૨૩૭ - મહારાજ તથા મુક્તની મર્યાદા રાખવી
એક દિવસ બપોર વખતે પોતે માથે ઓઢીને સૂતા હતા ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ આવી જરા માથેથી લૂગડું ઊંચું કરી જોયું જે, બાપાશ્રી પોઢ્યા છે કે કેમ? ત્યાં તો પોતે જાગતા હતા તેથી હસતા થકા બોલ્યા જે, ‘મોટા સંતને જગાડવા હોય તેમાં મર્યાદા બહુ જાળવવી, એ વાતની તમને ખબર છે કે નથી?’ ત્યારે બ્રહ્મચારી કહે, ‘બાપા! એ વાતની ખબર તો છે, પણ મને એમ થયું જે, મહારાજના મુક્ત તો સૂતા હોય તો ય મૂર્તિના સુખમાં ગુલતાન હોય ને જાગે તો ય તેને તો મૂર્તિ જ હોય.’ ત્યારે પોતે બોલ્યા જે, ‘એ તો ખરું, પણ મર્યાદા રાખવામાં સારું અને એમ તો સમજણ રાખવી જે, મહારાજના દર્શન કરવા ત્યારે જાણે અનંત મુક્ત એ મૂર્તિ ભેળા છે ને મોટા મુક્તના દર્શન કરવા ત્યારે એવો ભાવ રાખવો જે, અનંત મુક્તે સહિત મહારાજ એમના ભેળા છે.’ એમ કહેતાં બેઠા થયા ને બોલ્યા જે, ‘જ્યારે તમે મહારાજની સેવા-પૂજા કરતા હો, ત્યારે પણ એમ જાણવું જે, હું અક્ષરધામમાં પૂજા કરું છું. પણ પ્રતિમાભાવ ન રાખવો, કેમ કે અહીં શ્રીજીમહારાજ મનુષ્યરૂપે દેખાણા એ મૂર્તિ તથા જે પ્રતિમારૂપે દર્શન આપે છે, એ મૂર્તિ અને અક્ષરધામમાં અનંતકોટિ મુક્તને અખંડ દિવ્ય તેજોમય દર્શન આપે છે -એ ત્રણેય મૂર્તિમાં એક રોમનો ફેર નથી. આમ સમજણ રાખવાથી દિવ્યભાવ વધતો ને વધતો જાય.’ એમ વાત કરી તેથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી બહુ રાજી થયા ને ઠાકોરજીનું પ્રસાદીજળ લાવી બાપાશ્રીને પાયું. તે વખતે વળી બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આમાં કાંઈ ખોટું હોય તો કહેજો.’ ત્યારે તે બ્રહ્મચારી કહે. ‘બાપા! બરાબર છે; જરાય ખોટું નથી.’ આ રીતે વાતની વાતમાં સિદ્ધાંતવચનો સમજાવતા હોવાથી સંત-હરિભક્તોમાં ઘણો સમાસ થયો. સદ્ગુરુ અક્ષરજીવનદાસજી તો મર્યાદાની ને વચનની મૂર્તિ સમાન હતા. તેથી બાપાશ્રી તેમના પર ઘણી પ્રસન્નતા જણાવતા. આ રીતે પૂનમ સુધી બાપાશ્રી તથા સદ્ગુરુઓ ભૂજમાં રહ્યા. પછી ચાલવા સમયે સંતો ચંદન ચર્ચી, હાર પહેરાવી, પરસ્પર દંડવત્ કરી મળ્યા, તે વખતે બાપાશ્રીને સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી કહે, ‘ભાઈ! આવાં ને આવાં સદાય રાજી રહેજો.’ ત્યારે તેમના પર અતિ પ્રસન્નતા જણાવતા પોતે બોલ્યા જે, ‘તમે સત્સંગ બધોય દિવ્ય કરી મૂક્યો છે, તેથી તમારા ઉપર તો મહારાજ ને અનંત મુક્ત સદાય રાજી છે. આ સંત-હરિભક્તો તમને લઈને સુખિયા છે.’ એમ કહી ચાલવાનું કર્યું. એ ટાણે ઘણા હરિભક્તો વળાવવા સાથે આવ્યા, તે સહુને મહાદેવના નાકા બહાર ઊભા રાખી બાપાશ્રી તથા સંતો ગાડામાં બેસી વૃષપુર પધાર્યા.