૫૩૪ - સૂરજપુરમાં મૂર્તિપ્રતિષ્ઠા તથા સંતોને રજા

0:000:00

આ રીતે એ સંતને આશીર્વાદ આપીને બાપાશ્રી હરિભક્તોની સાથે વહેલા નારાયણપુર પઘાર્યા. ત્યાં ધનજીભાઈએ બહુ તાણ કરી પરાણે જમાડ્યા ને ઉતાવળથી ગાડી તૈયાર કરાવી, બાપાશ્રી તથા સંતોને માંહી બેસાર્યા. એ વખતે ધનજીભાઈના દીકરા લાલજીભાઈ ગાડી હાંકતા હતા ને કેડામોર હરિભક્તો ચાલ્યા આવતા હતા, એમ સહુ સૂરજપુર પહોંચ્યાં. પ્રતિષ્ઠાનો સમય થઈ જવા આવ્યો હતો. તેથી સંત-હરિભક્તો વાટ જોઈને ઊભા હતા ત્યાં બાપાશ્રી અને સંતો આવ્યા એટલે સૌ મહારાજની ચંદન-પુષ્પથી પૂજા કરતા, અષ્ટક ને સ્તોત્રો બોલવા લાગ્યા અને બાપાશ્રીએ પણ ઘડીક ધ્યાને યુક્ત મૂર્તિ સામા ઊભા રહી પછી અનેક વેદમંત્રના સારરૂપ 'હે મહાપ્રભુ! શ્રીજીમહારાજ! ઘનશ્યામ મૂર્તિ! મહારાજાધિરાજ! સર્વોપરી!' એવા એવા દિવ્ય મંત્રો બોલી મહારાજની કેસર-ચંદન ને કુંકુમથી પૂજા કરી હાર પહેરાવ્યા; પછી એ જ વખતે બાપાશ્રી તથા સંતોએ મળી પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી થાળ જમાડ્યો ને સૌને પ્રસાદી વહેંચી. થોડી વારે સભા થઈ ત્યારે સંતોએ મહારાજના મહિમાની ઘણી વાર વાતો કરી સૌને રાજી કર્યા. એ રીતે સૂરજપુરમાં મહારાજની પ્રતિષ્ઠા કરી ભૂજના સંતો ભૂજ ગયા ને બાપાશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર આવ્યા.

ત્યાં આવ્યા પછી બીજે દિવસ સંતોને દેશમાં મોકલવા પોતે એમ કહ્યું જે, 'સ્વામી! આ ફેરે આપણે ઘણો વખત ભેળા રહ્યા. હવે મને એમ લાગે છે જે, તમે દેશમાં જવાનું કરો તો ઠીક. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો તમારી વાટ જોતા હશે.' ત્યારે સ્વામીશ્રી કહે, 'ભલે! અમારે તો આપનો જેમ રાજીપો હોય તેમ કરવાનું છે.' પછી બીજે દિવસ ગાડાનું નક્કી કર્યું ને ઠાકોરજીને જમાડીને ચાલવાનું હતું. એ વખતે પોતે સ્વામીશ્રી આદિ સહુને ચંદન ચર્ચી, હજારી ફૂલના હાર પહેરાવી મળ્યા ને કહ્યું કે, 'આ ફેરે તમે સત્સંગમાં ફરીને ઘણો સમાસ કર્યો ને અનેક જીવને મહારાજ સન્મુખ કર્યા. આવા સંત અનંત બ્રહ્માંડમાં ખોળતાં ન મળે.' પછી મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ પર પણ રાજીપો જણાવીને કહ્યું કે, 'આમણે તો મારી સેવા કરવામાં કાંઈ ખામી જ રાખી નથી. મહિમાવાળા ને વિશ્વાસુ પણ એવા, જેમ કહો તેમ હા.' એમ કહી ફરી વાર મળી માથે હાથ મૂક્યા ને બળધેશ્વર મહાદેવના મંદિર સુધી વળાવવા જઈ સૌને ગાડામાં બેસારી પાછા વળ્યા.