેમાં કોઈને મહારાજ દર્શન દેતા હોય, મળતા હોય કે હેતે કરીને બોલાવતા હોય, આજ્ઞા પાળવે કરીને પ્રસન્નતા જણાવતા હોય, માટે સહુને વિષે દિવ્યભાવ લાવવો. કાલે સત્સંગમાં આવ્યા હોય તોય એવાના જોગમાં રહ્યા છે, તે એમનાં મોટાં ભાગ્ય છે, એમ દિવ્યભાવ પરઠવો; પણ આ ઠીક છે, આ ઠીક નથી, આ આવા છે, તેવા છે, આમ કરે છે, તેમ કરે છે, એવા ભાવ ન પરઠવા ને સદાય મહારાજના વચનમાં ખબડદાર રહેવું, એક બીજાને પરસ્પર હેત રાખવું.’ આમ ભલામણ કરતા હતા. મંદવાડને લીધે તેમનું શરીર અતિ કૃશ થઈ ગયેલ, છતાં દિવસરાત્રિમાં પાંચ છ વખત નાહવાનું થતું, તોય શ્રદ્ધા એવી ને એવી. નિયમમાં પણ જરા ફેર ન પડે.