૫૯૯ - લાલુભાઈને ઇસ્પિતાલમાં અલૌકિક દર્શન

0:000:00

આ વખતે કરાંચીમાં રહેતા શ્રીજીમહારાજના કૃપાપાત્ર મુક્તરાજ લાલુભાઈને થોડા દિવસ પહેલાં માર્ગમાં ચાલતાં કોઈની ગાડી ભટકાઈ જવાથી હાથે, પગે અને બીજા ભાગમાં લાગતાં બહુ રુધિર નીકળેલ, તેમ જ શુદ્ધિ પણ રહી નહોતી. પછી તેમનાં સગાંવહાલાંઓને ખબર પડતાં તેઓ તેમને ઇસ્પિતાલમાં લઈ ગયેલાં, પણ તે વખતે તેને ખબર ન હોવાથી જ્યારે એ શુદ્ધિમાં આવ્યા ત્યારે બહુ જ પશ્ચાત્તાપ કરતા કહેવા લાગ્યા જે, ‘મને અહીં ક્યાંથી લાવ્યા?’ પણ સગાંસંબંધીઓએ સમજાવ્યા કે, ‘હાથ-પગનું કામ છે, તેથી પાંચ દિવસ જેમતેમ કરી નભાવી લ્યો. તમારે અહીં જમવું નહિ પડે, કેમ કે દૂધ પાવાનું ડૉક્ટર કહે છે તે ઘેરથી લાવી પાશું.’ આમ કહેવાથી કાંઈ બોલ્યા નહિ, પણ મનમાં ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એમ કરતાં છસાત દિવસ થયા ત્યાં એ સૂતા હતા ને આકાશમાર્ગે તેજોમય સ્વરૂપે મહારાજ તથા બાપાશ્રી અને ઘણા સંતો સૌ એક પછી એક જાણે ઉપરથી ચાલ્યા આવતા હોય તેમ ઇસ્પિતાલમાં આવી તેમના ખાટલા પાસે ઊભા રહ્યા. આવાં દર્શન થતાં લાલુભાઈને તો આનંદ આનંદ થઈ ગયો; ત્યાં તો મહારાજ એ દિવ્ય સમૂહે સહિત તુરત અદૃશ્ય થઈ ગયા. આવાં દર્શનથી પોતાને એમ થયું જે, ‘મહારાજ તથા બાપાશ્રી રાજી થયા છે, તેથી હવે ઠીક જશે. માટે હવે ઇસ્પિતાલમાં ન રહેવું.’ એવો વિચાર કરી રજા લઈ ઘેર આવતા રહ્યા, પણ હાથપગમાં દુઃખાવો મટ્યો નહોતો, તેથી ઘેર આવી તેમના જાણીતા ડૉક્ટર પાસે પાટો બંધાવવો ચાલુ રાખ્યો, પણ લાગેલા ભાગમાં દુઃખાવો મટે નહિ, અને એ વખતે તેમને એવા ખબર મળ્યા કે, બાપાશ્રી પોતાના દીકરા તથા પૌત્રની આંખો માટે દવા કરાવવા અમદાવાદ આવ્યા હતા તે હવે ઝાલાવાડ તરફ પધારવાના છે. આવા સમાચારથી પોતાને દર્શન કરવાની તથા ઇસ્પિતાલમાં રહ્યાનું પ્રાયશ્ચિત્ત પૂછવાની તીવ્ર ઇચ્છા થઈ, પણ લાગેલા ભાગમાં દુઃખાવો મટ્યો નહોતો, તેથી બહુ મૂંઝવણ થતાં રાત્રિના બે વાગ્યે ઓચિંતાના તેજોમય ત્રણ પુરુષનાં દર્શન થયાં. તે શરીરમાં પુષ્ટ બહુ તેમ ઊંચા પણ એવા. તે જોઈ લાલુભાઈએ તેમને પૂછ્યું જે, ‘આપ કોણ છો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘અમે અક્ષરધામમાંથી મહારાજની આજ્ઞાએ તમને તેડવા આવ્યા છીએ,’ –આમ બોલતાં એમ ને એ ત્રણે મુક્તો લાલુભાઈને ઉપાડીને ઊડ્યા તે થોડી વારમાં દિવ્ય સ્થાનમાં લઈ ગયા, ત્યાં એક મોટી પાટ હતી તે પર તેમને સુવારી પાટા બાંધેલ હતા તે છોડી નાખ્યા ને લાગેલ ભાગ પર ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરી હાથ ફેરવ્યા. પછી તુરત જ પ્રથમની પેઠે ઉપાડીને ઊડ્યા તે તેમના ઘરમાં જ્યાં એમને સૂવાનું હતું ત્યાં જ લાવીને મૂકી દીધા, ત્યાં તો લાલુભાઈ જાગ્રત અવસ્થામાં આવી ગયા ને જોયું તો પોતાને હાથેપગે ડૉકટરે પાટા બાંધેલ હતા તે છૂટી ગયેલા, તેમ પીડા પણ નહિ.

આ દર્શનથી આનંદ પામતાં લાલુભાઈ ત્યાં રહેતા હરિભક્તો ગોવિંદભાઈ તથા સોમચંદભાઈને પોતાની સાથે લઈ ઝાલાવાડ દેશના ધ્રાંગધ્રા ગામમાં આવવા નીકળ્યા, કેમ કે બાપાશ્રી ત્યાં જવાના છે તેવા ખબર તેમને મળ્યા હતા, પણ જ્યારે પોતે ધ્રાંગધ્રે પહોંચ્યા ત્યારે સ્ટેશને એવા ખબર મળ્યા જે, ‘આ ગામમાં બાપાશ્રી તથા સંતોએ પધારી સૌને બહુ જ સુખિયા કર્યા, હરિભક્તોએ રોકવા બહુ તાણ કરી, પણ ન રોકાતાં એ તો કાલે જ હળવદ પધાર્યા છે,’ આવા સમાચારથી એ સહુ ત્યાંથી બારોબાર હળવદ ગયા, ત્યાં તો ઘણા હરિભક્તોએ સહિત બાપાશ્રી કોઈને ઘેર પધારતા હતા તે માર્ગમાં મળ્યા, ત્યાં સહુએ દંડવત્ કર્યા. તે ટાણે બાપાશ્રીએ લાલુભાઈને બહુ હેતથી મળીને કહ્યું જે, ‘લાલુભાઈ! તમને અહીં દર્શને આવવાની બહુ તાણ થઈ, તેથી મહારાજે ને અમે તમારું દુઃખ મટાડી દીધું,’ – આવાં વચન સાંભળી લાલુભાઈના આનંદનો પાર રહ્યો નહિ. પછી ત્યાંથી બાપાશ્રી ભૂજવાળા સોની મોતીભાઈને ઘેર જમવા પધારતા હતા, ત્યાં એ સૌને સાથે લઈ ગયા ને પાસે બેસારી પોતે હેતે સહિત તેમને જમાડ્યા, પણ લાલુભાઈના મનમાં એવો સંકલ્પ જે, ‘હું ઇસ્પિતાલમાં રહી આવ્યો છું, તે પ્રાયશ્ચિત્ત પૂછું તો ઠીક.’ પણ એવો પ્રસંગ ત્યાં ન મળ્યો.

પછી ગામમાં સૌને દર્શન દઈ બાપાશ્રી ત્યાંથી માથક ગયા, ત્યાં પણ એ ભેળા જ હતા. એ ગામમાં ભગવાનજીભાઈને ઘેર થાળ કરાવેલ હોવાથી તેમણે પ્રાર્થના કરી બાપાશ્રીને જમાડ્યા, ત્યારે પણ લાલુભાઈને પોતે પ્રસાદી આપી. એ ટાણે બાપાશ્રી ભગવાનજીભાઈને ઘેર જરા આરામ કરી બેઠા હતા, એ જોઈ તેમના મનમાં એમ થયું જે, ‘અહીં પ્રાયશ્ચિત્ત પૂછ્યું હોય તો ઠીક;’ એમ જાણી પોતે જ્યાં પૂછવાનો વિચાર કર્યો, ત્યાં તો એ ગામના હરિભક્તો તથા ગુણબુદ્ધિવાળા કેટલાક માણસો બાપાશ્રી પાસે આવી પોતાને ઘેર તેડી જવા પ્રાર્થના કરવા લાગ્યા તેમ ગામના માણસો પણ સહુ દર્શન કરવા ઊલટ્યા, એટલે માથકમાં રહ્યા ત્યાં સુધીમાં એ વાત પૂછવાનો લાગ મળ્યો નહિ. પછી ત્યાંથી બાપાશ્રી સાથે એ ગામ સરા ગયા. ત્યાં મુક્તરાજ મનસુખભાઈ બહુ હેતવાળા હોવાથી આ વાત પૂછવાનું ઠીક પડશે એમ ધાર્યું, પણ તે કાને સાંભળતા નહિ, તેમ આ લાલુભાઈ પણ કાને બરાબર ન સાંભળતા હોવાથી કાને ભૂંગળું રાખી વાતચીત કરતા; જેથી એકબીજામાં આ વાત કહેવાનો કે સમજાવવાનો સમય મળ્યો નહિ. ત્યાંથી પાછા કોંઢ આદિ ગામોમાં દર્શન દઈ બાપાશ્રી મૂળીએ આવ્યા. એ બધે ઠેકાણે એમને આ વાત પૂછવાનો સંકલ્પ ટળે નહિ, તેમ ગામોગામ હરિભક્તોના સમૂહ વિના ક્યારેય બાપાશ્રીને એકલા જુએ નહિ, તેથી પોતે એમ ધાર્યું જે, ‘બાપાશ્રી અમદાવાદ પધારશે, ત્યાં સદ્‍ગુરુઓ પાસે બેઠા હશે ત્યારે પૂછવાનું ઠીક પડશે.’ એમ વિચાર કરતા એ તો સાથે જ રહ્યા.