૬૨ - નિર્ગુણ મુક્તનો પરસ્પર મહિમા તથા ભલામણ

0:000:00

થોડી વાર થઈ ત્યાં તો કેટલાક ફૂલના હાર લાવી લાવીને પહેરાવવા મંડ્યા. ભાઈશ્રી કહે, ‘સ્વામીને પહેરાવો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘તમે પણ ક્યાં ઓછા છો? હવે તો સૌને રાજી કરો.’ એમ એકબીજાનો મહિમા કહેવાથી, હરિભક્તો ચંદન-કુંકુમથી પૂજાઓ કરે અને હાર પહેરાવે, તેથી સભામાં સૌને આનંદ આનંદ થઈ ગયો.

રાત્રે ઠાકોરજીનાં દર્શન કરી સભાની સમાપ્તિ થઈ ત્યારે સ્વામીશ્રીએ ભાઈશ્રીને સાથે તેડી જઈ તાણ કરી સારી રીતે જમાડ્યા. પછી આસને આવ્યા ને પોતાને પડખે આસન કરાવ્યું.

આ બન્ને દિવ્ય નિર્ગુણ મુક્તો એકબીજાથી જુદા ન પડી શકે એવું હેત જણાવતા હોવાથી સ્વામીશ્રીના જોગવાળા ને સ્થિતિવાળા સંત-હરિભક્તો ત્યાં ને ત્યાં જ બેસી રહેતા. રાત્રે સ્વામીશ્રીએ આસન કર્યા પછી ધીરે ધીરે કહેવા માંડ્યું કે, ‘ભાઈ! હવે તમારે મહારાજના સુખની સૌને વાતો કરવી, કેમ કે મહારાજે અનાદિ મહામુક્ત સદ્‍ગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીને પુરુષોત્તમપણું પ્રવર્તાવવાની આજ્ઞા કરી હતી, તે જ્યારે તેમણે એવી વાતો કરવા માંડી ત્યારે ઘણી ઉપાધિ થઈ, પણ તેમણે કોઈ ઉપાધિને ગણી નહિ. સત્સંગમાં સ્વામીશ્રીને સહુ જાણતા જે, એમના જેવા બીજા કોઈ નથી. મહારાજે પણ અંતર્ધાન થતી વખતે સત્સંગની સોંપણી એમને કરી હતી, તોય ઉપાધિ કરનારે એમના સામર્થ્ય સામું જોયું નહોતું, અજ્ઞાની ને આસુરી જીવની એ રીતિ છે, પણ તેણે કરીને અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી જેવાને શું? એ તો બેય દેશમાં પુરૂષોત્તમપણાની વાતો કરતા જ રહ્યા. એવા મહાપ્રતાપી સદ્‍ગુરુશ્રીના આપણે છીએ, માટે તેમના રાજીપામાં ને તેમની આજ્ઞામાં આપણે રહેવું જોઈએ. સ્વામીશ્રીનો ઠરાવ એવો કે જીવને મહારાજ જેવા છે તેવા સમજાવી દેવા, તેમાં ગમે તેટલી ઉપાધિ થાય તોય ન ગણવી. મને પણ સ્વામીશ્રીએ એવી ભલામણ કરી છે, ત્યારથી તેમની આજ્ઞા પ્રમાણે જ વર્તું છું. ઉપાધિ તો કરનારા ઘણીયે કરે છે. પણ મહારાજના ને મોટાના સંકલ્પ પાસે કોનું ચાલે? એક વખત બહુ ઉપાધિ થઈ, ત્યારે ‘શ્રીજીમહારાજે ધર્મધુરંધર આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને દર્શન દઈને કહ્યું હતું.’ પછી તેમણે એ વાત સભામાં કરી ત્યારથી સૌ દબાઈ ગયા છે. માટે હવે તો છૂટથી મહારાજના સર્વોપરીપણાની વાતો સભામાં થાય છે.’ અમદાવાદમાં તો નાનાથી મોટા સંત-હરિભક્તો શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ ને અદ્વિતીય મૂર્તિ છે એમ સમજે છે. કચ્છમાં પણ અમે આવી જ વાતો સભામાં કરીએ છીએ. ‘અમને હજુ જેટલા દિવસ શ્રીજીમહારાજ રાખશે તેટલા દિવસ આ સેવા કરશું. પછી તો તમારે ખજીના ખુલ્લા મૂકવા પડશે.’