૨૯૩ - મહિમાની વાતો તથા આશીર્વાદ

0:000:00

એક વખત સવારની સભામાં વાત કરી જે, ‘આ જીવને બીજું બધુંય મળે, પણ મહામોંઘી વસ્તુ જે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત ન મળે; તે દયા કરીને મળ્યા છે, પણ એવું જણાતું નથી, ત્યાં સુધી મહિમા સમજાતો નથી ને જીવમાંથી રાંકપણું જતું નથી. પણ શ્રીજીમહારાજ જેવા ભગવાન અને આવા મુક્ત અનંતકોટિ બ્રહ્માંડમાં ક્યાંય નથી.’

એક વાર કાકરવાડીમાં ઉત્તરમુખે બાવળ નીચે પોતે બેઠા હતા, ત્યાં એક નાનો કાંકરો હાથમાં લઈને બોલ્યા જે, ‘અમે એક વાર છપૈયા જતાં જેપુર ગયા હતા ત્યારે આવડો હીરો ઝવેરી ત્રિકમજીભાઈએ અમને બતાવ્યો હતો, પણ તેની કિંમતની ઝવેરી હોય તેને જ ખબર પડે. તેમ શ્રીજીમહારાજ તથા અનાદિ મુક્તના મહિમાની ખબર જે તેના પારખુ હોય તેને જ પડે.’

એ પ્રકારે ચમત્કારી વાતો કરતા ને દર્શન-સેવા વગેરેનું સુખ આપી આનંદ પમાડતા બાપાશ્રીએ તે હરિભક્તોને આઠ દિવસ પોતાની પાસે રાખ્યા. પછી દેશમાં જવાની રજા આપી ત્યારે એ હરિભક્તોએ ચંદન ચર્ચી, ફૂલના હાર પહેરાવી દંડવત્ કર્યા, ત્યારે પોતે પ્રસન્ન થકા મળ્યા ને ભલામણ કરી જે, ‘તમે સૌ મહાપ્રભુની બાંધેલી પંચવર્તમાનની આજ્ઞા બરાબર પાળજો. અમે તમને અમારા ભેળા અક્ષરધામમાં રાખ્યા છે, એવો વિશ્વાસ રાખી સદાય ભેળા છીએ એમ જાણજો.’ એમ કહી ચરણરજની પ્રસાદી આપી ને બોલ્યા જે, ‘અંતસમે આ પ્રસાદી જેને ચોપડશો કે પાશો તેને અમે અક્ષરધામમાં શ્રીજીમહારાજની હજૂરમાં લઈ જશું.’ એમ આશીર્વાદ આપ્યો.