૪૫૯ - `સત્સંગ મહાસભા` ની સ્થાપના
આ બધી હકીકત સદ્ગુરુઓ તથા બાપાશ્રી અને મોટા મોટા હરિભક્તોએ સાંભળી તેથી સૌને એમ થયું જે, 'આચાર્યશ્રીને ધાર્યું કરવાની ને કબજો કરી પોતાની સત્તા વાપરવાની મરજી જણાય છે. હવે જો આપણે કાંઈ નહિ કરીએ તો આગળ સંત-હરિભક્તોને દુ:ખ થશે, તેમ સંપ્રદાયમાં મહારાજે જે જે રીત બાંધી છે તેમાં ફેર પડતાં કેટલાયનાં મન સત્સંગમાંથી પાછાં પડી જશે.' -એમ જાણી સંત-હરિભક્તોની એક મોટી સભા ભરવાનો ઠરાવ કર્યો, ને એ વાત બાપાશ્રીને જણાવી. ત્યારે બાપાશ્રી કહે, 'ભલે! જેમ ઠીક થાય તેમ કરો. આપણે તો શ્રીજીમહારાજના ધોરણ પ્રમાણે ચાલવાનું છે, અમે પણ સૌના ભેળા રહીશું.' આવા આશીર્વાદ-વચનથી સમૈયા વખતે જ મોટા મોટા સંતો તથા દેશોદેશના હરિભક્તોએ મળી 'સત્સંગ મહાસભા' ની સ્થાપના કરી. પછી સભા ભરાઈ તેમાં એકબીજાએ પોતાના અભિપ્રાયો જણાવ્યા, ઠરાવો થયા અને તેની સહાયતા માટેની ગોઠવણ પણ નક્કી કરી. એ વખતે સમૈયામાં ઘણા હરિભક્તો આવેલા પણ વરસાદ થોડો હોવાથી નદીમાં પાણી ઓછું હોવાને લીધે નાહવા-ધોવાની સૌને તાણ પડતી હતી. તે વાત સંતોએ બાપાશ્રીને જણાવી તે ટાણે પોતે એમ બોલ્યા જે, 'શ્રીજીમહારાજ સારું કરશે.' આ વાત થયા પછી બીજે દિવસ સવારમાં સંત-હરિભક્તો નાહવા ગયા ત્યાં નદીમાં પાણી ઘણું આવેલું, એ જોઈ સહુ આશ્ચર્ય પામ્યા અને સંત-હરિભક્તોમાં જેને ખબર હતી તે તો બાપાશ્રીનો અદભુત પ્રતાપ જાણી મહિમા જાણવા લાગ્યા.
આ વખતે બાપાશ્રી સાથે ઘણા હરિભક્તો હોવા છતાં પોતે બાર દિવસ મૂળીએ રહી મહારાજ તથા મોટા મુક્તોના અલૌકિક મહિમાની વાતો કરીને સહુને રાજી કરતા હતા, પણ મોટા મોટા સંતોને હવે એ ચિંતા થવા લાગી કે આ વિક્ષેપનું સમાધાન કરવામાં હાથ જોડવા, પ્રાર્થના કરવી કે હજી સમજાવવા જવું, એવા કોઈ ઉપાય કામ ન આવે તો પછી શું કરવું? સૌ મેડે, આસને ભેળા થાય, ને એકબીજામાં વાતો કરી બાપાશ્રીને પૂછવાનો વિચાર કર્યા કરે પણ આગળ થઈને પૂછે નહિ.