૪૮૨ - ઘડાણીની પારાયણમાં જઈ આવ્યા
આ રીતે બધી તૈયારી થતી હતી ત્યાં વળી ગામ ઘડાણીમાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પારાયણ બેઠી. તે પારાયણમાં તેડી જવા સોની નારાયણભાઈ બાપાશ્રી પાસે આવ્યા ને ઘણી પ્રાર્થના કરી, ત્યારે પ્રથમ તો ના પાડી ને કહ્યું જે, ‘અમારે અહીં મોટો યજ્ઞ કરવાનું કામ ચાલે છે, તેથી જો ત્યાં આવીએ તો પહોંચી શકાય નહિ.’ તોપણ નારાયણભાઈએ બહુ હેત જણાવી કહ્યું જે, ‘આપને ત્યાં દર્શન દીધા વિના નહિ ચાલે. જો નહિ આવો તો સહુ નિરાશ થઈ જશે.’ આવાં વચનોથી પોતે હા પાડી ને કહ્યું જે, ‘તમે જાઓ. હું વહેલોમોડો પારાયણમાં જરૂર આવી જઈશ.’ આથી નારાયણભાઈ રાજી થઈને પોતાને ગામ ગયા ને બાપાશ્રી ફાગણ વદ બારશના દિવસે બળદગાડી જોડાવીને ધનજીભાઈ તથા બીજા બે હરિભક્તો સાથે ઘડાણી પહોંચ્યા.
પારાયણ ચાલતી હતી ને બાપાશ્રી ધનજીભાઈ આદિ સાથે સભામાં પધાર્યા, તે જોઈ સંત-હરિભક્તો તથા સોની નારાયણભાઈ વગેરેને આનંદનો પાર રહ્યો નહિ. મહારાજનાં દર્શન કર્યા પછી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી, બાપાશ્રી સભામાં બેઠા, ત્યારે નારાયણભાઈએ આવી બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચી મોટો ફૂલનો હાર પહેરાવ્યો. એ વખતે નાનામોટા હરિભક્તો આ દિવ્ય સ્વરૂપ મુક્તરાજનાં દર્શન કરતાં તૃપ્ત જ થતા નહોતા. થોડી વારે કથાની સમાપ્તિ થઈ ત્યારે કીર્તન બોલાણાં. પછી સંતો સર્વે ઊભા થઈ બાપાશ્રીને મળ્યા, તે જોઈ હરિભક્તો પણ એક પછી એક દંડવત્ કરીને મળવા લાગ્યા. હવે પારાયણની સમાપ્તિનો ફક્ત એક જ દિવસ બાકી રહ્યો હતો, તેથી સહુને બાપાશ્રીનાં દર્શન ને સેવાની તાણ ઘણી હોવાથી મંદિરમાં, ઉતારે કે ઘેર જ્યાં બાપાશ્રી જાય ત્યાં હરિભક્તોની ભીડ મટે નહિ. એમ કરતાં હરિભક્તોની પંક્તિ થઈ, ત્યાં પણ બાપાશ્રી દર્શન દેવા પધાર્યા. રાત્રે સભામાં કથાવાર્તા થયા પછી સંતોના આગ્રહથી થોડું દૂધ પીધું.
બીજે દિવસ સમાપ્તિ હોવાથી બાપાશ્રી તથા સંત-હરિભક્તોએ વહેલા નાહી પૂજા કરી પરવારી લીધું, ત્યાં હરિભક્તો ગાજતેવાજતે ભેટ વગેરે છાબો સભામાં લાવ્યા ને થોડી વાર કથા વંચાયા પછી સમાપ્તિ કરી, પુસ્તક તથા પુરાણીની પૂજા-આરતી થઈ, પછી હરિભક્તોએ સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. બાપાશ્રીને તો પોતાને ઘેર યજ્ઞનું પરિયાણ હતું, એટલે સભામાં એ વાત સંત-હરિભક્તોને જણાવી આમંત્રણ દેવા લાગ્યા ને કહ્યું જે, ‘યજ્ઞની કંકોત્રીઓ આવે એટલે સહુ હેતે સહિત આવજો. અહીં મારાથી છેલ્લે દિવસે અવાણું છે, તેથી તમોને તાણ રહી હશે, પણ તેનો બદલો ત્યાં વળી જશે.’ એમ કહી ઠાકોરજીને જમાડી બાપાશ્રીએ ચાલવાની તૈયારી કરવા માંડી. તે વખતે નાનામોટા હરિભક્તો સહુ ભેળા થઈ ગયા. કોઈ હાર પહેરાવે, તો કોઈ નાળિયેર, સાકર લાવી પગે લાગે. કેટલાય દંડવત્ કરે, માથે હાથ મુકાવે, આશીર્વાદ માગે; વળી છેટેથી કેટલાંક બાઈઓ હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કરે. એમ ઘણો વખત ભીડ જ મટે નહિ. એ જોઈ બાપાશ્રીએ ઊંચે સાદે સૌને કહ્યું જે, ‘હવે અમને રાજી થઈને જવા દ્યો, તમારા સહુનાં હેત જોઈ અમે ઘણા રાજી થઈએ છીએ, પણ હવે અમને મોડું બહુ થાય છે.’ એમ કહી ગાડામાં બેઠા, ત્યારે હરિભક્તો દંડવત્ કરવા મંડ્યા, એ સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી માર્ગમાં સૌને દર્શન દેતા બાપાશ્રી વૃષપુર પધાર્યા.