૪૯ - મોટા નાગનો મોક્ષ!
થોડો દિવસે વળી એક આશ્ચર્યકારક બનાવ એ બન્યો કે ભાઈશ્રી વાડીએ જઈને ઝાડ નીચે બેઠા હતા, ત્યાં ઓચિંતો એક મોટો નાગ આવ્યો, અને ભાઈશ્રી સામું જોઈને ફેણ ઊંચી કરી ફૂંફાડા મારવા લાગ્યો. પોતે ધ્યાન કરી બેઠા હતા તે જાગ્યા, ને સામું જોઈ બોલ્યા જે, ‘આમ હજી કેટલા દિવસ દુ:ખિયા રહેવું છે?’ એ વખતે વાડીમાં કાનજી ભક્ત મૂલે આવેલ, તેણે આ બધું નજરે જોયું, તેથી એ પ્રાર્થના કરવા લાગ્યો જે, ‘ભાઈ! આને શું ધામમાં મૂકી દેવો છે?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘આ તો મોટા રાજા હતા, તે આવા દેહમાં આવ્યા છે, તે એમ ને એમ કેમ જાય?’ આમ વાતો કરે છે ત્યાં તો એ નાગ તુરત ચાલ્યો ગયો. જયાં આગળ જાય છે ત્યાં કોઈકે તેને લાકડી મારી, તેથી એ તડફડવા મંડ્યો. ત્યાં તો ભાઈશ્રીએ તરત તેની પાસે જઈને વર્તમાન ધરાવ્યાં ને એમ બોલ્યા જે, ‘જાઓ! હવે તમારું પૂરું થયું!’ પછી એ વાત તે કાનજી ભક્તને કરી ત્યારે તેણે પૂછ્યું જે, ‘આટલી જ વાર! એને ક્યાં મૂક્યો?’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘તેનો મોક્ષ કર્યો.’ મહારાજ તથા મોટાના જોગે આમ તુરત કામ થઈ જાય ને કાંઈ કરવું ન પડે.