૩૨૧ - સંત-હરિભક્તો પર અત્યંત હેત

0:000:00

ત્યાર પછી સંવત ૧૯૭૦ના માહ મહિનામાં મૂળીએ વસંતપંચમીનો સમૈયો કરીને અમદાવાદથી સદ્‍ગુરુમંડળ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી નારાયણસેવકદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી, હરિપ્રસાદદાસજી તથા મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી તથા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી આદિ સંતો તથા સેવક આશાભાઈ તથા નડિયાદવાળા ઝવેરીલાલભાઈ અને ગોધાવીના માસ્તર જગન્નાથ આદિ હરિભક્તો બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ કચ્છમાં આવ્યા; તે પ્રથમ ભૂજમાં થોડા દિવસ રહી વૃષપુર આવીને ઠાકોરજીનાં દર્શન કરતા હતા, તે વખતે બાપાશ્રી ઓરડીમાં સૂતા હતા, ત્યાં કોઈ હરિભક્તે જઈને કહ્યું કે, ‘બાપા! સદ્‍ગુરુઓ આવ્યા.’ ત્યાં પોતે ઝબકીને જાગ્યા ને ધોતિયાભર ઉઘાડે શરીરે હતા તે ખંભે એક ધોતિયું નાંખી મંદિર પર આવ્યા. સંતો હજી મહારાજને દંડવત્ કરે છે, ત્યાં તો બાપાશ્રીએ સંતોને દંડવત્ કરવા માંડ્યા. એ જોઈ સંતોએ ઊભા થઈ હાથ ઝાલી લીધા ને બાથમાં ચાંપી મળ્યા; એ વખતે સ્વામી વૃંદાવનદસજીને મળતાં તેમને ખંભે દાઢી દબાવી બહુ હેત જણાવી કહ્યું કે, ‘સ્વામી! તમે બહુ દયા કરી પધાર્યા. અમારે આવા સંત વિના ઘડીએ ન ચાલે ને તમારે મંદિરના વ્યવહાર તે વારે વારે દેશમાં જવું પડે, તોય તમારી દયા બહુ જેથી અમને ઘેર બેઠાં દર્શન આપો છો!’ ત્યારે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘અમને આપે એમ રાખ્યા છે, તેથી શું થાય? નહિ તો અમે અહીંથી ક્યારેય જઈએ નહિ, એવું થાય છે, પણ તમે આજ્ઞા કરો છો એટલે જવું પડે છે.’ પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી નારાયણસેવકદાસજી તથા બીજા સંતોને મળતાં ઘણી પ્રસન્નતા જણાવી. પછી સંતોએ આસન કરી જળપાન કર્યા કે સભા ભરાઈ ગઈ. બાપાશ્રીનું આસન સદ્‍ગુરુઓની સામે હતું, તેથી પોતે કેડિયું, પાઘડી પહેરી આસને આવી બેઠા, એટલે ઠાકોરજીના સેવકે પ્રસાદીના હારથી બાપાશ્રી તથા સંતોની પૂજા કરી કે બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. સંતો બાપાશ્રીને જોઈને તૃપ્ત ન થાય ને બાપાશ્રી સંતો સામું જુવે. વળી અંતર્વૃત્તિ કરી મૂર્તિ ધારે. આ રીતે ઘણી વાર મૌનપણે સહુ દર્શન કરતા હતા. તે જોઈ બાપાશ્રી કહે, ‘સંતો! ચલાવો.’ તોપણ કોઈ બોલ્યા નહિ ત્યારે પોતે સભા સામું જોઈને કહે, ‘સ્વામી! આ સમયે શ્રીજીમહારાજે જીવોનો આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યા છે. આપણે એમના ખોળામાં મસ્તક મૂકી દઈએ એટલે જીતનો ડંકો થઈ ગયો, કેમ જે એ તો ન્યાલકરણ છે. અનંત બ્રહ્માંડમાં એમની કોઈ જોડ ન મળે; પણ જીવને એ વાતની ખબર કે મહિમા નહિ. જેમ ખરો ઝવેરી હીરાને પારખે ને કિંમત કરે, તેમ શ્રીજીમહારાજનો મહિમા જેવો છે તેવો અનાદિ મુક્ત વિના બીજા કોઈથી જાણી શકાતો નથી; માટે એવા મોટાનો ખપ કરવો. મહારાજ ને મોટા મુક્ત તો અધમ જેવા જીવ હોય તોય દૃષ્ટિમાત્રે કલ્યાણ કરી નાખે, એવું એમનું સામર્થ્ય છે.’ આવાં વચનો સાંભળતાં સંતોને શાંતિ શાંતિ થઈ ગઈ.

પછી આરતીનો સમય થવાથી સંતો ગોડી બોલ્યા. આરતી પછી રાત્રે કથાવાર્તા થઈ; વળી કીર્તન બોલાણાં. સંત-હરિભક્તોને એક જ તાન કે, આપણા ઉપર અનાદિ મુક્તરાજ બાપાશ્રી રાજી કેમ થાય? ઊઠતાં-બેસતાં એ જ વાત. હમેશની પેઠે સંતો વહેલા પરવારી બાપાશ્રી પૂજા કરે ત્યાં હાજર હોય, એ ટાણે મળે બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી ઘેર જઈ આવે, એટલે ઠાકોરજીના થાળ થાય ત્યાં સુધી ઓશરીમાં કે ફળિયામાં દિવ્ય સભા બેઠી જ હોય. સંતો પાસે બેસી વાતો કરે, હરિભક્તો ચંદન, પુષ્પથી પૂજાઓ કરે. પોતે ઘેરથી કાંઈ ને કાંઈ વસ્તુ લાવે તે સુધારી ઠાકોરજીને જમાડી સૌને વહેંચે. ઓરડીએ જાય તો ત્યાં સંતનો ભરાવો હોય, ભંડારે આવે ત્યારે ત્યાં પણ એ જ રીત. તડકે બેઠા હોય ત્યારે સંત-હરિભક્તો તડકે બેસે. પોતાને પણ સંતો આવે ત્યારે એમ જે, ‘કઈ રીતે હું સંતોને રાજી રાજી કરી દઉં?’ નારાયણપુરથી ધનજીભાઈ કે તેમના દીકરા તેડવા આવે ને કહે, ‘બાપા! સંતોને લઈ બે રાત બધાયને દર્શન દઈ જાઓ.’ ત્યારે ત્યાં જઈ દર્શન દે, ત્યાં સંતોને માટે મંદિરમાં થાળ થાય અને પોતે ધનજીભાઈને ઘેર ઠાકોરજીને જમાડે. મંદિર, વાડીએ કે ઘેર સભાઓ થાય. જતાં-વળતાં માર્ગમાં સંતો સાથે મહારાજની વાતો કરે; જ્યારે સંતોને ગામમાં હરિભક્તોને ઘેર જવાનું હોય ત્યારે નાનામોટા હરિભક્તોથી શેરિયું ઊભરાતી હોય. આમ વખતોવખત સદ્‍ગુરુ કે સંતમંડળ આવે ત્યારે આનંદ આનંદ થઈ રહે. વચમાં ભૂજના હરિભક્તો કોટવાળ ધનજીભાઈ, ભોગીલાલભાઈ કે નાનાલાલભાઈ, સોની મોતીભાઈનું કુટુંબ તથા વિપ્ર વિઠ્ઠલજી, શંભુરામ આદિ તથા હજૂરી નારાયણભાઈ જેવા દર્શને આવે ત્યારે સુંગંધીમાન ફૂલના હાર લાવી તેઓ પૂજાઓ કરે. અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ તેમને હેત ઊપજે તેવાં વચનોથી રાજી કરી હાર પહેરાવે, માથે હાથ મૂકે. મૂર્તિના સુખની અલૌકિક વાતો તો ચાલતી જ હોય. દહીંસરાથી મુક્તરાજ કેસરાભાઈ આવે, એ તો હેતની મૂર્તિ જેવા! સાથે તેમના દીકરા ખીમજીભાઈ હોય તે પણ એવા. રામપુરના દેવરાજભાઈને તો સંતો આવે એટલે ઘણુંખરું વૃષપુરમાં જ રહેવાનું. ભારાસર, માનકૂવા, સુખપુર આદિ ગામોથી પણ હરિભક્તો આવે ને જાય; તેથી જ્યાં સુધી સદ્‍ગુરુઓ રહે ત્યાં સુધી નિત્ય પ્રત્યે નવીન સમૈયો. કેટલાંક નાનાં બાળકોને વર્તમાન ધરાવવા લાવે, તો કેટલાક મંદવાડવાળા આવી આશીર્વાદ લઈ જાય. કોઈને સકામ કે નિષ્કામભાવે પ્રાર્થના કરવાની હોય, એવા જે કોઈ આવે તે આ દિવ્ય સભાને પ્રતાપે સુખિયા થઈ જાય. અનાદિ મુક્તરાજ બાપાશ્રીને તો સદ્‍ગુરુ પ્રાણસમાન વહાલા, તેથી પોતે ઘડી ઘડી ‘સ્વામી! સ્વામી!’ કરે ને જે કાંઈ વાત હોય તેમાં સદ્‍ગુરુઓને પૂછો એમ કહે, કાં તો ‘સ્વામી! આનો નિર્ણય કરી આપો,’ એમ કહે. આમ બાપાશ્રી સંતોનાં નામ લે ને સંતો બાપાશ્રીનું નામ લે.